Thu Apr 30 2026

Logo

વીર નર્મદ યુનિવર્સિટીના છ વિદ્યાર્થી ચેટજીટીપી વાપરી પરીક્ષામાં ચોરી કરતા પકડાયા

2026-04-29 20:36:10
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ કોર્સના બે વિદ્યાર્થીઓ સહિત છ વિદ્યાર્થી કથિત રીતે ચેટજીપીટી (ChatGPT) નો ઉપયોગ કરીને પરીક્ષાના પેપરના જવાબ આપતા પકડાયા હતા.

યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ એઆઈ-જનરેટેડ જવાબો મેળવવા માટે મોબાઇલ ફોન અને બ્લૂટૂથનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ છ વિદ્યાર્થીઓમાંથી દરેક પર 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમની ચાલુ પરીક્ષાઓ રદ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 
મળતી માહિતી અનુસાર યુનિવર્સિટીની પરીક્ષા ટુકડી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓચિંતા ઈન્સ્પેક્શન દરમિયાન કુલ 229 વિદ્યાર્થી વિવિધ પ્રકારની છેતરપિંડીમાં સંડોવાયેલા મળી આવ્યા હતા. આમાંથી, 153 વિદ્યાર્થી ગેરરીતિ તપાસ સમિતિ સમક્ષ સુનાવણી માટે હાજર થયા હતા, જ્યારે 73 ગેરહાજર રહ્યા હતા અને હવે તેમની સામે કાર્યવાહી થઈ રહી છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરરીતિના કિસ્સાઓમાં હવે જવાબ લખેલી  સ્લિપનો ઉપયોગ અને શરીરના ભાગો પર લખવા જેવા સહિત અલગ અલગ યુક્તિઓ અજમાવવામાં આવે છે. ત્રણ કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓએ તેમની ઉત્તરવહીમાં 100 રૂપિયાની નોટો જોડીને પરીક્ષાર્થીઓને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ પાસ થવાની લેખિત વિનંતીઓ પણ કરી હતી.

યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ૯૪ કેસ લેખિત સામગ્રી રાખવાના, ૪૫ કેસ સ્લિપમાંથી નકલ કરવાના અને ૧૭ કેસ હાથ કે પગ પર લખવાના હતા. વધુમાં, ૧૫ કેસ કપડાં અથવા અન્ય વસ્તુઓ પર લખવાના હતા, જ્યારે ૧૧ કેસ મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ સાથે સંબંધિત હતા. છ કેસ ખાસ કરીને ચેટજીપીટીનો ઉપયોગ કરવાના હતા, જ્યારે ત્રણ કેસ આન્સરશિટની અંદર ચલણી નોટો મૂકવાના હતા.