આમ તો બડો પેચીદો છતાં જિજ્ઞાસા જગાડે એવો આ સવાલ છે. એનાં જવાબનાં કારણ પણ એટલાં જ જાણવાં જેવાં રસપ્રદ પણ છે
- ભરત ઘેલાણી
અનેક જાણીતી ઉક્તિ કે કહેવત, જે જનસામાન્યના મોઢે ભલે ચઢી ગઈ હોય છતાં એ હકીકતમાં અધૂરી હોય છે. કયારેક એ પૂરી લખાય કે બોલાય છે ત્યારે પણ એ બદલાતી રહે છે.
એક ઉદાહરણ લઈએ તો ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’વાળી ઉક્તિ બહુ જાણીતી છે, પણ આ ઉક્તિ મૂળ આવી છે : ‘ એક નૂર આદમી ને દસ નૂર કપડાં... હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં!’ આવી અને આનાં જેવી અનેક અધૂરી અને ખોટી રીતે રજૂ થતી કહેવત-ઉક્તિઓ વિશે ખ્યાતનામ લેખક ચન્દ્રકાંત બક્ષીએ બહુ સચોટ વિશ્ર્લેષણ કર્યું છે.
ખેર, એ વિશે ફરી ક્યારેક... અત્યારે તો ઉપરોકત ટાંકેલી ઉક્તિ મુજબ ‘એક નૂર આદમી કે પછી દસ નૂર કપડાં’ની જેમ આજે લોકો એ પણ પૂછી રહ્યા છે : ‘કોણ વધુ કમાય હેન્ડસમ-સ્માર્ટ- ઈન્ટેલિજન્ટ કે વધુ મહેનત કરનારી વ્યક્તિ કે પછી?’
આમ તો આપણી સમજણ કહે છે કે ‘ફાવ્યો વખણાય..’ તેમ છતાં, તમારી વાક્છટા-રજૂઆત-સોહામણો દેખાવ કે સતેજ બુદ્ધિ પણ ઓછા-વત્તા અંશે તમારી ઉપાર્જન ક્ષમતા વધારી શકે છે.
ચાલો, આ તો એક મુદ્દો થયો દેખાવનો, જેના પ્રતાપે દેખાવે-રીતભાતમાં સ્માર્ટ વ્યક્તિને તુરંત કામ મળી જાય-આવક વધે, પણ આગળ શું? દરેક વખતે રૂપાળો ચહેરો કામ ન પણ લાગે. દિવસના અંતે આખરે તો દરેક બોસને તમે કરેલાં કામનું પરિણામ જોઈએ. બીજાં શબ્દોમાં, સોહામણા ચહેરા સાથે પણ આકરી મહેનત પણ કરવી જ પડે.
હવે બીજો પ્રશ્ન જાગે: આકરી મહેનત તો ઘણાય કરે છે, છતાં જોઈએ તેવી ફળતી કેમ નથી?. એનો તાર્કિક ઉત્તર એ છે કે માત્ર ઊંધું ઘાલીને ‘રાઉન્ડ ધ ક્લોક’ જહેમત કરતાં રહો તો એ કારગત ન પણ નીવડે. ઑફિસ ડેસ્ક પર તમારી સતત હાજરી બોસને ગમે ખરી, પણ એથી બોસ કે તમારો હેતુ ન સરે. મહેનત તો ગદર્ભ પણ કરે છે, પરંતુ ગદર્ભ અને અશ્વની કામગીરીમાં ખાસ્સો ફરક છે. અહીં તમારે ગધેડા ઓછા અને ઘોડા વધુ થવું પડે!
-તો પછી ‘હાર્ડ વર્ક વર્સસ સ્માર્ટ વર્કની તુલના કરીને એ બન્નેમાંથી બહેતર શું?’ એ વિશે તાજેતરમાં એક સર્વે કહે છે એમ હવે હેન્ડસમ - રૂપકડા ચહેરાને બાજુએ ખસેડીને સ્માર્ટ-ઈન્ટેલિજન્ટ વ્યક્તિની ખામી- ખૂબીઓ પર આવીએ તો એ પોતાની ખૂબીઓનો કેવો સ-રસ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એનાથી એ પૂરતો પરિચિત હોય છે.
એ પોતાને નવી ટેક્નોલોજિથી હરહંમેશાં અવગત રાખે છે. કેરિયર માટે ક્યા સમયે ક્યો નિર્ણય લેવો એની આવા ઈન્ટેલિજન્ટ -સ્માર્ટને સુઝ હોય છે. જરૂર પડે ત્યારે એને રિસ્ક લેતા પણ આવડે છે.
આ સર્વેના તારણમાં હવે તો ‘બિલિયોનર’ - અબજોપતિથી એક ડગલું આગળ વધીને વિશ્વના પ્રથમ ‘ટ્રિલિયોનર’ (1 લાખ કરોડ રૂપિયાના માલિક!) એવા વિશ્વના સૌથી શ્રીમંત ઈલોન મસ્કનો વિશેષ ઉલ્લેખ થયો છે. તાજેતરનો સર્વે કહે છે કે એકલી અવિરત મહેનત કે પછી માત્ર સ્માર્ટ થવાથી જોઈતી સફળતા મળતી નથી. આ સર્વે ઈલોન મસ્કનું ઉદાહરણ ટાંકીને કહે છે કે એ સફળ એટલા માટે થયો છે કે હાર્ડ વર્ક અને સ્માર્ટનેસ બન્નેનો એ બખૂબી ઉપયોગ કરી જાણે છે.
જોકે આવાં સર્વે તથા નિષ્ણાતોના પૃથ્થકરણ પછી એક નવી વાત પણ જાણવા મળી. તમે હેન્ડસમ-સ્માર્ટ- ઈન્ટેલિજન્ટ કે મહેનતુ સુધ્ધાં હો તો પણ એક ફેકટર-પરિબળ એવું પણ છે, જે તમારી વધુ આવક માટે બાધારૂપ બની શકે. એ છે તમારા લગ્નસંબંધી સ્ટેટસ-સામાજિક દરજ્જો અર્થાત્ તમે પરણેલા છો- કુંવારા છે કે પછી એકાકી... આપણને અહીં આશ્ર્ચર્ય એ થાય કે આ દરજ્જાને કોઈની આવક સાથે શું લાગે-વળગે?
વેલ, અમેરિકાના ‘પીવ્યુ રિસર્ચ સેન્ટર’ દ્વારા થયેલાં તાજા સર્વેનાં તારણ કહે છે કે લગ્નસબંધથી જોડાયેલી વ્યક્તિ (પતિ કે પત્ની) કરતાં ‘અનપાર્ટનર્ડ પર્સન’ એટલે કે એકાકી પુરષ કે સ્ત્રી સરેરાશ ઓછી આવક ધરાવતી હોય છે. સંશોધન એ પણ ઉમેરે છે કે આવી ઓછી આવક ધરાવતી ‘સિંગલ’ -એકાકી વ્યક્તિઓની વસતિ અત્યારે 29% માંથી વધીને 41 % સુધી પહોંચી ગઈ છે!
ખેર , તમે હેન્ડસમ-સ્માર્ટ- ઈન્ટેલિજન્ટ કે મહેનતુ સુધ્ધાં હો તો પણ એક વધારાના ‘ડ ફેકટર’ દ્વારા કોઈ પણ ધૂમ કમાઈ શકે અને આ ‘ડ ફેકટર’ એટલે કોઈને આબાદ રીતે છેતરવાની કળા ! કોઈને સહજતા- સરળતાની ધૂર્ત બનાવવાનો આવો કસબ જે હાંસલ કરી લે એની લાઈફ જિંગાલાલા જરૂર થઈ જાય, પણ કાયદાના લાંબાં હાથ એને અચૂક ઝડપી લે છે ને પછી વાર્તા પૂરી ...!