Tue May 19 2026

Logo

વિશેષઃ લીમડો ગરમીમાં શરીરનું સુરક્ષા કવચ

2026-03-31 15:21:04
Author: રેખા દેશરાજ
Article Image

રેખા દેશરાજ

આપણા દેશમાં ઋતુ બદલાતાં જ આપણી જીવનશૈલી પણ બદલાઈ જાય છે. આપણે ઋતુ પ્રમાણે પોતાને ઢાળવું પડે છે. પ્રકૃતિ પ્રમાણે પોતાને ઢાળશું નહીં તો તકલીફ થશે. હોળી બાદ વસંત ઋતુની શરૂઆત થઈ જાય છે. વાતાવરણ ગરમ બની જાય છે. એને કારણે અનેક બીમારીઓ પણ આપણને ઘેરી વળે છે. એવામાં લીમડાની નાજુક પત્તીઓ આપણા સ્વાસ્થ્યને સુરક્ષા પ્રદાન કરે છે.

આયુર્વેદમાં લીમડાના પત્તાંઓને ‘સર્વરોગ નિવારણ’ કહેવામાં આવે છે. વસંત ઋતુમાં લીમડાના ઝાડ પર અનેક કોમળ અને હલ્કી કડવી પત્તીઓ ઊગી નીકળે છે. જેમાં ઔષધિ ગુણ સમાયેલા હોય છે. આ જ કારણ છે દેશનાં અનેક શહેરોમાં લીમડાનાં આ કોમળ પાંદડાં ચાવવામાં આવે છે. 

વસંતઋતુમાં આપણું સ્વાસ્થ્ય:

આયુર્વેદ મુજબ શરીરમાં જામેલો કફ વસંત ઋતુમાં ઓગળવા માંડે છે. શિયાળાની ઋતુમાં આપણે ખૂબ જ ગરમ, મીઠાઈઓ અને પકવાન ખાઈએ છીએ. એનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી તકલીફો પણ શરૂ થાય છે. એલર્જી, ખાંસી, શરદી, ત્વચાના રોગ, આળસ અને પાચન સંબંધી તકલીફો ઊભી થાય છે. એવામાં લીમડાના પાંદડાં ચાવવા ખૂબ લાભદાયી છે. એનો કડવો સ્વાદ શરીરની અંદર રહેલો કફ અને ઝેરી તત્ત્વોને ઘટાડવામાં મદદ કરે છે. એથી વસંતને સફાઈની ઋતુ પણ ગણવામાં આવે છે. એમાં લીમડાના પાંદડાં ખૂબ ઉપયોગી નીવડે છે.

લીમડાના પાંદડાની રોગ પ્રતિરોધક ક્ષમતા:

લીમડાના પાંદડામાં અનેક પ્રકારના જૈવ તત્ત્વ મળી આવે છે, જેમ કે નિમ્બિન, નિમગિન અને એન્ટિ-ઓક્સિડન્ટ. આ તત્ત્વો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. વર્તમાનમાં પ્રદૂષણ, અસંતુલિત આહાર અને તણાવને કારણે લોકોની ઇમ્યુનિટી નબળી પડી ગઈ છે. 

આ ખૂબ જ સરળતાથી મળી આવતી અને સસ્તી છે. જો આપણે આ ઋતુમાં એના પાંદડાનું નિયમિત સેવન કરીએ તો આખું વર્ષ આપણને વિવિધ ઇન્ફેક્શનથી બચવામાં સંરક્ષણ મળશે.

ત્વચાની સુરક્ષા અને રક્ત શુદ્ધિ

વસંત ઋતુમાં ત્વચા સંબંધી સમસ્યાઓ વધી જાય છે, જેમ કે ચહેરા પર દાણા નીકળવા, ખંજવાળ અને એલર્જી થવી એ સામાન્ય બાબત બની ગઈ છે. એવામાં લીમડાના પાંદડાં આ તમામ તકલીફોથી રાહત આપે છે. જે આપણા લોહીને પણ શુદ્ધ કરે છે. આજ-કાલ તો લીમડાનાં અનેક ઉત્પાદનો જેમ કે સાબુ તથા તેલ માર્કેટમાં મળે છે. જોકે આ બધા પ્રોડક્ટ્સને બદલે માત્ર લીમડાના પાંદડાનો જ ઉપયોગ કરીએ તો અનેક ફાયદા થઈ શકે છે. લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળીને તેનાથી સ્નાન કરવાથી ત્વચા સંબંધિત બીમારીઓ પણ દૂર રહે છે.

શરીરને અંદરથી સાફ અને પાચન સુધારે:

લીમડાની કડવાશ આપણી પાચનશક્તિને સક્રિય બનાવે છે. લીમડાના કોમળ પાંદડાઓના સેવનથી આપણા શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળવામાં મદદ મળે છે. પાચનતંત્ર પણ મજબૂત બને છે. જોકે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ પાંદડાનું વધુ પડતું સેવન પણ ન કરવું જોઈએ.

કયા તત્ત્વો લીમડાને બનાવે છે ખાસ

લીમડાના પાંદડામાં એવા કેટલાંક કુદરતી તત્ત્વો મળી આવે છે જે આપણા આરોગ્યને વધુ સારું બનાવે છે. એ તત્ત્વો કયાં છે એના પર એક નજર...

કુદરતી એન્ટિ-બાયોટિક: લીમડામાં જીવાણુ અને વાયરસથી લડવાની અદ્ભુત શક્તિ હોય છે. એની અંદર રહેલા કુદરતી એન્ટિ-બાયોટિક તત્ત્વ જ તેને ખાસ બનાવે છે. 

રક્ત શુદ્ધિકરણ: લીમડાના પાંદડાં રક્તને સાફ કરવા અને ત્વચાના રોગોને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. 

કફ સંતુલન: વસંત ઋતુમાં શરીરમાં અન્ય ઋતુની સરખામણીએ કફ વધી જાય છે. લીમડાના પાંદડાં કફને સંતુલિત કરવામાં મદદ કરે છે.

પ્રતિરોધક શક્તિ: લીમડાના પાંદડાનો નિયમિતરૂપે ઉપયોગ કરવામાં આવે તો એનાથી આપણાં શરીરમાં કુદરતી રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. 

પાચનમાં સુધાર: લીમડાના પાંદડાંમાં રહેલી કડવાશ આપણા પાચનતંત્રને સક્રિય કરે છે.