Mon Jun 08 2026

Logo

`મારે ફક્ત ટી-20 નથી રમવું...' વૈભવ સૂર્યવંશીએ સૌથી મોટું સપનું શું છે એ સ્પષ્ટ કરી દીધું

2026-06-07 22:25:46
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ 15 વર્ષની ઉંમરમાં ભારતની ટી-20 ટીમમાં સ્થાન મેળવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી યુવાન ભારતીય ખેલાડી તરીકેનો નવો વિક્રમ સ્થાપિત કરનાર વૈભવ સૂર્યવંશીએ કહ્યું છે કે તેનું લક્ષ્ય માત્ર એક જ ફૉર્મેટમાં રમવાનું નથી, તેને ભારત વતી ટેસ્ટ અને વન-ડેમાં પણ રમવું છે.

આ વખતની આઇપીએલમાં તૂફાની બૅટિંગથી સૌથી વધુ 776 રન બનાવનાર બિહારના વૈભવે સ્પષ્ટતા કરી દીધી છે કે તેની નજર રેડ બૉલ (ટેસ્ટ ક્રિકેટ) પર પણ છે. તે નિયમિતપણે લાલ બૉલથી પ્રૅક્ટિસ કરે છે. તેનું એવું માનવું છે કે દરેક ફૉર્મેટની ખાસિયત છે અને દરેકમાં ખેલાડી પાસે એ ફૉર્મેટ પર આધારિત અપેક્ષા રાખવામાં આવતી હોય છે અને તેને ખાતરી છે કે તે એ અપેક્ષાને આધારે પર્ફોર્મ કરી શકશે.

ટીમ-મૅનેજરને શું કહ્યું?

વૈભવે રાજસ્થાન રૉયલ્સના ટીમ-મૅનેજર રૉમી ભિંડર સાથેની વાતચીતમાં કહ્યું, `મને ઘણા લોકો પૂછતા હોય છે કે શું ભવિષ્યમાં હું રેડ બૉલથી રમવાનું પસંદ કરીશ કે નહીં? હું તેમને કહું છું કે હું અગાઉ લાલ બૉલથી રમી ચૂક્યો છું અને અત્યારે પણ નિયમિત પ્રૅક્ટિસ કરું જ છું. હું મારા રાજ્ય (બિહાર) વતી ઘણી રેડ-બૉલ મૅચો રમ્યો છું અને હવે પછી પણ રમવાનું પસંદ કરીશ.'

આઇપીએલની સફળતાનું રહસ્ય

વૈભવ સૂર્યવંશીએ આ વખતની આઇપીએલમાં ભલભલા મોટા બૅટ્સમેનો કરતાં ચડિયાતું રમીને 776 રન બનાવવાની સાથે ઑરેન્જ કૅપ મેળવી એને કારણે ઘણા તેને મર્યાદિત ઓવરોનો (ખાસ કરીને ટી-20નો) જ ખેલાડી માની રહ્યા છે. જોકે વૈભવે એ ધારણા ખોટી હોવાનું કહીને ઉમેર્યું કે `હું આ ફૉર્મેટ (ટી-20)માં જે રીતે બૅટિંગ કરું છું એનું કારણ એ છે કે એવું રમવું એ ટી-20 ફૉર્મેટની ડિમાન્ડ છે. જ્યારે હું રેડ બૉલથી રમીશ ત્યારે એ ફૉર્મેટ (ટેસ્ટ) મુજબ બૅટિંગ કરીશ. વન-ડે મૅચમાં પણ એ ફૉર્મેટને આધારે મારી બૅટિંગમાં બદલાવ લાવીશ. મારું સપનું ત્રણેય ફૉર્મેટમાં રમવાનું છે. બાકી બધુ ભગવાનના હાથમાં છે.'

રવિચન્દ્રન અશ્વિન, ચેતેશ્વર પુજારા તેમ જ સાઉથ આફ્રિકાનો ડેલ સ્ટેન કહી ચૂક્યા છે કે વૈભવે રેડ-બૉલ ક્રિકેટમાં પણ આગળ વધવું જોઈએ. ડેલ સ્ટેને ત્યાં સુધી કહ્યું છે કે જો વૈભવ લાલ બૉલના ફૉર્મેટને ગંભીરતાથી લેશે તો ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટના સૌથી મોટા સ્ટાર્સમાં તેની ગણના થશે.