Mon Jun 08 2026

Logo

આરસીબીને બે ટાઇટલ અપાવનાર કૅપ્ટન પાટીદાર કેમ ભારતની ટી-20 ટીમમાં નથી? આગરકરે આપ્યા છે કારણો...

2026-06-07 18:34:05
Author: Ajay Motiwala
Article Image

PTI / BCCI


મુંબઈઃ ભારતની જે ટી-20 ટીમ આ મહિને આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસે જશે તેમ જ સપ્ટેમ્બરમાં જાપાનની એશિયન ગેમ્સમાં જે ટી-20 રમશે એમાં શ્રેયસ ઐયરને અઢી વર્ષે (કૅપ્ટન્સી સાથે) કમબૅક આપવામાં આવ્યું છે, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને સ્થાન અપાયું છે તેમ જ તિલક વર્માને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ને આઇપીએલના બૅક-ટુ-બૅક ટાઇટલ અપાવનાર કૅપ્ટન રજત પાટીદાર (Patidar)ને કેમ આમાંથી એક પણ ટીમમાં જગ્યા ન મળી એ વિશે ક્રિકેટ ચાહકોમાં ખૂબ ચર્ચા છે. જોકે ચીફ સિલેક્ટર અજિત આગરકરે પાટીદાર વિશેના મુદ્દે કેટલાક બાબતો જણાવી છે.

શનિવારે મુંબઈમાં ટી-20 ટીમોની જાહેરાત કરવામાં આવી ત્યાર બાદ પત્રકાર પરિષદમાં આગરકરને `પાટીદાર કેમ ટીમમાં નથી?' એવું પૂછવામાં આવતાં તેણે કહ્યું, `માત્ર 15 ખેલાડી જ ટીમમાં સમાવવાના હતા. અમે ઘણા ખેલાડીઓના નામ પર ચર્ચા કરી હતી. જોકે અમે ચર્ચા કરી કે ટીમમાં અગાઉથી જ જે ખેલાડીઓ છે એ સારું પર્ફોર્મ કરી રહ્યા છે. અમે એ પણ વિચાર્યું કે ઘણા પ્લેયર્સ ટીમમાં આવી શકે એમ છે. જોકે અમારે 15 ખેલાડીને જ પસંદ કરવાના હતા. મને લાગે છે કે અમે બેસ્ટ ટીમ (Team) સિલેક્ટ કરી છે.'

આ વખતની આઇપીએલમાં આરસીબી વતી વિરાટ કોહલી (675 રન) બાદ સેક્નડ-હાઇએસ્ટ 501 રન પાટીદારના છે. તેણે 192.69ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા. જોકે ભારતની ટી-20 ટીમમાં શ્રેયસ ઐયર, તિલક વર્મા, શિવમ દુબે જેવા બૅટ્સમેનો છે જ એવામાં પાટીદારે હજી થોડો સમય રાહ જોવી પડશે.

મૂળ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરનો રજત પાટીદાર 33 વર્ષનો છે. તે 2023-'24માં ભારત વતી ત્રણ ટેસ્ટ અને એક વન-ડે રમ્યો હતો, પરંતુ તેને હજી સુધી ભારત વતી ટી-20 નથી રમવા મળી. તેણે આઇપીએલની 57 ટી-20 મૅચમાં 164.48ના સ્ટ્રાઇક-રેટથી 1,612 રન બનાવ્યા છે જેમાં એક સેન્ચુરી અને 14 હાફ સેન્ચુરી સામેલ છે.