એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ
ગુજરાતમાં મોડા મોડા આવેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે અને લોકોની હાલત બગાડી દીધી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લોકોની હાલત એકદમ કફોડી છે કેમ કે છેલ્લા એકાદ અઠવાડિયાથી ભારે વરસાદ પડે છે ને વરસાદ જે પ્રમાણમાં પડે એ પ્રમાણમાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી તેથી મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ચારે તરફ એટલું પાણી છે કે લોકોએ જખ મારીને ઘરોમાં ભરાઈ રહેવું પડે છે. ભારે વરસાદના કારણે ધંધા-વ્યાપાર બંધ છે ને સ્કૂલ-કૉલેજો પણ બંધ છે.
મોટા ભાગે ગમે તેવા વરસાદમાં પણ ફેક્ટરીઓ બંધ નથી રખાતી પણ વરસાદે એ હદે કાળો કેર વર્તાવ્યો છે કે, ફેક્ટરીઓમાં પણ રજા જાહેર કરવી પડી છે. રહેણાક વિસ્તારો તો જળબંબાકાર છે તેથી વાહનો બહાર કાઢવાનો સવાલ જ પેદા થતો નથી પણ નેશનલ હાઈવે પર પણ કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે. અંતરિયાળ વિસ્તારોમાં આ હાલત હોય તો હજુ સમજ્યા પણ આઘાતની વાત પાછી એ છે કે, સુરત અને વલસાડ જેવા શહેરી વિસ્તારોમાં ગામડાં કરતાં બદતર હાલત છે.
જેમને સ્માર્ટ સિટી ગણાવીને જેના વિકાસનાં ગાણાં જોરશોરથી ગવાય છે એ સુરતને વરસાદે કેવું બદસૂરત કરી નાંખ્યું છે તેના વીડિયો સોશ્યલ મીડિયા પર ફરી જ રહ્યા છે. આખેઆખી કારો ડૂબી જાય ને માણસોના ગળા લગી પાણી હોય એ સ્થિતિ સુરતમાં કેટલાય દિવસોથી છે. ખાડીઓ ઊભરાઈ રહી છે ને તેનાં ગંદા પાણી લોકોનાં ઘરોમાં ઘૂસી ગયાં છે. લોકોને તેમાંથી રાહત અપાય એ પહેલાં તો થોડાક વરસામાં ફરી ખાડીઓ ઊભરાઈ તેથી લોકો સાવ બદતર હાલતમાં જીવી રહ્યાં છે. વલસાડમાં પણ મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર છે ને લોકો ઘરની બહાર પણ નિકળી શકતાં નથી.
સુરત અને વલસાડ દક્ષિણ ગુજરાતનાં સૌથી મોટાં અને જાણીતાં શહેર છે તેથી બંને શહેરોમાં અવદશાના સમાચાર લોકો સુધી ઝડપથી પહોંચે છે. સોશ્યલ મીડિયાના કારણે આ બંને શહેરોની ખરાબ હાલતનો પ્રચાર પણ વધારે થાય છે પણ વાસ્તવમાં દક્ષિણ ગુજરાતમાં બધા જિલ્લામાં આ હાલત છે ને બધે લોકો ત્રસ્ત છે. હાઈવે પર ટ્રાફિકના ને ગ્રામીણ વિસ્તારોના જે થોડાઘણા વીડિયો ફરે છે તેના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે, બધા મુશ્કેલીમાં છે જ.
ગુજરાત સરકાર આ આફત સામે લડવા માટે મંત્રીઓ અને અધિકારીઓને દોડાવી રહી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી ને પ્રભારી સચિવો નિમવાની વ્યવસ્થા અમલી છે. આ પ્રભારી મંત્રી ને સચિવો આખું વરસ કામ કરતા હોત તો લોકોને આવી તકલીફો ના પડી હોત પણ એ લોકો આખું વરસ કશું કરતા નથી. ચોમાસા પહેલાં કોઈ આગોતરી વ્યવસ્થા કરતા નથી ત્યારે હવે આભ ફાટ્યું છે ત્યારે દોડીને શું કરવાના ? આભને તો થીંગડું ના મારી શકાય પણ પાણીના નિકાલની વ્યવસ્થા ચોક્કસ કરી શકાય પણ એવું કશું કરવાની તેમનામાં ત્રેવડ નથી. એ લોકો બહુ બહુ તો લોકોને મળશે, તેમના માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરશે, બધું સારું થઈ જશે એવાં ઠાલાં આશ્વાસનો આપશે. આ બધું વરસોથી થાય છે ને આ વખતે પણ એ જ થવાનું છે.
દક્ષિણ ગુજરાતની અવદશાએ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જામેલી ભાજપ સરકારની સૌથી મહત્ત્વના એવા જળસંચાલનના મોરચે ઘોર નિષ્ફળતાને ફરી એક વાર છતી કરી દીધી છે. રેઈન વોટર મેનેજમેન્ટ એટલે કે વરસાદી પાણીના સંચાલનમાં ગુજરાત હજુય અતિ પછાત છે એ વાતનો અહેસાસ ગુજરાતીઓને દર વર્ષે થાય જ છે. આ વર્ષે ફરી એક વાર થયો છે ને આપણે લાચાર બનીને જોઈ રહેવા સિવાય કશું કરી શકતા નથી, દર વરસની જેમ.
ગુજરાત આ સમસ્યા કેમ ઉકેલી શકતું નથી ? કેમ કે ગુજરાત પાસે વિઝનરી નેતૃત્વ નથી. ગુજરાતમાં ભાજપ સત્તામાં આવ્યો એ પહેલાંની કૉંગ્રેસની સરકારો જળ સંચાલનમાં ઘોર નિષ્ફળ ગઈ હતી ને ભાજપ સરકારોએ આ વારસો બહુ સારી રીતે જાળવ્યો છે. 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી સૌથી પહેલાં પંચશક્તિનો નારો આપેલો. આ પંચશક્તિમાં જળશક્તિ એક હતી ને ત્યારે લાગેલું કે, મોદી જળશક્તિનો યોગ્ય ઉપયોગ કરીને ગુજરાતની હાલત સુધારી દેશે અને વરસોથી નડતી ગુજરાતની સમસ્યાનો અંત લાવી દેશે.
કમનસીબે જળશક્તિની મોદીની વાતો પણ નારાથી આગળ ના વધી. નર્મદા યોજના, સુજલામ સુફલામ વગેરેની વાતો કરીને મોદીએ સંતોષ માન્યો. ના આ યોજનાઓ પૂરી થઈ કે ના નવું કશું આયોજન થયું. મોદી પછી આવેલા બીજા મુખ્યમંત્રીઓ તો સાવ કહ્યાગરા છે ને પાણી પણ દિલ્હી ફોન કરીને પૂછે છે તો પાણીના મુદ્દે કશું નવું કરવાનું પાણી તેમનામાં ક્યાંથી આવે? આ કારણે ગુજરાતની જળ સંચાલનની સમસ્યા ઠેરની ઠેર છે. તેમાં પણ વરસાદી પાણીના નિકાલને મુદ્દે ગુજરાતમાં હાલત બદથી બદતર થઈ છે.
દર વરસે ચોમાસામાં અડધું ગુજરાત વરસાદી પાણીમાં ડૂબી જાય છે ને લોકો ત્રાહિમામ થઈ જાય છે. ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં દિવસોના દિવસો લગી પાણી ભરાઈ રહે છે ને તેના કારણે ગંદકી ફેલાય તેથી રોગચાળા ફાટી નિકળે છે. વરસાદી પાણી ભરાઈ જાય ત્યારે લોકોને જીવનજરૂરિયાતની ચીજો ના મળે એવી કફોડી હાલત થઈ જાય છે. ઘરમાં અનાજના ભંડાર ભર્યા હોય પણ અનાજ દળાવવા ના જઈ શકાય તેથી સૂકા નાસ્તા ને સરકારી ફૂડ પેકેટ્સ પર દિવસો કાઢવા પડે એવી કફોડી હાલત થઈ જાય છે.
ગુજરાત સરકાર આ સમસ્યા ઉકેલે તો બે બાજુ ફાયદો થાય. આપણે ત્યાં ઘણા વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે ને તેનું કારણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની અક્ષમતા છે. દર વરસે વરસાદી પાણી આવવાનું છે એ સનાતન સત્ય છે પણ વરસાદી પાણીનો બે-ચાર કલાકમાં નિકાલ થઈ જાય ને ભવિષ્યમાં તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરી શકાય એવી સ્થિતિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્જવાની શાસકોમાં સૂઝ નથી. આપણા શાસકો અધિકારીઓ પર નિર્ભર છે કેમ કે તેમનામાં પોતાની પાસે જ્ઞાન નથી. અધિકારીઓને ગુજરાતનું ભલું કરવામાં ઓછો ને ઘર ભરવામાં વધારે રસ છે તેથી ગુજરાત ઠેરનું ઠેર છે.
ભાજપ સરકારે જાગ્યા ત્યારથી સવાર સમજીને આ સ્થિતિને બદલવા કમર કસવી જોઈએ. જળ સંચાલનના નિષ્ણાતોને જોતરીને અને ખાયકી બંધ કરાવીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને જળસંચય માટે મચી પડવું જોઈએ. દિલથી પ્રયત્ન કરાય તો આગામી ચોમાસા સુધીમાં ગુજરાતમાં વરસાદના કારણે આવી ભયંકર હાલાકી ના પડે એવી સ્થિતિ સર્જી જ શકાય. અમેરિકા સહિતના ધનિક દેશોમાં સરેરાશ વરસાદના અઢીસો ટકા પાણીના સંગ્રહની વ્યવસ્થા હોય છે. ગુજરાત પણ એ કરી જ શકે, મુશ્કિલ નહીં હૈ કુછ ભી અગર ઠાન લિજિયે.