શુભાંગ બ્રહ્મભટ્ટ
લવ મૅરેજ પછીનું લગ્નજીવન ખૂબ સુખી હોય, પત્ની સાથે 36 ગુણ મળી ગયા હોય અને એકબીજાની સતત ઝંખના કરતા હો તો પણ... હા, તો પણ કૉલેજનું પહેલું અફેર કેમે કરીને ભુલાતું નથી. હૃદયના છાને ખૂણે એની સ્મૃતિનું પડીકું અકબંધ સચવાઈને પડ્યું હોય છે. હવે વિચાર કરો કે `હૅપ્પીલી મૅરિડ'ની 10મી ઍનિવર્સરીની સરપ્રાઇઝ પાર્ટીમાં તમે હરખઘેલા થઈ પત્નીને વિશ કરી એન્જૉય કરી રહ્યા હો અને...
... અને અચાનક કૉલેજમાં પહેલી વાર જેની સાથે ચાર આંખો થઈ હતી, તમારું દિલ જેના પર ઢળી ગયું હતું પણ જેનું થઈ નહોતું શક્યું એ ફર્સ્ટ ક્રશ (પેહલા પેહલા પ્યાર હૈ, પેહલી પેહલી બાર હૈ)નું સ્મરણ થયું તો? `યાદ કિયા દિલને કહાં હો તુમ' એમ મનમાં ને મનમાં ગણગણતાં પહેલાં ચેતજો, સંભાળજો. કારણ કે તમે શું વિચારી રહ્યા છો એની જાણ તમારી પ્રેમિકા - પત્નીને થઈ જાય અને જે છુપાવ્યું હતું એ ઉઘાડું પડી જાય એવી હાલત તમારી થઈ જાય એવી સંભાવનાની બારી વિજ્ઞાને ઉઘાડી મૂકી દીધી છે.
આ તો તમને ચેતવી દીધા. અમારી ફરજ છે. પછી કહેતા નહીં કે કીધું કેમ નહીં? નવું સંશોધન કરવામાં મશગૂલ રહેતા વૈજ્ઞાનિકોએ એક મગજમાં ચાલી રહેલી વાતો કે ઝબકી રહેલા વિચારો વાંચી શકે એવી ટેક્નૉલૉજી શોધી કાઢી છે. એની મદદથી મગજના તરંગો (બ્રેન વેવ)નું પૃથક્ક્રણ કરીને એ વ્યક્તિના વિચારોનું એક દૃશ્ય તૈયાર કરી શકે છે. કૅનેડાની યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટોની આ કમાલ છે. ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી (ઇઇજી)ના ડેટાને આધારે ડિજિટલી આ દૃશ્યની રચના કરી શકાય છે. સાયન્ટિસ્ટના કહેવા અનુસાર `આપણે જ્યારે કોઈ વસ્તુ કે દૃશ્ય કે વ્યક્તિ જોઈએ છીએ ત્યારે આપણું મગજ એનું એક કાલ્પનિક ચિત્ર આંકી લેતું હોય છે.
હકીકતમાં એ વસ્તુ કે વ્યક્તિની માનસિક છાપ હોય છે. અમને આ પ્રક્રિયા દરમિયાન માણસના મગજમાં શું ચાલી રહ્યું હતું એની ઇમેજ ઈઈજીની મદદથી મેળવવામાં સફળતા મળી હતી.' કેટલીક વ્યક્તિઓ પર આ પ્રક્રિયાનો અખતરો કરવામાં આવ્યો ત્યારે મળેલી સફળતાની ટકાવારી જોઈને આ સંશોધનને વધુ વિકસાવવાની હિંમત આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. હવે જો બૉસ સાથે મીટિગ હોય અને તેમણે તમને સોંપેલા કામથી તમે રોષે ભરાયા હો અને મનોમન એમને એકાદબે ચોપડાવી રહ્યા હો તો સંભાળજો. પ્રમોશન તો દૂરની વાત, ક્યાંક નોકરી ખોવાનો વારો ન આવે.
છૈયાંછોકરાં માટે છિનાળું
`પંખીડાને આ પીંજરુંં જૂનું જૂનું લાગે, બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરું માગે' પંક્તિમાં મનુષ્ય દેહ, આત્મા, પુનર્જન્મ જેવી ફિલોસોફી ઠાંસી ઠાંસીને ભરી છે, પણ નૉર્થ અમેરિકામાં જોવા મળતું Mountain Chickadee -પહાડી ચિકડી તરીકે ઓળખાતા પંખીને તો જીવનસાથી હોવા છતાં નવા સાથીના સહવાસની ઇચ્છા થતી હોવાની જાણકારી સંશોધનમાં હાથ લાગી છે. રિસર્ચ કરનારાઓએ દલીલ કરી છે કે વધુ સ્માર્ટ બાપાનાં બાળકો બહેતર જીવન જીવી શકે છે એવી માન્યતા ચિકડી સમાજમાં ફેલાઈ ગઈ હોવાથી બીજા સાથે અફેર કરી સંવનનથી બચ્ચાને જન્મ આપવાની પ્રથાને પ્રાધાન્ય મળી રહ્યું છે.
પહાડી ચિકડી `સોન્ગબર્ડ' તરીકે જાણીતું છે. આ પક્ષી `મોનોગેમસ' - એક પત્નીવ્રત કે એક પતિવ્રત હોવાની માન્યતા વર્ષોથી હતી. જોકે તાજેતરના આનુવંશિક અભ્યાસ દરમિયાન એ માન્યતાના પાયામાં તિરાડ પડી છે. અલબત્ત, અનેક પહાડી ચિકડી આજની તારીખમાં પણ એક જ જીવનસાથીનું પડખું સેવી બચ્ચાને જન્મ આપી એનો ઉછેર કરે છે, પણ માળાની ચકાસણી વખતે સંશોધકોને સાવકા ભાંડરડાં જોવા મળ્યાં છે. આ જાણકારીના આધારે વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે નર અને માદા બીજા માળામાં જઈ અન્ય પાર્ટનર સાથે સંવનન કરતાં હશે. રંગીલા સ્વભાવને કારણે નહીં, પણ `મારુંં બચ્ચું સ્માર્ટ બને' એ આશયને કારણે. સારુંં છે આવી માન્યતા આપણા માનવ સમાજમાં દૃઢપણે ફેલાયેલી નથી, નહીંતર...!
જણનારી જોરાવર હોય તો સુયાણીનું શું કામ?
`જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે?' એ કહેવત તમે સાંભળી હશે અને એના સ્થૂળ તેમ જ સૂક્ષ્મ અર્થથી પરિચિત હશો. જોકે, લુપ્ત થઈ ગયેલી અને અચાનક 1938માં મળી આવેલી સિલાકાન્ટ નામની માછલીને જાણ્યા પછી `જણનારી જોરાવર હોય તો સુયાણીનું શું કામ?', એવી નવી કહેવત બનાવવાની તમને ઇચ્છા જાગે તો એ સહજ કહી શકાય.
મોટાભાગની માછલીઓની આવરદા ટૂંકી હોય છે, પણ દરિયાઈ દુનિયામાં એવી કેટલીક મત્સ્ય છે જેની આયુષ્યરેખા બળવાન હોય છે. `ગ્રીનલૅન્ડ શાર્ક' નામની માછલીનું આયુષ્ય 250થી 400 વર્ષનું હોય છે. ફેયી રોકફિશ માછલી 200 વર્ષ જીવી જાય છે. બિગમાઉથ બફેલોની આવરદા 115 વર્ષની ગણાય છે. સાડા છ ફૂટની લંબાઈ સુધી પહોંચી 90 કિલો વજનની થતી સિલાકાન્ટ માછલી પણ સેન્ચુરી ફટકારવા માટે જાણીતી છે. આ માછલીનો શારીરિક વિકાસ ગોકળગાયની ગતિએ થાય છે એ સંશોધનમાં જાણવા મળ્યું હતું. આટલી વાતથી તમને જો ઓછી હેરત થઈ હોય તો અચંબો પમાડે એવી વાત એ છે કે માદામાં 55 વર્ષની ઉંમરે સેક્સ્યુઅલ મૅચ્યોરિટી આવે છે અને એ મા બનવા સક્ષમ બને છે.
નર 40-69 વર્ષની ઉંમરે પિતા બનવા સક્ષમ બને છે. હવે અજાયબીનું આ એવરેસ્ટ જે જાણી વિજ્ઞાન પણ ચોંકી ગયું છે. સંશોધકોના કહેવા પ્રમાણે આ માછલીની પ્રેગ્નન્સી એટલે કે સગર્ભાવસ્થાનો સમય પાંચ વર્ષ લાંબો હોય છે. એટલે એનો અર્થ એ થયો કે પ્રેગ્નન્સીનાં પાંચ વર્ષ પછી એની કૂખે બચ્ચાનો જન્મ થાય છે. જણનારીમાં એવું જોર હોય તો સુયાણીનું શું કામ? એ કહેવત ફિટ બેસે છે ને.?!
બહુ માથું ન ખાતી, આ સ્ત્રી ગજબ કરે છે
સ્ત્રી ઓછા સવાલ કરે? બાત કુછ હજમ નહીં હુઈ એવી પ્રતિક્રિયા ન આવે તો જ નવાઈ. એક ચોખવટ. બહુ માથું ન ખાતી સ્ત્રી કોઈના અંગત કે પારિવારિક જીવન કે પછી કાર્યક્રમ કે લગ્ન પ્રસંગમાં નથી જોવા મળતી. તો ક્યાં? ઝટ જણાવો ને ભાઈસાબ. નવા સંશોધન અનુસાર સાયન્સમાં અભ્યાસ કરતી સન્નારીઓ પુરુષોની સરખામણીમાં બહુ ઓછા સવાલ કરતી હોવાનું જાણવા મળ્યું છે. `એમ કેમ?' આ પણ એક સવાલ છે જે કદાચ કોઈ સ્ત્રીએ જ કર્યો હશે.
એનો જવાબ એ છે કે વિજ્ઞાનના વિષય માટે સન્નારીઓમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે અથવા તેમને પ્રશ્ન કરવાની જરૂરત જ ન લાગતી હોવાની પણ સંભાવના છે. યુકેની ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ નામની બે નામાંકિત યુનિવર્સિટી દ્વારા સતત 15 દિવસ સુધી નિરીક્ષણ કર્યા પછી મહિલાઓની સરખામણીમાં પુરુષો 80 ટકા સવાલ વધુ કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ વાંચીને કુંવારાઓમાં સાયન્સ ગ્રૅજ્યુએટ ક્નયાઓ સાથે પરણવાની ઉત્સુકતા વધી શકે છે.