Thu Oct 01 2026

Logo

વીરેન્દર સેહવાગનું પત્ની આરતી સાથે સમાધાન થઈ ગયું કે પછી સંબંધોમાં તિરાડ હતી જ નહીં?

2026-09-24 18:59:08
Author: Ajay Motiwala
વીરેન્દર સેહવાગનું પત્ની આરતી સાથે સમાધાન થઈ ગયું કે પછી સંબંધોમાં તિરાડ હતી જ નહીં?

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતના સૌથી વિસ્ફોટક બૅટ્સમેનોમાં વિવ રિચર્ડ્સ પછી બીજા નંબરે ગણાતા વીરેન્દર સેહવાગ (Sehwag) વિશે વર્ષોથી મોટા ભાગે ક્રિકેટલક્ષી વિગતો જ જાણવા મળી છે, પરંતુ પત્ની આરતી (Aarti) સાથેના તેના સંબંધોમાં કથિત તિરાડ પડી હોવાની અગાઉની અટકળ બાબતમાં ફરી એક વખત એક અહેવાલમાં ઉલ્લેખ થયો છે. જોકે વીરુદાદાએ તેના એક રિયાલિટી શૉ (Reality Show)ના અવસરે ઇન્ટરવ્યૂમાં જે વાતો કરી છે એના પરથી તો સ્પષ્ટ થાય છે કે પત્ની આરતી સાથેના સંબંધોમાં કોઈ તિરાડ હતી જ નહીં.

સંબંધોની આ કહેવાતી તિરાડ વિશે સ્વાભાવિક છે કે સેહવાગ કે આરતી તરફથી સત્તાવાર રીતે કોઈ જ નિવેદન અપાયું નહોતું, પરંતુ જો સંબંધો બગડ્યા હશે તો પણ ખાનગીમાં જ સમાધાન થઈ ગયું હશે એવી ચર્ચા પણ એક જાણીતા અંગે્રજી દૈનિકના અહેવાલ પરથી થવા લાગી છે. અગાઉ એવી અટકળો થઈ હતી કે જાન્યુઆરી, 2025થી સેહવાગ અને આરતી અલગ રહે છે.

26મી સપ્ટેમ્બરે `રાઇઝ ઍન્ડ ફૉલ ટૂ' નામના આ રિયાલિટી શૉનું પ્રીમિયર યોજાશે અને સેહવાગ આ શૉનો હૉસ્ટ છે. તેણે પત્ની સાથેની કથિત તિરાડની અટકળો પર કંઈ જ બોલવાનું પસંદ નહોતું કર્યું, ઊલટાનું તેણે ઇન્ટરવ્યૂ લેનારને કહ્યું કે જો તેની બાયોપિક બને તો એ બાયોપિક (પત્ની આરતી સાથેની) લવસ્ટોરી પર આધારિત હોવી જોઈએ.

શું તમારી લાઇફ પર બાયોપિક બનવી જોઈએ? એવું ઇન્ટરવ્યૂમાં પૂછાતાં સેહવાગે તરત પત્ની આરતી સાથેના લગ્નજીવન તરફ સંકેત કરતા કહ્યું, `હાસ્તો...મારી લવસ્ટોરી એ ફિલ્મનો મહત્ત્વનો ભાગ હોવી જોઈએ.'

ઉલ્લેખનીય છે કે સેહવાગ ક્રિકેટ ઍકેડમી સહિતની સ્કૂલ ચલાવે છે જેમાં અનેક બાળકો ભણે છે. સેહવાગ-આરતીના બન્ને પુત્રો (18 વર્ષનો આર્યવીર અને 16 વર્ષનો વેદાંત) બહુ સારું ક્રિકેટ રમે છે. આર્યવીર સેહવાગ ઑસ્ટ્રેલિયા-એ સામે રમી રહેલી ઇન્ડિયા-એ ટીમનો મેમ્બર છે.