અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા અન્ય ત્રણ સંવર્ગોની સંયુકત પ્રિલિમિનરી પરીક્ષા રાજ્યના મહત્વપૂર્ણ કેન્દ્ર પર પૂર્ણ કરી દેવામાં આવી, ત્યારે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ઉમેદવારોની વિષયોની ઊંડાણપૂર્વકની સમજ અને વર્તમાન પ્રવાહો (Current Affairs) પરની પકડની કસોટી કરનારું રહ્યું હતું. એકંદરે પેપર મધ્યમથી કઠિન સ્તરનું રહ્યું હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું.
આજના પેપરમાં ફેક્ચ્યુઅલ માહિતી કરતાં જે તે વિષયના કન્સેપ્ટ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. પેપરમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને રાજ્યવ્યવસ્થા જેવા તમામ મુખ્ય વિષયોને સંતુલિત રીતે આવરી લેવામાં આવ્યા હતા. આજના પેપરમાં ગુજરાતને લગતા પ્રશ્નોમાં ખનિજ સંસાધનોની જોડકાં સ્વરૂપે પૂછવામાં આવ્યા હતાં. જેમાં બૉક્સાઇટ અને લિગ્નાઇટ અંગે પ્રશ્ન હતાં. જો કે તાજેતરમાં જ ગુજરાત સ્થાપન દિવસને અનુલક્ષીને મહાગુજરાત આંદોલન અને અમદાવાદના 'ચકલી સ્મારક' વિશે સવાલ હતો.
ગુજરાત UCC બિલની ચર્ચા
તે ઉપરાંત, ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલ સમાન નાગરિક સંહિતા (UCC) બિલ, કચ્છની પારંપરિક 'રોગન કળા', યુનેસ્કોની યાદીમાં સામેલ થયેલા 'ગુજરાતના ગરબા' અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગુજરાતી સાહિત્યકારોની કૃતિઓ વિશેના પ્રશ્નો રહ્યા હતાં.
પોલિટીમાં આ મુદ્દાઓ પર ભાર
બંધારણ અને રાજ્ય વ્યવસ્થા (Polity) વિભાગમાં અનુચ્છેદ 53 (સંઘની કારોબારી સત્તા), અનુચ્છેદ 14 (કાયદા સમક્ષ સમાનતા) , અને અનુચ્છેદ 311 (સનદી અધિકારીઓને મળતું રક્ષણ) જેવા મહત્વના અનુચ્છેદો અંગે પ્રશ્ન પૂછાયા હતા. આ સાથે જ, કેશવાનંદ ભારતી કેસ દ્વારા પ્રસ્થાપિત 'મૂળભૂત માળખા'નો સિદ્ધાંત, 16મું નાણા પંચ, સીમાંકન આયોગ અને કલમ 21 હેઠળ 'ગરિમાપૂર્ણ મૃત્યુના અધિકાર'ને લગતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પરથી પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
વિજ્ઞાન-ટેકનોલોજીમાં શું પૂછ્યું?
વિજ્ઞાન-ટેકનોલોજી અને પર્યાવરણના વિભાગમાં GPSCનો સૌથી વધુ મહત્વનો વિષય ઇસરો (ISRO) અને DRDO ની કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઇસરોના ગગનયાન મિશન, ચંદ્રયાન-3, PSLV/GSLV લોન્ચ વ્હીકલ્સ અને ક્વોન્ટમ કોમ્યુનિકેશનની સિદ્ધિઓ અંગે સવાલો હતા.
ઘોરાડ અને પૃથ્વી, અગ્નિ મિસાઇલના પ્રશ્નો
સંરક્ષણ ક્ષેત્રે DRDO ના IGMDP પ્રોગ્રામ અને મિસાઇલો (પૃથ્વી, અગ્નિ) વિશે પૂછવામાં આવ્યું હતું. પર્યાવરણ અને ભૂગોળ અંતર્ગત, ભારતમાં ઘોરાડ (GIB) પક્ષીની વસ્તી , ઉષ્ણકટિબંધીય ચક્રવાતો, અરવલ્લી પર્વતમાળાનું પર્યાવરણીય અને ભૌગોલિક મહત્વ , અને ભારતના ચોમાસા પર 'અલ નીનો' ની અસરો જેવા સમકાલીન અને ભૌગોલિક મુદ્દાઓ આવરી લેવાયા હતા.
ઇતિહાસ અને કરંટ અફેર્સમાં આ મુદ્દાઓ
ઇતિહાસ અને કરંટ અફેર્સના પ્રશ્નોમાં પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સભ્યતાની ધાતુકામની 'લોસ્ટ વેક્સ પદ્ધતિ'થી લઈને આધુનિક ભારતના 1857ના વિપ્લવ, સાયમન કમિશન અને 'કોમાગાટા મારુ' જહાજની ઐતિહાસિક ઘટના વિશે પ્રશ્નો હતા. કરંટ અફેર્સમાં કેન્દ્રીય બજેટમાં રજૂ થયેલ 'ઓરેન્જ ઇકોનોમી' (એનિમેશન અને સર્જનાત્મક ઉદ્યોગો) , બ્રિક્સ (BRICS) સંગઠનનું વિસ્તરણ , ભારત સરકારનું 'ભાષિની મિશન' , ગાઝા સંઘર્ષ સંબંધિત 'બોર્ડ ઓફ પીસ', અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના તાજેતરના પ્રવાહોને સાંકળી લેવાયા હતા.
મેથ્સ અને રિઝનિંગમાં શું હતું?
અંતમાં, મેથ્સ અને રિઝનિંગ (ગણિત અને તર્કશક્તિ) વિભાગમાં ઉમેદવારોની એનાલિટિકલ સ્કિલ્સની ચકાસણી કરવામાં આવી હતી. આ વિભાગમાં કોડિંગ-ડિકોડિંગ , લોહીના સંબંધો (Blood relations)ની પઝલ, સરેરાશના દાખલા, સમય-કાર્ય આધારિત પ્રશ્નો અને સીટિંગ એરેન્જમેન્ટ (ગોળાકાર ટેબલ)ના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એકંદરે, એમ કહી શકાય કે પેપર ગોખણપટ્ટી કરતાં ઉમેદવારોના જે તે વિષયના કોન્સેપ્ટની સમજ અને ચારે તરફના વિષયો પ્રત્યેની તેમની જાગૃતિની ખરી કસોટી લેનારું રહ્યું હતું.