Fri Jul 24 2026

Logo

ગુજરાત ATS એ ઝડપેલા બે શખ્સોની પૂછપરછમાં શું થયો ખુલાસો?

2026-04-24 11:09:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ  ગુજરાત એન્ટિ ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા તાજેતરમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. એક શખ્સ ગુજરાત પાટણથી જ્યારે બીજો મુંબઈથી પકડવામા આવ્યો હતો.  સિદ્ધપુરનો ઈરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ સંખ્યાબંધ વોટ્સએપ એકાઉન્ટમાં એક્ટિવ હતા. આરોપીઓએ 12થી 13 સભ્યોના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા.

સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનો તથા સિરિયાના ISIS અને અન્ય સંગઠનોને ફોલો કરી તેમના વીડિયો તથા મેસેજ જુદા-જુદા ગ્રુપમાં વાયરલ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો ATSને મળી હતી. ATSની ટીમને સિદ્ધપુરથી ઝડપી લેવાયો હતો. MSCનો અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક ઈરફાન પઠાણને ઝડપી લીધો હતો. તેની સાથે સંકળાયેલા મુંબઈના મુરશીદને પણ ઝડપી લેવાયો હતો.

બંનેના ફોનમાંથી કટ્ટર વિચારો વાયરલ કરવા માટે બનાવાયેલા 12-13 સભ્યોના સંખ્યાબંધ વોટ્સએપ ગ્રુપ એક્ટિવ હોવાની વિગતો મળી હતી. મોબાઈલમાંથી આવા ઘણા ગ્રુપના સભ્યોની વિગતો પોલીસને મળી છે. સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર દેશના ચોક્કસ નેતાઓ અને RSSના લોકો પર હુમલા અને દેશ સામે યુદ્ધ છેડવાના મેસેજ સહિત ઘણું વિવાદાસ્પદ સાહિત્ય પણ વાયરલ કરવામાં આવ્યું હતું.

બંને યુવાનોએ દેશભરમાંથી પોતાના જેવી માનસિકતા ધરાવતા યુવાનોને એકત્રિત કરી મોટી ઘટનાને અંજામ આપવા તથા યુદ્ધ છેડવાની તૈયારી કરી હતી. તેના માટે તેઓ ફંડિંગ અને હથિયાર મેળવવા પ્રયત્નશીલ હતા. હવે તેમણે આ દિશામાં કોઈ કામગીરી કરી હતી કે કેમ તથા હુમલા માટે તેમણે કોઈ લોકેશનની રેકી કરી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે