અમદાવાદઃ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિભારે વરસાદની આગાહી અને સર્જાયેલી પૂર જેવી સ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરત, વલસાડ, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર, મહેસાણા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 24 જુલાઈ 2026 એટલે કે આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુરતની વાત કરવામાં આવે તો, શાળાઓ બંધ, જાહેર રજાના દિવસે શિક્ષણકાર્ય પૂર્ણ કરાશે. સુરત શહેર તથા સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને પગલે કલેક્ટર દ્વારા સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વરસાદને કારણે બગડેલા અભ્યાસના સમયગાળાને પહોંચી વળવા માટે આગામી સમયમાં આવતી જાહેર રજાના દિવસે વર્ગો શરૂ રાખીને શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવાનું રહેશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો બંધ
વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિને કારણે આજે તમામ આંગણવાડીઓ, શાળા-કોલેજો, આઈ.ટી.આઈ. (ITI) અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત, મુસાફરીમાં પડતી મુશ્કેલીઓ અને અનિચ્છનીય બનાવો રોકવા માટે જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમો તેમજ કારખાનાઓમાં પણ તમામ કામગીરી બંધ રાખવા આદેશ કરાયો છે.
અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ, આઈટીઆઈ અને પોલિટેકનીક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી છે. આ જ રીતે, દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નર્મદા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી અને રેડ એલર્ટને પગલે રજા રાખી ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખવા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્ચો છે.
અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર, મહેસાણા અને સાબરકાંઠામાં પણ એલર્ટ
અમદાવાદ ગ્રામ્યમાં ભારે વરસાદના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આજે અમદાવાદ ગ્રામ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. કલેક્ટર કચેરી અને જિલ્લાના 9 તાલુકાઓમાં કંટ્રોલરૂમ ચોવીસે કલાક કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ સાથે ભાવનગર, મહેસાણા અને સાબરકાંઠામાં હવામાન વિભાગની ચેતવણીને આધારે જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સ્થગિત રખાયું છે.