-સિદ્ધાર્થ છાયા
તનિષ્ક બાગચી, પરેશ રાવળ, આમીર ખાન
ગયા વીકેન્ડમાં દેશભરમાં આંસુઓનું ઘોડાપૂર લાવી દેનારી ફિલ્મ ‘સૈયારા’ એક વર્ષની થઇ. બરાબર એ જ દિવસે આ ફિલ્મનું ધૂમ મચાવનાર ટાઈટલ સોંગ સૈયારા તુ તો બદલા નહીં હૈના વન ઓફ ધ કમ્પોઝર્સ તનિષ્ક બાગચીએ સોશ્યલ મીડિયા પર એક લાંબીલચક પોસ્ટ લખી. આ પોસ્ટમાં તેમણે આ ગીત માટે પોતાનો જીવ રેડી દીધો હતો એવી વાત તો કરી પણ પછી છેલ્લે એક વિસ્ફોટ કર્યો. બાગચીએ એવો દાવો કર્યો કે એને એની લાયકાત કરતાં ઓછાં પૈસા યશરાજે આ ગીત માટે આપ્યાં છે.
બાગચીનું કહેવું હતું કે, આજના જમાનામાં 8 લાખ રૂપિયા તો સિંગદાણા કહેવાય. જ્યારે મેં મારો આખો જીવ આ ગીત માટે રેડી દીધો હોય ઉપરાંત આ ગીત સુપરહીટ ગયું હોય, યશરાજ એની રોયલ્ટીમાંથી કરોડો કમાતા હોય તો એમણે મારા તરફ જોવાની જરૂર છે. બાત તો સહી હૈ! પણ જ્યારે આ ‘બાત’ યશરાજ સુધી પહોંચી ત્યારે તેમણે તરત આનો જવાબ આપ્યો.
યશરાજે જણાવ્યું કે તનિષ્ક બાગચીને એમની સાથે થયેલા કોન્ટ્રાક્ટ અનુસાર રકમ ચૂકવી દેવામાં આવી છે. તનિષ્ક સાથે આ ગીત સાથે જોડાયેલા અન્ય બે કોમ્પોઝર્સ ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નીઝામી વચ્ચે રકમ સરખે ભાગે વહેંચવામાં આવી હતી. જ્યાં સુધી રોયલ્ટીનો સવાલ છે તો એ પણ ચારેય પાર્ટીઓએ સાથે બેસીને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે જ ચૂકવવામાં આવી છે અને ભવિષ્યમાં પણ ચૂકવવામાં આવશે. મજા તો ત્યારે આવી જ્યારે હવેથી પોતે પોતાના સંગીતની ખરી કિંમત જે પ્રોડ્યુસર સમજશે તેની સાથે જ પોતે કામ કરશે એવો દાવો એ પોસ્ટમાં કરનારા બાગચીએ યશરાજનાં ખુલાસા બાદ પોતાની એ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી.
OMG પરેશભાઈ આ તમે શું કહી દીધું?
પરેશ રાવળે હાલમાં એક પોડકાસ્ટમાં ધડાકો કરી દીધો છે. પરેશભાઈનું કહેવું છે કે ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ એ મુખ્યત્વે તેમનો વિચાર હતો. તેમણે એક વાર્તા વિચારી હતી અને ઓએમજી-2નાં ડાયરેક્ટર અમિત રાયને તેમણે આ વાર્તા સહુથી પહેલાં સંભળાવી હતી.
વાર્તાનો થીમ એજ સેક્સ એજ્યુકેશન પર હતો અને જે આપણે ફિલ્મમાં જોઈ એ જ પ્રકારે એમાં વાત કરાઈ હતી. પરંતુ પરેશભાઈની સ્ટોરીમાં ક્યાંય ભગવાન ન હતા. પરેશ રાવળનું કહેવું હતું કે તેમણે વિચારેલી વાર્તામાં ક્યાંય ભગવાન ન હતા, બલકે ‘મુકદ્દર કા સિકંદર’માં જેવું કાદરખાનનું પાત્ર હતું એવું એક બાઈકરનું પાત્ર એમણે વિચાર્યું હતું.
આ બાઈકર પેલાં ફસાઈ ગયેલા છોકરાના પિતાને ગાઈડ કરે એવી વાત એમણે વિચારેલી. આ પાત્ર માટે તેમણે અજય દેવગણ અને સલમાન ખાનને અપ્રોચ કર્યો હતો. પરંતુ વિવાદાસ્પદ વિષય હોવાથી તેમણે પરેશભાઈને ના પાડી દીધી. બાદમાં, કોઈ રીતે સ્ક્રિપ્ટ અક્ષય કુમાર સુધી પહોંચી અને તેણે આ રોલ કરવાની મક્કમ ઈચ્છા દર્શાવી. બસ અહીંથી તકલીફ શરૂ થઇ. પરેશ રાવળ એ રોલ માટે અક્ષયને લેવા તૈયાર ન હતા. તેમણે ભગવાનનો રોલ વિચાર્યો જ ન હતો.
પરંતુ, અક્ષયની એન્ટ્રીએ આખી વાર્તા બદલી નાખી એમ પરેશ રાવળે કહ્યું અને એ જોઇને તેઓ આ ફિલ્મમાંથી નીકળી ગયા. છેલ્લે પરેશભાઈએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં એમ કહ્યું કે ફિલ્મમાં ક્યાંય એમને ક્રેડિટ આપવામાં ન આવી. ભલે ફેરફાર હોય પણ મૂળ વાર્તા તો એમની જ હતી ને? હવે, જો પરેશ રાવળને ક્રેડિટ ન મળતી હોય તો પછી નવાસવા લેખકોને ક્યાંથી મળે? સોચ લો ઠાકુર.
લો, આમીરને ફરીથી વાંકું પડ્યું...
આમીર ખાન ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ તરીકે ભલે ઓળખાતો, પરંતુ સાદી ભાષામાં એને ‘ચીકણો માણસ’ જ કહેવાય. આ મિયાં દરેક વાતમાં એટલી ચીકાશ કરે છે કે કદાચ એણે સ્વીકારેલી ફિલ્મો કરતાં એણે રીજેક્ટ કરેલી ફિલ્મોની સંખ્યા વધુ હશે. દાદાસાહેબ ફાળકેની બાયોપિક આમીરની આ ચીકાશને લીધે જ અત્યારે અટવાયેલી છે. હાલમાં આમીરના આ ચીકણા સ્વભાવનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે.
સ્ટાર્ટ અપ ચેમ્પિયન અશનીર ગ્રોવર પર રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂર એક બાયોપિક બનાવી રહ્યા છે. આમીર ખાનને તેના લીડ રોલ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આમીર અને રાહુલ મોદીએ સ્ક્રિપ્ટ બાબતે અનેક મીટિંગ કરી હતી. આમીરને વિષય પસંદ પણ આવ્યો હતો. આટલું જ નહીં, આમીર ખાન હાલમાં આશુતોષ ગોવારીકરની અનામી પિરિયડ ડ્રામા ફિલ્મનું શૂટિંગ પત્યા પછી માર્ચ 2027થી આ ફિલ્મનું શૂટિંગ કરવા માટે તૈયાર પણ થઇ ગયો હતો.
બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે જ આમીરને સ્ક્રિપ્ટ બરાબર ન લાગી. આમીરે કદાચ કાયમની જેમ પોતાનું મંતવ્ય રાહુલ મોદી પર થોપવાનો પ્રયાસ કર્યો. રાહુલે એ સ્વીકારવાની ના પાડી દીધી એટલે આમીરે જાણવા મળ્યા મુજબ આ ફિલ્મ છોડી દીધી છે. હવે રાહુલ અને શ્રદ્ધા કોઈ યુવાન ચહેરાને અશનીર ગ્રોવર તરીકે રજુ કરવા માગે છે. આમીર જેવા વાયડા સ્વભાવ ધરાવતા ઈશમને અમારા વડીલો ‘વાંકાપાડા વાલબાઈ’ તરીકે બોલાવતા...!
કટ એન્ડ ઓકે...
આસામના મહાન નેતા લચિત બોરફૂકનની બાયોપિક બનાવવા આદિત્ય ધર સાથે વાત ચાલી રહી હોવાનું આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વ સરમાએ ક્ધફર્મ કર્યું છે.