Fri Jul 24 2026

Logo

રાજકોટમાં મામાના દીકરા સાથે લવ મેરેજ કરનારી યુવતીએ 5 મહિનામાં જ કેમ કરી લીધો આપઘાત ?

2026-07-24 10:43:00
Author: Vimal Prajapati
Article Image

રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં સંવેદનશીલ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર પરિણીતાને લગ્નના ગણતરીના મહિનાઓમાં જ સાસરિયા પક્ષ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ મળતાં આખરે તેણે જિંદગી ટૂંકાવી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બનાવ અંગે મૃતકના વૃદ્ધ પિતાની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે પતિ, સાસુ અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમલગ્ન બાદ શરૂ થયો હતો અસહ્ય ત્રાસ

મળતી વિગતો પ્રમાણે, મોચી બજાર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય રિક્ષાચાલક મહમદભાઈ તરકવાડીયાની દીકરી રૂમાનાના લગ્ન આશરે પાંચ મહિના પહેલાં સલીમ બાવનકા સાથે થયા હતા. લગ્ન બાદ થોડા જ સમયમાં ઘરકામ અને નાની-નાની બાબતોમાં સાસુ શરીફાબેન અને નણંદ અફસાનાબેને રૂમાનાને મેણાં-ટોણા મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરિણીતા પતિ સલીમને આ અંગે વાત કરતી ત્યારે તે મદદ કરવાને બદલે પત્ની સાથે મારકૂટ કરતો હતો.

સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી રૂમાનાએ પોતાના પિતાને ફોન કરીને ઘરેથી તેડી જવા વિનંતી કરી હતી. દીકરીની હાલત જોઈ માતા-પિતા તેને લેવા પહોંચ્યા ત્યારે સાસુ અને નણંદે અતિશય નિર્દયતા દર્શાવતા કહ્યું હતું કે, "તમારી દીકરી સાવ નકામી છે, તે મરી જશે તો ઘરમાં જગ્યા થશે." એટલું જ નહીં, જમાઈ સલીમે વૃદ્ધ સાસુ-સસરાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને દીકરીને સાથે મોકલવાનો ઇનકાર કરી દીધો હતો.

હોસ્પિટલમાં મળ્યો દીકરીનો મૃતદેહ

આ બનાવના બીજા જ દિવસે બપોરે પરિણીતા રૂમાનાએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ પિયરજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં દીકરીનો મૃતદેહ જોઈ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે જમાઈ સલીમ ઇબ્રાહિમ બાવનકા, વેવાણ શરીફાબેન બાવનકા અને નણંદ અફસાનાબેન સામે મરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.