પુરલિયા: પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ કુડમી( કુડમી મહતો) સમુદાયના આંદોલન સંબંધિત તમામ જૂના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. તેમજ સમુદાયના વિકાસ માટે રૂપિયા 50 કરોડની ફાળવણીની કરવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત પુરલિયામાં સીએમ સુવેન્દુ અધિકારીએ કુડમી વિકાસ બોર્ડને પુનર્જીવિત કરવાનું અને બંધારણની આઠમી અનુસૂચિમાં કુડમાલી અને રાજવંશી ભાષાઓનો સમાવેશ કરવા માટે પ્રયાસ કરવાનું વચન આપ્યું છે.
અગાઉની સરકારે કુડમી સમુદાયમાં ભાગલા પાડ્યા
મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકારે કુડમી સમુદાયને એકજૂથ રાખવાને બદલે તેમાં ભાગલા પાડ્યા હતા.સરકારે આ વર્ષે સમુદાયના વિકાસ માટે ₹50 કરોડની ફાળવણી કરી છે અને ભવિષ્યમાં આ રકમમાં વધારો કરવાની યોજના છે.
રોડ અને રેલવે રોકો આંદોલન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન કુડમી સમુદાયે પશ્ચિમી જિલ્લાઓમાં અનેક આંદોલનો કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં રોડ અને રેલવે રોકવાની ઘટનાઓનો પણ સમાવેશ થતો હતો.
સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સમાવવાની માંગ
આ સમુદાયની મુખ્ય માંગણીઓમાં તેમને 'અનુસૂચિત જનજાતિ' (ST) નો દરજ્જો આપવો અને બંધારણની આઠમી અનુસૂચિમાં 'કુડમાલી' ભાષાનો સમાવેશ કરવાનો સમાવેશ થતો હતો. હવે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આ આંદોલનો દરમિયાન નોંધાયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે.
કુડમી સમુદાય લાંબા સમયથી આંદોલન કરી રહ્યો છે
તેમજ કુડમી સમુદાય પોતાની સામાજિક અને ભાષાકીય માંગણીઓને લઈને લાંબા સમયથી આંદોલન કરી રહ્યો છે. ત્યારે સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે કુડમી વિકાસ બોર્ડને ટૂંક સમયમાં પુનર્જીવિત કરવામાં આવશે. જેની માટે બજેટમાં રૂપિયા 50 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આ રકમમાં વધારો કરવામાં આવશે.