દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય અને અબજો યુઝર્સ ધરાવતા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર અવારનવાર નવા અને દમદાર ફીચર્સ આવતા રહે છે, જે યુઝર્સના ચેટિંગ એક્સપિરિયન્સને વધુ સરળ અને મજેદાર બનાવે છે. હવે આ જ અનુસંધાનમાં વોટ્સએપ હવે બે એવા શાનદાર ફીચર્સ પર કામ કરી રહ્યું છે, જે લોન્ચ થયા બાદ તમારા સ્માર્ટફોનની મેમરી ક્યારેય ફૂલ નહીં થાય અને તમારી પ્રાઈવસી પણ મજબૂત બની જશે. ચાલો જોઈએ શું છે વોટ્સએપના આ બે નવા ફીચર્સ...
અનેક સ્માર્ટફોન યુઝર્સ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે વોટ્સએપ પર આવતા અઢળક ફોટા, વીડિયો અને ગુડ મોર્નિંગના મેસેજીસના કારણે ફોનનું સ્ટોરેજ ખૂબ જ ઝડપથી ભરાઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વોટ્સએપ એક નવું 'સ્માર્ટ સ્ટોરેજ ક્લિયરન્સ' ફીચર લાવી રહ્યું છે, જે સીધું 'સ્ટેટસ અપડેટ' સાથે કનેક્ટેડ છે.
વાત કરીએ આ નવું સ્ટોરેજ ફીચર કેવી રીતે કામ કરશે એની તો હાલમાં વોટ્સએપમાં 'મેનેજ સ્ટોરેજ'નો ઓપ્શન મળે છે, જ્યાં યુઝર જાણી શકે છે કે આખરે વોટ્સએપની કઈ ચેટ, ગ્રુપ કે ચેનલે તમારા ફોનમાં સૌથી વધુ સ્પેસ રોકી છે. હવે કંપની આ સેક્શનમાં 'સ્ટેટસ અપડેટ્સ' ને પણ ઉમેરી રહી છે.
સામાન્ય રીતે કોઈ યુઝર સ્ટેટસમાં મોટો વીડિયો મૂકે, તો તે તમારા ફોનની મેમરી રોકે છે અને તે 24 કલાક પછી આપોઆપ ગાયબ થાય છે. પરંતુ આ ફીચરની મદદથી તમે મેનેજ સ્ટોરેજમાં જઈને જોઈ શકશો કે કયા મિત્રના સ્ટેટસે તમારા ફોનની મેમરી રોકી રાખી છે. તમે 24 કલાક પુરા થવાની રાહ જોયા વિના એ જ સમયે એ સ્ટેટસના મીડિયાને ડિલીટ કરીને સ્પેસ ખાલી કરી શકશો. આના માટે તમારે તમારી પર્સનલ ચેટ્સ કે ફોટા ડિલીટ કરવાની કોઈ જરૂર નહીં પડે.
સ્ટોરેજની સાથે-સાથે વોટ્સએપ યુઝર્સની સિક્યોર પ્રાઈવસી માટે પણ એક અદભુત ફીચર લાવી રહ્યું છે, જેનું નામ છે 'After Reading'. આ ફીચર અત્યારના ડિસઅપીયરિંગ મેસેજ કરતાં સાવ અલગ અને સ્માર્ટ હશે. આ ફીચર ઓન કર્યા પછી, તમે કોઈને મેસેજ મોકલશો તો સામેવાળી વ્યક્તિ તે મેસેજ જેવો જ વાંચી લેશે કે તરત જ તે મેસેજ ચેટ બોક્સમાંથી કાયમ માટે ગાયબ થઈ જશે.
આ સિવાય યુઝર્સ મેસેજ ગાયબ થવા માટે વાંચ્યા પછીની ટાઈમ લિમિટ પણ સેટ કરી શકશે, જેમાં પાંચ મિનિટ, એક કલાક કે બાર કલાક નો ઓપ્શન મળશે. જો સામેવાળી વ્યક્તિ 24 કલાક સુધી મેસેજ નહીં વાંચે, તો પણ તે આપોઆપ ડિલીટ થઈ જશે. જોકે, હાલમાં આ બંને ફીચર્સ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં જ ગ્લોબલ અપડેટ સાથે તમામ એન્ડ્રોઇડ અને આઇફોન (iOS) યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે.