Fri May 01 2026

Logo

લગનમાં ડખ્ખાના મૂળમાં `કેમેરામેન' જ હોય હોં...!

2026-03-07 10:11:00
Author: Mumbaisamachar Team
Article Image

મસ્તરામની મસ્તીઃ

મિલન ત્રિવેદી

ચુનિયાએ તેના ભત્રીજાના લગ્નમાં મને ખાસ તેડાવેલો કે, `ભાઈ, જરા અનુભવી છો તો કંઈક સૂચન કરજો.' 

હું તો ગયો, પણ ત્યાં જઈને જે જોયું એ પ્રસંગમાં વરરાજા કરતાં ફોટોગ્રાફર અને તેના કેમેરામેનનું મહત્ત્વ વધારે હતું.

આજના જમાનામાં ગોર મહારાજ વગર લગ્ન થાય તો કદાચ ચાલે, પણ કેમેરામેન વગર? અશક્ય! પંડિત મંત્ર ભૂલી જાય તો વરરાજાને વાંધો નથી આવતો, પણ જો કેમેરામેન લાઈટિગ મૂકતા ભૂલી જાય તો વરરાજા મંડપમાંથી ઊભા થઈ જાય! 

હમણાં અહીં ચુનિયાના ભત્રીજાના લગ્ન હતા. ગોર મહારાજ સરસ મજાની વિધિ કરાવતા હતા, પરંતુ વરરાજા અને કન્યા બંનેને ચાર-પાંચ કેમેરા જ દેખાતા હતા.

ગોર મહારાજે મંત્ર ભણવાનું શરૂ કર્યું. ગોર મહારાજ હજુ તો `મંગલમ્‌‍ ભગવાન વિષ્ણુ...' બોલવા જાય ત્યાં જ પેલા કેમેરામેનએ વરરાજાના મોઢા પાસે ગીમ્બલ સાથે કેમેરો ધર્યો. મહારાજનો ગુસ્સો આસમાન પર ગયો ફોટોગ્રાફરને અને વરરાજાને કહ્યું કે `લગ્ન કરવાના છે કે ખાલી આલ્બમ જ બનાવવું છે? કાં તો હું મંડપમાં રહીશ અથવા આ કેમેરામેન.'

વરરાજાએ ગોર મહારાજને કહ્યું, `સોરી, તમે થોડીવાર બહાર ચક્કર મારી આવો ત્યાં થોડા ફોટા પડી જાય. ફેરા તો અડધી કલાક પછી પણ ફરાશે, જો લાઈટ ચાલી જશે તો જિંદગી ગોટાળે ચડી જશે.'

ગોર મહારાજને પણ એમ થયું કે હવે દક્ષિણાથી મતલબ રાખો. આપણે જમવાનો બ્રેક માનશું બીજું શું?

આ બધા વચ્ચે એક ફોટોગ્રાફરને સગા-વહાલાઓએ હાઇજેક કર્યો હતો તેમના પોતાના ફોટા પાડવા માટે.

બાર-બાય-બારના એક નાનકડા રૂમમાં 24 જણા ઠાંસી-ઠાંસીને ભર્યા હતા. દરેકનો અવાજ બીજા 23 જણ પર હાવી થઈ જાય એવો પ્રયત્ન ચાલતો હતો. મુંબઈની મચ્છી માર્કેટ કે કોઈ મધ્યમ વર્ગની શાક માર્કેટમાં પણ જેટલો દેકારો ન હોય એટલો દેકારો એ રૂમમાં હતો. ચુનિયો બૂમો પાડતો હતો, `એલા, કોઈ કેમેરામેનને બોલાવો, મુહૂર્ત નીકળી જશે!' પણ ત્યાં તો કેમેરામેન પોતે જ `સેલિબ્રિટી'ની જેમ એન્ટ્રી મારી!

જેવા ફોટા પડવાનું શરૂ થયું એટલે અસલી ખેલ શરૂ થયો. ચુનિયાના સાઢુ ગજબની `ફાંદ' લઈને આવ્યા હતા. કેમેરામેન બિચારો લેન્સ ફિટ કરે ત્યાં સાઢુની ફાંદ અડધી ફ્રેમ રોકી લે! 

સાઢુ ફોટો પડાવવા માટે શ્વાસ રોકીને પેટ અંદર ખેંચવાની એવી કસરત કરતા હતા કે એમનું મોઢું ટામેટા જેવું લાલ થઈ ગયું. ફોટો પડી ગયા પછી જેવો એમણે શ્વાસ છોડ્યો, બાજુમાં ઊભેલા ભત્રીજાને ધક્કો વાગ્યો અને એ બિચારો ઊંધે માથે પછડાયો!

એવામાં આવ્યા ચુનિયાના મોટા કાકા. કાકાની `ટાલ' પર કુદરતે એટલી સુંવાળપ આપી હતી કે કેમેરાની ફ્લેશ લાઈટ સીધી ટાલ પર અથડાઈને રિફ્લેક્ટ થતી હતી. કેમેરામેન ગૂંચવાયો, `સાહેબ, લાઈટ વધે છે!' કાકા કહે, `બેટા, એ લાઈટ નથી, આ તો મારા ખાનદાનનું તેજ છે!' છેલ્લે કાકાની ટાલ પર રૂમાલ ઢાંકવો પડ્યો ત્યારે કેમેરામેનને સંતોષ થયો.

રૂમમાં જગ્યા ઓછી હતી અને એમાં પાછી ચાર-પાંચ જાડી સ્ત્રીઓ સેલ્ફી લેવા મથી રહી હતી. એમાં જેવી સેલ્ફીની વાત આવી, એટલે તરત જ બધાના મોઢા `પાઉટ' મોડમાં! 

એવું લાગે કે જાણે બધાએ સાથે મળીને લીંબુ શરબત પીધું હોય અને એમાં ખાંડ નાખવાનું ભૂલી ગયા હોય! જોકે મને તો ચોરે બેઠેલા ભાભાઓ દોરા સુધી બીડી ખેંચે ત્યારે જે મોઢું થાય તે યાદ આવ્યું. એક માસી તો એટલા જાડા હતા કે ગ્રુપ સેલ્ફીમાં એમના આવ્યા પછી બીજા કોઈને ઊભા રહેવાની જગ્યા જ ન રહી. કેમેરામેને કીધું, `બેન, થોડા સાઈડમાં ખસો.' માસી કહે, `હું વરની માસી છું હવે એક ઇંચ ન ખસું, તારો કેમેરો ખસેડ.'

ભત્રીજાને ભૂત વળગ્યું હતું `કેન્ડિડ' ફોટાનું. એણે કેમેરામેનને કીધું, `હું હસીને જતો હોઉં એવો નેચરલ ફોટો પાડજે.'

હવે રૂમમાં 24 જણાના દેકારા વચ્ચે નેચરલ હસવું આવે ક્યાંથી? ભત્રીજો પરાણે દાંત કાઢતો હતો, ત્યાં જ ચાલતા ચાલતા પોતાના જ પગમાં તેની ધોતી ફસાણી! કેમેરામેને તરત ફોટો પાડ્યો. એ `કેન્ડિડ' તો ન થયો, પણ ભત્રીજાના જીવનનો સૌથી મોટો `કાંડ' જરૂર થઈ ગયો!

ફોટો પડી ગયા પછી સોશ્યલ મીડિયામાં ચડાવવા માટે અને સૌથી વધુ લોકોના માથે ઝીંકવા માટે `હેશટેગ'નું ભૂત દરેકને વળગ્યું છે. છેલ્લે ચુનિયાએ મને પૂછ્યું, `ભાઈ, આમાં Hashtag શું રાખીએ?" મેં કીધું, `ભાઈ, આ દેકારો જોતા તો એક જ હેશટેગ સૂઝે છે: Machi Market MeShaadi... 

મચ્છીમાર્કેટમેં શાદી...આ સાંભળીને ચુનિયો તો રાજીના રેડ થઈ ગયો, પણ ભત્રીજાની વહુએ હજુ સુધી મારી સાથે વાત નથી કરી!
લગ્ન વખત થયેલો ફોટા અને વીડિયોનો ખર્ચો ક્યારેક એટલો હોય છે કે તેમાંથી નાના સમાજના સમૂહ લગ્ન થઈ જાય. 

વિચારવાયુ:

`લગ્નના આલ્બમમાં કોના સગા વહાલાઓના ફોટા કે વીડિયો વધારે આવ્યા?' તે ચર્ચાનો વિષય બને ત્યારે લગ્નનું આલ્બમ કે વીડિયો હોંશે હોંશે દેખાડવા દોડતા પતિ અને પત્ની બન્ને તેને સંતાડવા માટે તમામ પ્રયત્નો કરે છે.