અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન રવિવારે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું હતું. આ લોકશાહીનું પર્વ શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પસાર થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા શાસક પક્ષના ટોચના નેતાઓ મતદાન કરશે. તમામ કેન્દ્રો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત રાજ્યના કુલ 4.18 કરોડ મતદાતા 25 હજારથી વધારે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.
અમદાવાદમાં 48 વોર્ડ માટે મતદાન
અમદાવાદ શહેરમાં 2 બેઠકો બિનહરીફ થતા હવે બાકીની 190 બેઠકો પર મતદાન થશે. 39 લાખથી વધારે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અમદાવાદમાં ઉનાળો જાણે ટોપ ગિયરમાં હોય એવું વાતાવરણ છે. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે મતદારો 10 વાગ્યા પહેલા મતદાન કરે એ ફોર્મ્યુલા સવારથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના નારણપુરા વૉર્ડમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પહોંચશે. કામેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ મતદાન કરશે. આ માટે સુરક્ષાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.
રાજકોટમાં 18 વૉર્ડ માટે મતદાન
રાજકોટ મહાનગર પાલિકાની 72 બેઠકો પર મતદાન થશે. આશરે 9 લાખથી વધારે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 236 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. રાજકોટમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની સંભાવનાઓ છે. તંત્ર દ્વારા પાણી-શેલ્ટર સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારો સવારે 10 પહેલા મતદાન કરે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.વહેલી સવારથી બુથ પર મતદાતાઓની લાંબી લાઈન જોવા મળી હતી. ખાસ કરીને શહેરી વિસ્તારમાં પણ મતદાતાઓ સવારથી જ મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. પ્રશાંત કોરાટ ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
વડોદરામાં 19 વૉર્ડ માટે મતદાન
વડોદરા શહેરમાં 19 વોર્ડની 76 માંથી 2 બેઠક બિનહરીફ થઈ હોય બાકીની 74 બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ મતદાન કર્યું હતું. મતદાન મથકો પર પીવાના પાણી અને ઓઆરએસની ખાસ સુવિધા આપવામાં આવી છે. મતદાતાઓને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન પડે એ માટે બુથની આસપાસ મંડપ પણ તૈયાર કરવામાં આવ્યા છે.છાણી ગામ ખાતે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગઈ હતું. વડોદરામાં પ્રથમ એક કલાકમાં સારૂ એવું મતદાન થયું હોવાના રિપોર્ટ મળ્યા છે. માત્ર વૃદ્ધો જ નહીં યુવાનો પણ મતદાન કરવા માટે બુથ પર પહોંચ્યા હતા. જે યુવાનોએ પહેલીવાર મતદાન કર્યું હતું તેમણે કેન્દ્રની બાહરથી સેલ્ફિ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.
સુરતમાં 30 વૉર્ડ માટે મતદાન
સુરત શહેરમાં 30 વોર્ડની 120 બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આકરી ગરમી વચ્ચે 28 લાખથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સુરત મહાનગર પાલિકામાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ત્રણ રાજકીય પાર્ટીઓ મેદાને ઊતરતા આ વખતેની ચૂંટણી રસપ્રદ બની રહેશે. નેતા પૂર્ણેશ મોદીએ અડાજણમાં તો અલ્પેશ કથિરિયાએ પોતાની પત્ની સાથે મતદાન કર્યું છે. સુરત શહેરના 88 નંબરના બુથમાં વહેલી સવારે ઈવીએમ મશીન ખોટકાતા દોડધામ થઈ ગઈ હતી. તાત્કાલિક વહીવટી તંત્રએ નવું ઈવીએમ આપી દેતા મતદાન શરૂ થયું હતું. તાપીમાં પદ્મશ્રી રમીલાબેન ગામિતે મતદાન કર્યું હતું. જ્યારે સ્વામિ નારાયણ મંદિરના સંતો પણ મતદાન કરવા માટે બુથ પર પહોંચ્યા હતા.