Sun Sep 06 2026

Logo

મેદાન પર 'બડા ધમાકા', ડ્રેસિંગ રૂમમાં 'છોટા ભીમ'! જાણો 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું સિક્રેટ

2026-06-07 17:41:54
Author: Devayat Khatana
મેદાન પર 'બડા ધમાકા', ડ્રેસિંગ રૂમમાં 'છોટા ભીમ'! જાણો 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું સિક્રેટ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી યુવા વયે એન્ટ્રી મારીને ઇતિહાસ રચનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી પામનાર આ યુવા ખેલાડીની મેદાન પરની આક્રમક બેટિંગથી તો સૌ કોઈ વાકેફ છે, પરંતુ તેની મેચ પહેલાની તૈયારી જાણીને તમે પણ ચોંકી ઊઠશો. 

વાસ્તવમાં, મેદાન પર ઉતરતા પહેલા પોતાની જાતને શાંત અને ફોકસ્ડ રાખવા માટે વૈભવ કોઈ ગંભીર રણનીતિ નહીં, પરંતુ પોતાના મોબાઈલમાં ફેવરિટ કાર્ટૂન 'છોટા ભીમ'ના એપિસોડ જુએ છે! ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પર આ ખુલાસો કરતા લોકો આ યુવા સ્ટારની સાદગી અને બાળપણની માસૂમિયત પર ફિદા થઈ ગયા છે.

વૈભવની આ 'છોટા ભીમ' સ્ટાઇલ તેના માટે કેટલી શાનદાર સાબિત થઈ છે તેનો અંદાજ તેના તાજેતરના IPL પ્રદર્શન પરથી લગાવી શકાય છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ યુવા ખેલાડીએ બોલરોના છોતરા કાઢી નાખતા શાનદાર 776 રન ફટકારીને બેટિંગ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. એટલું જ નહીં, તેણે 'સિક્સર કિંગ' ક્રિસ ગેલનો એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. 

જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ એક્સ (X) પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, "શું તમે જાણો છો કે વૈભવ સૂર્યવંશી મેચ પહેલા શાંત રહેવા માટે શું કરે છે? તે પોતાના ફોન પર ફેવરિટ કાર્ટૂન 'છોટા ભીમ' જુએ છે! એ જાણીને આનંદ થયો કે તે હજુ પણ પોતાના બાળપણને જીવી રહ્યો છે." 

આ પોસ્ટ વાયરલ થતાં જ નેટિઝન્સે કમેન્ટ્સનો મારો ચલાવ્યો છે. કોઈએ લખ્યું, "આ તો છોટા પેકેટ બડા ધમાકા છે", તો અન્ય એક યુઝરે રમૂજમાં કહ્યું કે, "તે પોતે જ છોટા ભીમ છે, એટલે જ તેના પ્રદર્શનમાં આટલી તાકાત છે!" પ્રોફેશનલ ક્રિકેટના આકરા દબાણ વચ્ચે પણ વૈભવે પોતાની અંદરના બાળકને જીવંત રાખ્યો છે, જે દરેકને આકર્ષિત કરી રહ્યો છે.

નોંધવા જેવી વાત એ છે કે જે 'છોટા ભીમ' કાર્ટૂન વૈભવની સફળતાનું સિક્રેટ છે, તે પોતે પણ ભારતના સૌથી સફળ એનિમેશન બ્રાન્ડ્સમાંનું એક છે. ગ્રીન ગોલ્ડ એનિમેશનના સ્થાપક રાજીવ ચિલાકા દ્વારા બનાવવામાં આવેલી આ ફ્રેન્ચાઇઝીની અંદાજિત વેલ્યુ 500 કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે તેની પેરેન્ટ કંપની 800 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. લાયસન્સિંગ અને ડિજિટલ કન્ટેન્ટ દ્વારા કરોડોની કમાણી કરનારું આ કાર્ટૂન હવે ભારતના ભાવિ ક્રિકેટ સ્ટારનું ટેન્શન-બસ્ટર બની ગયું છે.