નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તક " બિલૉંગિંગ: અ જર્ની ઑફ લવ" અંગે એક નવો વિવાદ સર્જાયો છે. જેમા પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે તે આ પુસ્તકના ભારતના પ્રકાશક નથી. તેમજ કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા સમય પૂર્વે પુસ્તકના અમેરિકી પ્રકાશક અલ્ફ્રેડ એ. નોફે જાહેરાત કરી હતી કે આ પુસ્તક 10 નવેમ્બરના રોજ પ્રકાશિત થશે.
સોનિયા ગાંધીએ પુસ્તકમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો
આ ઉપરાંત એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધીએ પુસ્તકમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે પ્રકાશક પ્રોજેક્ટમાંથી ખસી ગયા હતા. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ આ દાવાને ખોટો ગણાવ્યો છે.
લેખકોને સૂચનો આપવી એ પ્રકાશન પ્રક્રિયાનો હિસ્સો છે.
એક નિવેદનમાં કંપનીએ પુષ્ટિ કરી હતી કે તે હંમેશા પુસ્તક પ્રકાશિત કરવામાં રસ ધરાવતી હતી અને તે કરવા માટે તૈયાર હતી. તેમણે નોંધ્યું હતું કે હકીકતોની તપાસ કરવી અને લેખકોને સૂચનો આપવી એ પ્રકાશન પ્રક્રિયાનો હિસ્સો છે. જે અધિકાર અને જવાબદારી બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. કંપનીએ ઉમેર્યું હતું કે તે લેખક સાથે થયેલી ગુપ્ત ચર્ચાઓ પર વધુ ટિપ્પણી કરશે નહીં.
ભારતમાં પુસ્તકના વિતરણ અંગે કોઇ સ્પષ્ટતા નહિ
આ દરમિયાન ભારતમાં પુસ્તકનું વિતરણ કોણ કરશે તે હજુ સુધી સ્પષ્ટતા નથી. જોકે, આ ઈ-બુક ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોન પર ₹2,615 ની કિંમતે પ્રી-ઓર્ડર કરવામાં આવી રહ્યું છે. એમેઝોનના જણાવ્યા અનુસાર, આ ઈ-બુક હાર્પરકોલિન્સ યુકેના છાપ વિલિયમ કોલિન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. અલ્ફ્રેડ એ. નોફે તેની જાહેરાત કરી ત્યારથી ભારતમાં પુસ્તકના પ્રકાશન અંગે સતત અટકળો ચાલી રહી છે.
પુસ્તકમાં સોનિયા ગાંધીના અંગત જીવનની વાતો
સોનિયા ગાંધી આ પુસ્તકમાં તેમના અંગત જીવનની વાતો શેર કરી છે. આ પુસ્તકમાં શક્તિશાળી રાજકીય પરિવારમાં તેમના લગ્ન, રાજીવ ગાંધીને ગુમાવવાનું દુ:ખ એક ઘટના જેણે તેમને રાજકારણની દુનિયામાં ધકેલી દીધા અને વર્ષ 2004 માં વડાપ્રધાન પદનો ઇનકાર કરવાનો તેમનો નિર્ણય શામેલ છે.
સોનિયા ગાંધીની લવ સ્ટોરી સહિતની વાતો શેર કરી
પ્રકાશકના જણાવ્યા મુજબ, આ પુસ્તક ઇટલીમાં તેમના બાળપણથી લઈને તેમને ભારત આવવાની લવસ્ટોરી તેમજ તેમણે સહન કરેલી જીવન-બદલી દેનારી દુર્ઘટનાઓ સુધીની તેમની સફરનું વર્ણન કરશે.