- સંજય છેલ
જે સમાજમાં પરીક્ષાનું પેપર ફૂટે છે, ત્યાં યુવાનોનો સિસ્ટમ પરનો વિશ્ર્વાસ અને ભવિષ્યની આશા પણ ફૂટી જાય છે.
જ્યારે સત્ય અને ન્યાય માટે યુવાનો રસ્તા પર ઊતરે છે ત્યારે સત્તાના અહંકારના પાયા હલી જાય છે.
...
વિશ્ર્વસુંદરી હીરોઇન મર્લિન મનરોના પતિ અને સિદ્ધહસ્ત નાટ્યલેખક આર્થર મિલરે 1947માં જ્યારે અમેરિકામાં ‘ઑલ માય સન્સ’ નાટક રજૂ કર્યું ત્યારે કોઈને અંદાજો હશે કે છેક 2026માં એ વાર્તા ભારતના સડેલા શિક્ષણ જગત ને પેપર લીક માફિયાઓનું સૌથી સચોટ પ્રતિબિંબ બની જશે?
એ નાટકમાં ‘જો કાસી’ નામનો સફળ, ધનિક પણ ભ્રષ્ટ ઉદ્યોગપતિ છે, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન ઍરફોર્સને વિમાનોના ખામીયુક્ત સ્પેરપાર્ટ્સ સપ્લાય કરે છે, જેને કારણે 21 યુવાન પાઇલટ્સ વિમાન દુર્ઘટનાથી માર્યા જાય છે. જ્યારે ‘જો કાસી’નો ભાંડો ફૂટે છે, ત્યારે બચાવમાં એક દલીલ કરે છે: આ બધું મેં મારા પરિવાર માટે, મારા દીકરાઓના સુરક્ષિત ભવિષ્ય માટે કર્યું હતું. જોકે એને પડી જ નહોતી કે પોતાના દીકરાઓનું ભવિષ્ય સુધારવામાં તેણે 21 પરિવારોના જુવાનજોધ દીકરાઓનો ભોગ લઈ લીધો. ગુજરાતીમાં એ જ નાટક ‘કોઈનો લાડકવાયો’ નામે સફળતાથી ભજવાયેલું, જેમાં ફિલ્મસ્ટાર સંજીવકુમારે અભિનય કરેલો.
આજે ભારતના શિક્ષણ જગતના કોચિંગ માફિયાઓ, ભ્રષ્ટ અમલદારો ને પેપર ફોડનારી ગેંગના ચહેરાઓ ધ્યાનથી જોશો એમાં તમને પેલો ‘જો કાસી’ જ દેખાશે.
છેલ્લા એક દાયકામાં 150થી વધુ નાની-મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને સરકારી ભરતીઓનાં પેપરો લીક થયાં છે, જેણે 7 કરોડથી વધુ યુવાનો અને તેમના પરિવારજનોના ભવિષ્યને અંધકારમાં ધકેલી દીધું છે. આ વરસે તો 21 યુવાન-યુવતી આત્મહત્યા કરી ચૂક્યાં છે, હજારો ડિપ્રેશનમાં જીવી રહ્યાં છે ને સરકાર કે સંસદ ખામોશ છે. છેક 1960માં સમાજવાદી નેતા લોહિયાજીએ કહેલું:
‘જબ સંસદ ખામોશ હો જાતી હૈ, સડકેં આવારા હો જાતી હૈ’ અને અત્યારે એવું જ થયું. દિલ્હીના જંતરમંતર મેદાનમાં અને અનેક શહેરોમાં યુવાનોની ભીડ રસ્તે ઊતરી છે. સરકાર પોલીસ દ્વારા લાઠીચાર્જ, અશ્રુગેસ અને પેલેટ ગનના હુમલા કરાવે છે. એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક 21 દિવસથી ભૂખ હડતાલ પર છે પણ સરકાર, શિક્ષામંત્રીના રાજીનામા વિશે ખામોશ છે. રસ્તા પર ભીડ આવારા બની છે.
‘ઑલ માય સન્સ’ નાટકમાં ‘જો કાસી’ના ખામીયુક્ત એન્જિને તો ફક્ત 21 વિમાનો પાડ્યાં હતાં, પણ આપણા શિક્ષણ માફિયા તો દર વરસે હજારો ‘ખામીયુક્ત એન્જિનો’ ઘુસાડી રહ્યાં છે. જ્યારે લાખો રૂપિયા વડે પેપર ખરીદીને અયોગ્ય વ્યક્તિ ડૉક્ટર, એન્જિનિયર કે સરકારી અધિકારી બની જાય છે ત્યારે એ આખા સમાજ માટે એક જીવતો બૉમ્બ બની જાય છે. અણઘડ ડૉક્ટરોના હાથે નિર્દોષ દર્દીઓ મરવાના જ છે, નબળા એન્જિનિયરોથી બાંધેલા પૂલો કડડભૂસ થવાના જ છે.
વિદ્યાર્થીઓની આ અકળામણ તથા ભ્રષ્ટ વ્યવસ્થા વિશે આપણી ફિલ્મો ને સાહિત્યે અનેકવાર વાચા આપી છે. 1965ની ફિલ્મ ‘નઈ ઉમ્ર કી નઈ ફસલ’માં યુનિવર્સિટીની કેમ્પસ પોલિટિક્સ અને ‘કોક્રોચ જનતા પાર્ટી’ જેવા વિદ્યાર્થીદળ દ્વારા આદર્શવાદી યુવાનોનો કેવો ઉપયોગ કરીને ફેંકી દેવાય છે તેનું કડવું સત્ય હતું. રાજકીય આકાંક્ષાઓ માટે યુવાનોના આવેગ અને ભવિષ્યનો બલિ ચડાવાય અને યુવાનોનો મોહભંગ થાય ત્યારે હિંદીના મહાન કવિ નીરજે ગીત લખેલું:
સ્વપ્ન ઝરે ફૂલ સે, મિત ચૂભે શૂલ સે
લૂંટ ગયે શૃંગો સભી બાગ કે બબૂલ સે,
ઔર હમ ખડે ખડે બહાર દેખતે રહે,
કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે.
એ જ રીતે ગુલઝારની ‘મેરે અપને’માં બેરોજગાર યુવાનોને ભ્રષ્ટ રાજકારણીઓ દ્વારા વાપરવાની વાસ્તવિકતા છે, જ્યારે પ્રકાશ ઝાની ‘આરક્ષણ’ અને ઓમપ્રકાશ મહેરાની ‘રંગ દે બસંતી’ યુવાનોના બળવાને વાચા આપે છે. એ ઉપરાંત જલાલ આગાની ‘ગૂંજ’, સુધાંશુ હુક્કુની ‘કાફિલા’ અને રામગોપલ વર્માની ‘શિવા’ જેવી ઘણી ફિલ્મો સ્ટન્ટ પોલિટિક્સ વત્તા હિંસાની યાદગાર ફિલ્મો છે.
હોલિવૂડની માસ્ટરપીસ ફિલ્મ ‘સેન્ટ ઓફ અ વુમન’ના અદ્ભુત ક્લાઈમેક્સમાં એક ભ્રષ્ટ અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા, અમીર વિદ્યાર્થીઓને બચાવવા માટે એક ગરીબ પણ પ્રામાણિક વિદ્યાર્થીનો ભોગ લેવા જાય છે. ત્યારે ગ્રેટ એક્ટર અલ પચિનો ‘સિસ્ટમ’ના મોઢા પર લપડાક મારે છે :
તમે આ યુવાનોનો આત્મા મારી રહ્યા છો, તમે ભવિષ્યના લીડર્સના પગ કાપી રહ્યા છો. એ જ રીતે ‘ડેડ પોએટ્સ સોસાયટી’ અને બ્રોડવેનું અંગ્રેજી નાટક ‘ધ હિસ્ટ્રી બૉય્ઝ’ આંગળી ચીંધે છે કે જ્યારે શિક્ષણમાંથી મૂલ્યો ખતમ થઈ જાય ને તે માત્ર માર્ક્સ કે પૈસા કમાવવાનું મશીન બની જાય ત્યારે યુવાનો કેટલી હદે ભાંગી પડે છે!
આર્થર મિલરના નાટક ‘ઑલ માય સન્સ’ની ફરી વાત કરીએ તો, ‘જો કાસી’નો પોતાનો જ દીકરો ક્રિસ ખૂબ આદર્શવાદી યુવાન છે એને ખબર પડે છે કે બાપે નફા ખાતર આટલો મોટો ગુનો કર્યો છે ત્યારે તે બાપના લોહીવાળા પૈસા ને બેઇમાન વ્યવસ્થા સામે બળવો પોકારે છે. આજે ભારતના રસ્તાઓ પર કે કેમ્પસમાં કાળઝાળ ગરમીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લાખો યુવાનો એ ‘ક્રિસ’નું જ જીવંત સ્વરૂપ છે. તે સિસ્ટમના વડીલો, રાજકારણીઓ અને પેપર માફિયાઓને સવાલ પૂછી રહ્યા છે કે તમે કયા હકથી અમારું ભવિષ્ય વેચી રહ્યા છો? જોકે બદલામાં કમનસીબે આ યુવાનોને ન્યાય મળવાની જગ્યાએ પોલીસની લાઠીઓ, બંદૂકની ગોળીઓ અને ‘વિદેશી એજંટ હોવાના અક્ષેપો’નો સામનો કરવો પડે છે.
‘ઑલ માય સન્સ’ નાટકના અંતે જ્યારે ભ્રષ્ટ ઉદ્યોગપતિ ‘જો કાસી’નો આદર્શવાદી દીકરો બાપના ભ્રષ્ટાચારના અપરાધબોજથી આત્મહત્યા કરી બેસે છે એ જાણીને ‘જો કાસી’ તૂટી જાય છે ને એ પણ આત્મહત્યા કરે છે પણ મરતાં પહેલાં માત્ર એટલું કહે છે: મને હતું કે એ બધા મરનારા પાઇલટ્સ બીજાના દીકરાઓ છે, પણ હવે આજે સમજાયું કે એ 21 પાઇલટ્સ પણ મારા જ દીકરાઓ હતા.
આપણા શાસક, પોલીસ ખાતું, અદાલતો ને પેપર વેચનારાઓ આટલું નહીં સમજે કે ‘આઘાતથી ગળે ફાંસો ખાતો દરેક વિદ્યાર્થી એમનો પોતાનો જ દીકરો કે દીકરી’ છે, ત્યાં સુધી આવી બધી જ ચર્ચા વ્યર્થ છે.