IPL 2026 માં પોતાની વિસ્ફોટક બેટિંગથી તરખાટ મચાવનાર વૈભવ સૂર્યવંશીએ આ વખતે મેદાનની બહાર પણ ચાહકોના દિલ જીતી લીધા છે. રાજસ્થાન રોયલ્સના આ 15 વર્ષીય યુવા સ્ટારની મધર્સ ડે પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલા પહેલા વૈભવે પોતાની માતા માટે એક ભાવુક સંદેશ શેર કર્યો હતો, જેણે દરેકને ભાવવિભોર કરી દીધા હતા.
વૈભવની પોસ્ટ વાયરલ
વૈભવ સૂર્યવંશીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- "આ તમારા માટે છે, માતા." તેની આ પોસ્ટને ચાહકોએ ખૂબ પસંદ કરી અને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી. આ પોસ્ટમાં વૈભવે બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટામાં વૈભવ રાજસ્થાન રોયલ્સની જર્સીમાં બેટ પકડીને જોવા મળી રહ્યો છે, જ્યારે બીજા ફોટામાં તે તેની માતા સાથે છે. રાજસ્થાન રોયલ્સે પણ તેના ખેલાડીઓનો એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ પોતાની માતાને મધર્સ ડેની શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.
IPL 2026 ની 52મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ખાસ 'ઓલ પિંક' (સંપૂર્ણ ગુલાબી) જર્સી પહેરીને ગુજરાત ટાઇટન્સ સામે મેદાનમાં ઉતરી હતી. આ ફ્રેન્ચાઈઝીની 'પિંક પ્રોમિસ' પહેલનો એક ભાગ હતો, જેનો ઉદ્દેશ્ય રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના નેતૃત્વમાં સામાજિક પરિવર્તન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.
મધર્સ ડેના આ ખાસ પ્રસંગે પર વૈભવ બેટિંગમાં પણ છવાઇ ગયો. તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 16 બોલમાં 36 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો. મોહમ્મદ સિરાજના પહેલા જ બોલ પર લોન્ગ ઓન ઉપર ફટકારેલી તેની સિક્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. જોકે, બાદમાં સિરાજે તેને આઉટ કરીને આ રોમાંચક મુકાબલાનો અંત આણ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ (GT) વિરુદ્ધની મેચમાં મોટી સિદ્ધિ
15 વર્ષીય વૈભવ સૂર્યવંશી આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સના સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. તેણે અત્યાર સુધી 11 ઇનિંગ્સમાં 440 રન બનાવ્યા છે. તેની સરેરાશ 40ની છે, જ્યારે સ્ટ્રાઇક રેટ 236.55 નો રહ્યો છે. આ સીઝનમાં વૈભવના બેટથી એક સદી અને બે અડધી સદી પણ નોંધાઈ છે.
એટલું જ નહીં, વૈભવે પુરુષ T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમર અને સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તેણે આ સિદ્ધિ માત્ર 29 ઇનિંગ્સ અને 514 બોલમાં પ્રાપ્ત કરી છે.