Mon Sep 07 2026

Logo

વિશાખા રાઉતનું નગરસેવક પદ: સોમવારે સામાન્ય સભામાં જાહેર થવાની શકયતા

2026-09-06 07:12:43
Author: Sapna Desai
વિશાખા રાઉતનું નગરસેવક પદ: સોમવારે સામાન્ય સભામાં જાહેર થવાની શકયતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભૂતપૂર્વ મેયર અને શિવસેના (ઠાકરે)ના નગરસેવિકા વિશાખા રાઉતનું કાસ્ટ સર્ટિફિકેટ ગેરલાયક જાહેર થયા બાદ તેમનું નગરસેવક પદ રદ થવાની અધિસૂચના રાજ્ય સરકારે શુક્રવારે કાઢ્યા બાદ સોમવારે પાલિકાની સામાન્ય સભા તેની ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવે એવી શકયતા છે. અગાઉ ચાર નગરસેવકોના પદ રદ તયા હોવાની જાહેરાત સભાગૃહમાં થઈ ચૂકી છે. હવે જો વિશાખા રાઉતના નામની જાહેરાત થાય છે તો આ સંખ્યા પાંચ થઈ જશે.
છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવેલા વિશાખા રાઉત હાઇ-પ્રોફાઇલ ગણાતા ૧૯૧ વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં શિવાજી પાર્ક અને દાદર પશ્ર્ચિમ પટ્ટો આવેલો છે. આ વોર્ડ મહિલા બેઠક તરીકે અનામત છે. વિશાખા રાઉતને ગેરલાયક ઠરાવવાને કારણે પાલિકામાં  વિપક્ષને મોટો ફટકો પડયો છે. પહેલી સપ્ટેમ્બરના રોજ સરકારી ઠરાવ (જીઆર)માં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે  ૨૧ ઓગસ્ટના રોજ પાલઘરમાં કાસ્ટ સર્ટિફિકેટ સ્ક્રુટીની કમિટી દ્વારા વિશાખા રાઉતના ઓબીસીના જાતિ પ્રમાણપત્રને રદ કર્યાના દિવસો પછી આદેશ જારી કર્યો હતો. 

વિશાખા રાઉત શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના પ્રિયા સરવણકર સામે ચૂંટણી લડ્યા હતા અને ૧૩,૨૩૬ મતો મેળવીને ભૂતપૂર્વ વિધાનસભ્ય ને શિવસેના નેતા સદા સરવણકરની પુત્રી પ્રિયાને  ૧૬૭ મતોથી હરાવ્યા હતા. 

વિશાખા રાઉતનું નગરસેવક પદ સોમવારે જો રદ કરવાની જાહેરાત સામાન્ય સભામાં કરવામાં આવે છે, તો ગેરલાયક ઠરેલા નગરસેવકોની સંખ્યા પાંચ થઈ જશે. આ અગાઉ 

૧૮ જૂનના રોજ ભાંડુપમાં વોર્ડ ૧૧૧ ના શિવસેના (ઠાકરે) નગરસેવક દીપક સાવંત, જાતિ ચકાસણી સમિતિએ તેમનું ઓબીસી જાતિ પ્રમાણપત્ર અમાન્ય કર્યા પછી તેમની બેઠક ગુમાવી દીધી હતી, જે તેમણે જાન્યુઆરીમાં પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે સબમિટ કર્યું હતું. ૨૨ જૂનના રોજ, વોર્ડ ૧૩૭ ના ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના નગરસેવક સમીર રમઝાન પટેલને સમાન કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. એ બાદ ૧૦ જુલાઈએ  મેયરે વધુ બે નગરસેવકોને ગેરલાયક ઠેરવવાની જાહેરાત કરી હતી. વોર્ડ ૧૩૮માંથી એઆઈએમઆઈએમના રોશન શેખ અને કુર્લા પૂર્વના વોર્ડ ૧૭૦માંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના  બુશરા નદીમ મલિકને તેમના જાતિ પ્રમાણપત્રો અમાન્ય ઠેરવવામાં આવ્યા બાદ તેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.