Fri Jul 24 2026

Logo

કમોસમી વરસાદના વિરામ સાથે કચ્છમાં અંગ દઝાડતી ગરમીની આણ વર્તાવવી શરૂ: ભુજમાં ૩૮ ડિગ્રી મહત્તમ તાપમાન

2026-04-10 14:43:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ અખાત્રીજના તહેવારના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે અરબી સમુદ્રમાં હળવા દબાણો સર્જાવવાનું શરૂ થઇ ચૂક્યું છે એ વચ્ચે કચ્છ સહીત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે વિરામ લેતાં ફરી પાછી કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ચુકી છે. 

કચ્છમાં બળબળતા તાપે આક્રમણ શરૂ કરી દેતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. કચ્છના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો આંક ૪૦ ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને આજે ૩૮ ડિગ્રી સે. મહત્તમ તાપમાન સાથે ભુજ શહેરે રાજ્યના સૌથી ગરમ મથકોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કાકા કાલેલકરે વર્ણવેલી ઉનાળાની બપોર જેમ સ્વચ્છ આકાશ વચ્ચે ધૂળ ઉડાડતા ઉના પવનોની હાજરી વચ્ચે અકળાવનારી ગરમીની તીવ્રતા વધુ પ્રમાણમાં અનુભવાઈ રહી છે. કંડલા(એરપોર્ટ) ખાતે પણ ઉષ્ણતામાનનો પારો ૩૬ ડિગ્રીએ પહોંચતાં અંજાર-ગાંધીધામ વિસ્તાર પણ તાપમાં શેકાયા હતા. 

આ ઉપરાંત અબડાસા તાલુકાના મુખ્યમથક નલિયામાં ૩૫ ડિગ્રી સે. તાપમાન સાથે ગરમીમાં આંશિક રાહત અનુભવવા મળી હતી. લઘુતમ પારો પણ ઊંચકાઈને ૨૪થી ૨૬ ડિગ્રીએ પહોંચી જતાં સૂર્યાસ્ત બાદ ઉકળાટથી જનજીવન હાલ અકળાઈ રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમ્યાન મહત્તમ પારો ૪૦થી ૪૨ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)