Fri Jul 24 2026

Logo

અમદાવાદમાં આગાહી વિના જ ધોધમાર વરસાદ કેમ પડ્યો ? પરેશ ગોસ્વામી-અંબાલાલે શું કહ્યું ?

2026-07-24 10:41:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં આગાહી વિના જ ધોધમાર વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ શહેરમાં 11.65 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે પશ્ચિમથી લઈ પૂર્વ અમદાવાદના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં આગાહી વિના જ પડેલા ધોધમાર વરસાદને લઈ રાજ્યના બે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ મોટી વાત કહી હતી.

શું બોલ્યા અંબાલાલ અને પરેશ ગોસ્વામી

અંબાલાલના કહેવા પ્રમાણે, અમદાવાદમાં કોઈ એક ચોક્કસ લો-પ્રેશર સિસ્ટમ બની નહોતી. પરંતુ, બે અલગ-અલગ વરસાદી સિસ્ટમો સાયક્લોનિક સરક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમ એકસાથે ભેગી થઈ ગઈ હતી. આ ઉપરાંત શિયર ઝોન સક્રિય થવાથી અને આ સિસ્ટમ ઉત્તર તરફ ખસવાથી આગાહી કરતા પણ વધારે ધોધમાર વરસાદ પડ્યો હતો.  જો આ દરમિયાન લો-પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થઈ હોત, તો અમદાવાદમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકી હોત તેમ પણ અંબાલાલે જણાવ્યું હતું.

પરેશ ગોસ્વામીએ કહ્યું, વાતાવરણમાં શિયર ઝોન અત્યંત મજબૂત બન્યો છે.  બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ખૂબ જ સક્રિય છે.  મોનસૂન ઓફશોર ટ્રફ પણ પોઝિટિવ સ્થિતિમાં છે. આ સિસ્ટમનો મુખ્ય મિડલ પાર્ટ અમદાવાદ પર કેન્દ્રિત થયો છે, જેના કારણે વધુ વરસાદ પડ્યો છે.

હવામાન નિષ્ણાતો અનુસાર, વાતાવરણમાં ગઈકાલે સવારના સમયે જ એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સ્પષ્ટ થઈ હતી, જે અમદાવાદ તરફ આગળ વધી હતી. આ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ ટૂંકા સમયમાં ભારેથી અતિભારે વરસાદ લાવવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 

રવિવાર બપોર પછી રાહત

હવામાન નિષ્ણાતો મુજબ, આગામી બે દિવસ અમદાવાદ-ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.  વરસાદી સિસ્ટમ રવિવાર સવાર સુધી સક્રિય રહેશે. રવિવાર બપોર બાદ સિસ્ટમ નબળી પડતાં વરસાદનું જોર ઘટશે અને વાદળો હટી જતાં ઉઘાડ નીકળશે. 

શિયર ઝોન કોને કહેવાય

શિયર ઝોન એટલે વાતાવરણનો એવો વિસ્તાર જ્યાં જુદી જુદી દિશા અને અલગ અલગ ઝડપે આવતા પવનો ભેગા થાય છે. જ્યારે આ પવનો અથડાય છે, ત્યારે હવાનું ભારે દબાણ ઉત્પન્ન થાય છે. તેના કારણે વાદળો એકસાથે ઘેરાય છે અને અતિભારે કે તોફાની વરસાદ પડે છે. હવામાન વિજ્ઞાનમાં તેને ભારે વરસાદ લાવનારી એક મુખ્ય સિસ્ટમ ગણવામાં આવે છે.