સુરત : સુરતની ઓરો યુનિવર્સિટીમાં તા.1 અને 2 મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત'નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂ.3.53,306 લાખ કરોડના 2792 એમ.ઓ.યુ. થયા હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.
2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ" દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ બે દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે. આગામી ત્રણ વર્ષમાં MoU મુજબ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસ માટે જે પાયો નંખાયો છે, તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર થયો છે.

ગુજરાતનો દેશની કુલ જીડીપીમાં 8 ટકા ફાળો
તેમણે ગુજરાતની આર્થિક તાકાતને બિરદાવતા ઉમેર્યું કે, ગુજરાત દેશની કુલ જીડીપીમાં 8 ટકા ફાળો આપે છે. મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17 ટકા, મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં 27 ટકા અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત 40 ટકા હિસ્સો ધરાવે છે.
કેમિકલ અને ફર્ટિલાઇઝર ઉદ્યોગો વૈશ્વિક હબ બન્યા
દક્ષિણ ગુજરાતના સેક્ટરલ સ્ટ્રેન્થની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગથી લઈને ભરૂચ-દહેજ-અંકલેશ્વરના કેમિકલ અને ફર્ટિલાઇઝર ઉદ્યોગો વૈશ્વિક હબ બન્યા છે. હવે ટેક્સટાઈલની સાથે ગાર્મેન્ટિંગ ઉદ્યોગને ટ્રાઈબલ વિસ્તારો સાથે જોડીને વિકાસના નવા દ્વારા ખોલવામાં આવી રહ્યા છે, જે સ્થાનિક ક્ષેત્ર અને રાજય સરકારની મોટી જીત ગણાશે.