અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. હવામાન વિભાગ દ્વારા તા. 02-05-2026 સુધીનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. ત્યારબાદ રાજ્યમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આગામી બે દિવસ રાજ્યના અંતરિયાળા વિસ્તારોના છૂટાછવાયા ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થી 44 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં અને દરિયાકાંઠાના વિસ્તારોના છૂટાછવાયા ભાગોમાં 35 થી 40 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આવતીકાલે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. એટલે કે આવતીકાલે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વખતે મતદારોએ ગરમીનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગે ગરમ અને ભેજવાળી પરિસ્થિતિના કારણે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. જે મુજબ સામાન્ય લોકો માટે મધ્યમ તાપમાન અને ગરમી સહન કરી શકાય છે પરંતુ નબળા લોકો જેમકે શિશુઓ, વૃદ્ધો, ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે મધ્યમ સ્વાસ્થ્ય ચિંતાનો વિષય છે. આવા લોકોએ ગરમીના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. હળવા-આછા રંગના, ઢીલા, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બહાર નીકળતી વખતે માથાને ઢાંકવું જોઈએ. ટોપી અને છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
અંબાલાલ પટેલે પણ મતદાનના દિવસે એટલે કે 26 એપ્રિલ રવિવારના દિવસે આકરી ગરમીની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ આવતીકાલે એટલે કે 26 એપ્રિલે તાપમાનનો પારો ઉંચે જશે. મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર થશે, જેથી લોકો અગનવર્ષાનો અનુભવ કરશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, રવિવારે ગરમીનો પારો 43થી 44 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે. નડિયાદ, આણંદ, કપડવંજમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી પહોંચી શકે છે. 25થી 28 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. મે મહિનામાં પણ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આવતીકાલે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.