માવજી મહેશ્વરી
‘એક વાત કહું? કદાચ તમને એમ લાગતું હશે કે હું સ્માર્ટ દેખાઉ છું એટલે મારા કેટલાય બોયફ્રેન્ડ હશે. પણ સાચું કહું તો મારો કોઈ બોયફ્રેન્ડ જ નથી. જે રીતે કોઈ છોકરી કોઈ છોકરાના વિચારોમાં ખોવાઈ જાય, કોઈની યાદમાં પાગલ થઈ જાય, ઉદાસ થઈ જાય. મને એવું કશું થતું નથી.’
‘તમારા જેવી છોકરીઓ આમ કહીને હાથ ઊંચા કરી દેશે તો છોકરાઓનું શું થશે ?’
‘કશું નહીં થાય. દરેક ભૂતને પીપળા મળી રહેતા હોય છે.’
‘કદાચ હું તમને ગમી જાઉં તો પણ તમે આવું જ કહો?’ સનતે એકદમ સોનલની આંખોમાં જોયું.
‘ગમી જવું એટલે શું એજ મને ખબર નથી. હું જાણું છું કે પ્રેમની પણ એક દુનિયા છે. એમાં પ્રવેશી ગયેલા લોકોની પોતાની મસ્તી હોય છે. પણ મને એવું કશું થતું નથી. લાગે છે કે, હું બુઢ્ઢી થઈ જઈશ તોય કોઈને વળગીને વહાલ કરતા નહીં આવડે.’
કોઈ આવીને તમારી બધી માન્યતાઓનો છેદ ઉડાડી દે એવુંય બને.
‘છતાં મને પરણનારો સુખી તો નહીં જ થાય. મને બધું આવડે છે. કોઈની પ્રેયસી થતાં નહીં આવડે અને સ્ત્રીમાં પ્રેયસી શોધવી એ પુરુષનું આદીમ તત્ત્વ છે.’
‘મને આશ્ચર્ય એ વાતનું છે કે, તમે પુરુષ વિશે આટલું બધું જાણો છો અને પાછા કહો છો કે તમને પ્રેમ કરતા નહીં આવડે.’
‘મિસ્ટર એન્જિનિયર, ખૂબી જ આ છે. પ્રેમમાં પડનારાને આંધળા એટલે જ કહે છે. જો એ જાણતા હોય તો કદી આગળ જ ન વધે.’
‘જવા દ્યો. હું એ બાબતમાં તમને નહીં જ પહોંચું. એમાંને એમાં તમારી રોમાંચક વાર્તા સાંભળવાનું રહી જશે. લાગે છે હજી તો કેટલાય પાત્રોનો પ્રવેશ થવો બાકી છે. હા, તો સોનલ ઝવેરી તમે કોટામાં જન્મ્યા, મુંબઈ પહોંચ્યા એની વચ્ચે શું શું બન્યું? મને ચા પીવાની ઈચ્છા થઈ છે. પણ તમે ચા પીતા નથી. જોકે સાડા બાર થાય છે. અત્યારે કોઈ સર્વિસ નહીં આપે સિવાય કે બહાર જઈએ.’
‘ના, બહાર જવાનું તો હમણા નામ જ ન લેતા, હું મારી વાત કહું છું. મને એ ખબર નથી કે મારા પપ્પા મુંબઈથી રવાના થયા ત્યારે એમના મનમાં શું ચાલતું હશે. પણ એમણે કોટા પહોંચીને પહેલું કામ રજિસ્ટરમાં પોતાનું નામ લખાવવાનું કર્યું. એમણે મને જન્મ સમયે જ ઝવેરી અટક આપી. મારી મમ્મી બહુ જ ખુશ હતી. જોકે પપ્પાને ધર્મસંકટ તો હતું જ. મારા દાદાએ એમને અલ્ટીમેટમ આપેલું કે, મારી મમ્મીને ભૂલી જવી. મને જોઈને પપ્પા વિચલિત થઈ ગયા હતા. મેં કહ્યું ને કે તે મારી મમ્મીને બહુ જ ચાહતા હતા. પણ બધું ત્યાં પુરું થતું ન હતું.’
‘નાનાએ પપ્પા સામે બીજી મુશ્કેલી રજૂ કરી. નાના જ્યાં રહેતા હતા ત્યાં ખાસ્સા લોકો તેમને ઓળખતા થઈ ગયા હતા. એટલે હવે એ લોકોને પોતાની દીકરીના પતિની બાબતમાં શું કહેવું? કારણ કે છોકરી ડિલિવરી માટે માવતરે આવી હોય તો એના સાસરામાંથી પણ કોઈ તો દેખાવું જોઈએ ને. મારા નાનાને આ વિચાર વહેલો આવી ગયો હશે. તેમણે મમ્મીની બાબતમાં એવી વાત વહેતી મૂકી હતી કે, છોકરી રીસામણે આવી ગઈ છે. એના સાસરિયા તેડાવતા નથી. છતાં હવે નાનાને પોતાની છોકરી જ નહીં એક બાળકીની પણ ચિંતા હતી.
આખી જિંદગી પોતાની છોકરી અહીં જ રહે તે નાના ઈચ્છતા નહોતા. એમણે મારા પપ્પાને પોતાના મનની વાત કહી. પપ્પા માટે એ શક્ય જ નહોતું. જો એ પોતાની સાચી હકીકત કહે તે એનાથીય વધારે જોખમી હતું. દાદાએ મારા પપ્પાને એમની ભૂલનું શું પરિણામ આવે તે બધી શક્યતાઓ કહી દીધેલી. મારા પપ્પા પણ એવું કોઈ પગલું ભરવા માગતા નહોતા જેથી કોઈ કોર્ટ કચેરીનો મામલો ઊભો થાય. પપ્પા કોટાના એક ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હતા. તે નાનાને લઈને ગેસ્ટ હાઉસમાં ચાલ્યા ગયા.
બે પેગ પેટમાં ગયા પછી મારા પપ્પા જે નહોતું કહેવાનું તે બોલી ગયા. મારા નાના ઉપર આસમાન તૂટી પડ્યું. એક પુરુષે પોતાની કુંવારી દીકરીને ગર્ભવતી કરી નાખી, એની સાથે લગ્ન કર્યા અને દીકરીએ એક સંતાનને જન્મ આપ્યો ત્યારે કહે છે કે, તે પરણેલો છે. નાનાએ પપ્પાના હાથમાંથી દારૂનો ગ્લાસ ઝુંટવી લીધો હતો. નાનાએ જીભ પર કાબૂ ગુમાવી દીધો હતો, નાલાયક તેં મારી દીકરીને તો છેતરી, તે દિવસે કેમ ન ભસ્યો કે તારા લગ્ન થઈ ગયા છે.’
‘મારા પપ્પાએ નાનાની સામે હાથ જોડતા કહેલું, મેં તમારી દીકરીને છેતરી નથી. એને ખબર હતી કે હું પરણેલો છું. તમને માન્યામાં ન આવતું હોય પૂછી લ્યો.’
‘મારા નાનાએ માથું કૂટી લીધું. હવે શું કરવું? તે ગળગળા થઈ ગયા. તેમની અંદરનો નોકર શેઠ સામે ઝુકી પડ્યો. તેમણે મારા પપ્પાનો હાથ પકડી લેતા કહેલું, શેઠ, મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે અને પેલી બચ્ચીનું શું જેણે હજી દુનિયા જોઈ જ નથી.’
‘મારા પપ્પાએ કહ્યું, ‘શા માટે બરબાદ થઈ જશે? એ મારી પત્ની છે. એને આંચ આવવા નહીં દઉં. તમને એટલોય વિચાર નથી આવતો કે મારા મનમાં પાપ હોત તો પેલા રજિસ્ટરમાં મારું સાચું નામ લખ્યું હોત? મને વિચારવાનો વખત જોઈશે. હવે મને એક વાતનો જવાબ આપો મારા પપ્પાને કેવી રીતે ખબર પડી કે મેં બીજાં લગ્ન કર્યા છે, એનાથી એક છોકરી થઈ છે અને અત્યારે એ કોટાની હોસ્પિટલમાં છે. બોલો મારા ઘરમાં વાત કોણે પહોંચાડી અને કયા ઈરાદે પહોંચાડી?’
‘મારા નાના ઘડીભર કંઈ સમજ્યા નહીં. મર્મ સ્થાન પર ઘા કર્યો હતો. મારા નાનાએ હાથ જોડીને કરગરતા હોય એમ કહેલું, શેઠ મને કંઈ જ ખબર નથી.’
‘તો એમને કેવી રીતે ખબર પડી કે ગંગાએ એક બાળકીને જન્મ આપ્યો છે. કોણ છે એ માણસ જે મારા ઘર સુધી પહોંચ્યો છે. તમને ભાન છે કે એનું શું પરિણામ આવશે? હું કબૂલું છું કે મારી ભૂલ છે. છતાં મેં હાથ ઊંચા તો નથી કરી નાખ્યા ને? તમે કોઈ લોભમાં કે શંકામાં કંઈ આડુંઅવળું તો કર્યું નથી ને?’
મારા નાનાને સમજમાં આવતું નહોતું કે, આ થયું કેવી રીતે. તેમની પાસે પોતાની નિર્દોષતા સાબિત કરવાનો કોઈ પુરાવો નહોતો. નાનાએ મારા દાદાને જોયા હતા. તેમણે ડરતાં ડરતાં પૂછ્યું ? આપના પિતાજીએ શું કહ્યું?
‘મને વધાઈ તો આપવાના નહોતા? એ માણસ એકદમ રૂઢિચુસ્ત છે. મને ખબર છે એ કોઈ કાળે ગંગાને નહીં સ્વીકારે. એમણે મને કહ્યું ત્યારે તો હું આજે અહીં આવ્યો. નહીંતર મને થોડી ખબર હતી કે ગંગાને છોકરી આવી છે.’
પપ્પાની છેલ્લી વાત સાંભળી મારા નાના ચોંક્યા. તેમણે પપ્પાને કહ્યું, ‘કેમ કાલે મેં તમને ફોન કરેલો તે ભૂલી ગયા? ગંગાના સમાચાર મેં જ તો તમને આપેલા. તમે એવુંય કહેલું કે હમણાં તમે ગમે તે નામ લખાવી નાખો પછી જોઈ લઈશું.’
‘વ્હોટ? આઈ કાન્ટ અંડરસ્ટેન્ડ વ્હોટ યુ સે? વ્હેન આઈ ટોક્ડ વિથ યુ? યુ ડર્ટીમેન આઈ વિલ કીલ યુ મારા નાના અંગ્રેજીનો છાંટોય જાણતા નહોતા. ગુસ્સે ભરાયેલા મારા પપ્પાના મોંમાંથી અંગ્રેજી વાક્યો નીકળ્યે જતા હતા અને મારા નાના કશું સમજ્યા વગર જોયા કરતા હતા. તેમની સમજમાં એ નહોતું આવતું કે, ગઈ કાલે ફોન પર વાત થઈ છે તોય આ માણસ આટલો ગુસ્સે શા માટે ભરાયો છે. મારા નાનાએ ડરતાં ડરતાં ફરી કહ્યું, શેઠ કાલે આપણી ફોન પર વાત થઈ જ હતી તે?’
‘મારા પપ્પા તુકારા પર આવી ગયા, મેં તારી સાથે વાત કરી હતી? મેં દારૂ પીધો છે કે તેં? ક્યારે ફોન કરેલો બોલ?’
‘કાલે. કદાચ અગિયારેક વાગ્યા હતા.’
‘શટ અપ. એ વખતે તો હું મારા શો રૂમ પર હતો. મને લાગે છે કે, તું મારી સાથે કોઈ રમત રમી રહ્યો છે. બે કોડીના નોકર તું મારી સામે ખોટું બોલે છે? તું ગંગાનો બાપ ન હોત તો આજે તારા બૂરા હાલ કરી દેત.’
‘મારા નાનાને હવે સાચે જ ભય લાગ્યો. એમને ડરી જવાના અનેક કારણો હતાં. જેમા મુખ્ય હું હતી. મારા નાનાને હવે ખ્યાલ આવ્યો કે પોતાના લોભમાં શું કરી નાખ્યું છે. ખાસ તો એમને એ વાતનો પણ આઘાત લાગ્યો કે ટેલીફોન પર વાત થઈ હતી તે છતાંય મારા પપ્પા શા માટે ના પાડે છે? તેમણે પપ્પાના પગ પકડી લીધા, શેઠ હું ગંગાના સોગંદ ખાઈને કહું છું કે મેં તમને ફોન કર્યો હતો અને તમને ઉપાડ્યો હતો.’
‘તેં મને ફોન કર્યો હતો અને મેં તારાથી વાત કરી હતી? ક્યાંથી કર્યો હતો?’
‘અચાનક નાનાના ચિત્તમાં બતી થઈ. એક મિનિટ શેઠ, કહેતા નાનાએ ખીસ્સામાં હાથ નાખ્યો. તેમનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. તેમણે ખીસ્સાંથી કાગળના ડૂચા કાઢ્યા અને ચોળાઈ ગયેલું પીસીઓના પ્રીન્ટરમાંથી નીકળેલું બિલ પપ્પાને આપતાં કહ્યું, જુઓ આ રહ્યું બિલ. તમે જ વાંચી લ્યો.’
પપ્પાએ બિલ બરાબર ધ્યાનથી જોયું. તેમનો રહ્યો સહ્યો નશો પણ ઊતરી ગયો. તેઓ ચિત્કારતા હોય તેમ કહ્યું, ‘અરે મૂરખ માણસ તને કંઈ ભાન છે? હવે મને સમજાય છે કે, મારા બાપને ખબર કઈ રીતે પડી. તારી સાથે વાત કરનાર હું નહીં પણ મારો બાપ હતો. તને કંઈ સમજાય છે કે તેં શું કરી નાખ્યું છે?’
‘પણ અવાજ તો તમારો જ હતો.’ મારા નાનાની જતી રહેલી હિંમત થોડી પાછી આવી.
‘એજ તો રામાયણ છે. એમનો અવાજ અને મારો અવાજ મળતો આવે છે. એ નંબર મેં રાતના સમયે જ ફોન કરવા માટે આપ્યા હતા. તારે પૂછવું તો જોઈએ કે ફોન કોણે ઉપાડ્યો છે. મને લાગે છે તેં બધું જ કહી દીધું હશે.’
મારા નાના નીચું જોઈ બેસી રહ્યા. એમનાથીય ભૂલ તો થઈ જ ગઈ હતી. હવે એ ભૂલ સુધારવાનો કોઈ રસ્તો નહોતો. એમને પોતાનો લોભ સમજાયો. તેમની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં. નાનાની આંખમાંથી વહેતા આંસુ જોઈને મારા પપ્પાનું હૈયું જરા પીગળ્યું. તેમને પણ પોતાની ભૂલ સમજાઈ કે તેમણે પોતાથી મોટી ઉંમરના એક વ્યક્તિને ન કહેવાનું કહી નાખ્યું છે. તેમના અવાજમાં નરમાશની સાથે સાથે સભ્યતા પણ આવી ગઈ.
તેમણે નીચે બેઠેલા નાનાની બાજુમાં બેસતાં કહ્યું, હરિરામ જે થયું તેમાં ન તમારી ભૂલ છે, ન મારી. જે થવાનું હતું તે થઈ ગયું. હું પરણેલો છું. ગંગાને ત્યાં લઈ જઈ શકું તેમ નથી. ચિંતા એ છે કે, મારા બાપને ખબર પડી ગઈ છે. હવે એ પોતાની રીતે પણ તપાસ કરશે. આપણે સાવધાન રહેવું પડશે. તમે હવે કોટા છોડવાની તૈયારી કરો. હું તમને જયપુરમાં મકાનની વ્યવસ્થા કરી દઈશ. ગંગાની ચિંતા ન કરતા.
‘અચ્છા તમારા નાનાનું નામ હરિરામ હતું. જોકે એ પૂછવાનું મને યાદ જ ન આવ્યું. તો નાનીનું નામ શું હતું ?’ સનતે પુછ્યું.
‘એમનું નામ દેવલ હતું.’
‘દેવલ? એ તો આધુનિક નામ છે.’
‘હા, હવે એ નામ શહેરની છોકરીઓને અપાતું થયું એટલે આધુનિક ગણાય છે પણ રાજસ્થાનની અમુક કોમોમાં એ નામ વર્ષોથી રાખવામાં આવે છે. તમે થાકી જશો. મારી કથા અટપટી છે.’
‘હા, પણ કાલે બપોરે તમે બાય કહીને છુટા પડી જાઓ તે પહેલા સાંભળી જ લેવી છે. એની હાઉ.’
‘ઓકે.’ સોનલે પાછું શરૂ કર્યું.