ભારતના 8/564 ડિક્લેર્ડ સામે અફઘાનિસ્તાનના પાંચ વિકેટે 113ઃ ગિલ ઇલેવન એક દાવથી જીતી શકે
ન્યૂ ચંડીગઢઃ ભારત આઠ વર્ષે અફઘાનિસ્તાન સામે ફરી ટેસ્ટ મૅચ રમી રહ્યું છે, ન્યૂ ચંડીગઢમાં પહેલી જ વખત ટેસ્ટ રમાઈ રહી છે એવામાં ભારત વતી ડેબ્યૂ કરનાર રાજસ્થાની સ્પિનર માનવ સુથારે (15.5-7-21-3) રવિવારે સનસનાટી મચાવી દીધી હતી જેમાં તેણે ત્રણ વિકેટ લઈને અફઘાનિસ્તાનને મુસીબતમાં મૂકી દીધું હતું. માનવે ટી-બ્રેક બાદ બે કલાકના સત્રમાં 12 ઓવર બોલિંગ કરી હતી અને માત્ર 20 રનના ખર્ચે વિકેટ લીધી હતી.
ભારત હજી 451 રનથી આગળ
રવિવારની બીજા દિવસની રમતને અંતે અફઘાનિસ્તાનનો પ્રથમ દાવનો સ્કોર 5/113 હતો. ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં શનિવારના પ્રથમ દિવસે મૅચ પર મજબૂત પકડ જમાવ્યા બાદ રવિવારના બીજા દિવસે મૅચને એક દાવથી જીતવાની પાક્કી તૈયારી કરી લીધી હતી. ભારતે પ્રથમ દાવ 8/564ના સ્કોર પર સમાપ્ત જાહેર કર્યેા ત્યાર બાદ અફઘાનિસ્તાને માત્ર 113 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ હજી 451 રનથી આગળ હતી.
અફઘાનિસ્તાનના બૅટ્સમેનો મૂંઝાઈ ગયા
અફઘાનિસ્તાનની પાંચમી વિકેટ પડ્યા બાદ બહુ ઓછો સમય બાકી હોવાથી રમતને ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી. પાંચમાંથી ત્રણ વિકેટ નવા લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે અને બે વિકેટ અનુભવી પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી છે. રહમત શાહ 43 રને દાવમાં હતો. માનવ સુથારે હરભજન સિંહની માફક ફ્લાઇટેડ બૉલ ફેંકીને અને નવા બૉલને સારો એવો ટર્ન કરીને બૅટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. માનવ પોતાના બૉલને ટપ પાડતાં પહેલાં હવામાં એવી મૂવમેન્ટ આપે છે જેનાથી બૉલ ક્યાં પડશે એ વિશે બૅટ્સમૅન મૂંઝાઈ જાય છે. તેના ડ્રિફ્ટ અફઘાનિસ્તાનના બૅટ્સમેનો માટે માથાનો દુખાવો થઈ ગયા છે.
સિરાજનો શાનદાર કૅચ
કૅપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાનના દાવની શરૂઆતમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને અજમાવ્યા બાદ 23 વર્ષીય માનવ સુથારને પહેલી વખત ઓવર આપી તો તેણે ચોથા જ બૉલમાં ઓપનર અબ્દુલ મલિક (16 રન)ને મોહમ્મદ સિરાજના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. સિરાજે સ્ક્વેરમાંથી દોડી આવીને મુશ્કેલ કૅચ ઝીલ્યો હતો.
પંતના બબડાટનો માનવને લાભ
માનવે પછીથી અનુભવી ખેલાડી રહમનુલ્લા ગુરબાઝ (12 રન)ને સાઇ સુદર્શનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. આ માનવની બીજી વિકેટ હતી અને દિવસના અંત ભાગમાં માનવને જે ઓવર મળી એના પાંચમા બૉલમાં તેણે વિકેટકીપર અફસાર ઝઝાઈ (ત્રણ રન)નો પોતે જ કૅચ ઝીલી લીધો હતો. ઝઝાઈની આ 10મી ટેસ્ટ છે અને અગાઉની નવ ટેસ્ટમાં તેણે એક સેન્ચુરી સહિત કુલ 367 રન બનાવ્યા હતા. એવું મનાય છે કે માનવે ઍન્ગલ બદલીને બૉલ ફેંક્યો હતો અને એ પહેલાં વિકેટકીપર રિષભ પંત સ્ટમ્પ્સની પાછળથી બબડાટ કરતો રહેતો હોવાથી પણ કદાચ બૅટ્સમૅન ઝઝાઈનો એકાગ્રતાભંગ થયો હશે.
ભારતના 564 રનમાં બે સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરી
ભારતે 8/564ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો જેમાં ખાસ કરીને કૅપ્ટન ગિલ (126 રન) અને કેએલ રાહુલ (100 રન)ના સૌથી મોટા યોગદાન હતા. સાઇ સુદર્શન (81 રન)ની જેમ રિષભ પંત પણ 81 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. વૉશિંગ્ટન સુંદર બાવન રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે માનવ સુથારે બે સિક્સર અને બે ફોરની મદદથી 28 રન બનાવીને વૉશિંગ્ટન સાથે સાતમી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમે સૌથી વધુ છ વિકેટ લીધી હતી.