Thu Jun 18 2026

Logo

ગુજરાત સામેની મેચ પહેલા વૈભવ સૂર્યવંશીએ આશીષ નેહરાને જોઈને કર્યું આવું, વીડિયો થયો વાયરલ

2026-04-04 11:39:42
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સનો મુકાબલો થશે.  મેચ પહેલા વૈભવ સૂર્યવંશીએ એવું કઈંક કર્યું કે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોએ ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે.

વાયરલ વીડિયોમાં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સના હેડ કોચ આશીષ નેહરાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ ઘટના ગુજરાત ટાઈટન્સ સામેની મેચની પૂર્વ સંધ્યાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન બની હતી. જેવા વૈભવ અને નેહરા સામ-સામે આવ્યા કે તરત જ યુવા બેટ્સમેને કોઈપણ જાતના વિલંબ વગર નેહરાના ચરણ સ્પર્શ કર્યા હતા. નેહરાએ વૈભવને ભેટી પડ્યો હતો અને તેની પીઠ થાબડી હતી. 

પ્રથમ સીઝનમાં પણ કર્યો હતો ધમાકો

વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સ સામે ગત સીઝનમાં પણ વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 35 બોલમાં સદી ફટકારીને આઈપીએલ ઈતિહાસમાં કોઈ ભારતીય દ્વારા સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સીઝનમાં પણ તેણે શાનદાર શરૂઆત કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે પ્રથમ મેચમાં જ અડધી સદી ફટકારીને તેના શાનદાર ફોર્મનો સંકેત આપ્યો છે.

 

 

વૈભવ સૂર્યવંશી સતત તેની પ્રતિભાથી લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. આઈપીએલ ડેબ્યૂ બાદ તેણે પાછળ વળીને જોયું નથી. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા સામે યુથ વન ડે સીરિઝમાં તેણે અઢળક રન બનાવ્યા હતા. જે બાદ અંડર 19 વર્લ્ડક્પ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 175 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ભારતને વધુ એક ખિતાબ અપાવ્યો હતો. આઈપીએલમાં વૈભવ અત્યાર સુધીમાં 8 મેચમાં 304 રન બનાવી ચુક્યો છે. જેમાં એક સદી અને બે અડધી સદી સામેલ છે. તેનો સ્ટ્રાઈક રેટ 200થી વધારે છે.