Wed Jul 01 2026

Logo

મારો ફોન દિલ્હી જાય છે, બીજિંગ નહીં: અમેરિકન સેનેટરે ભારત પર વ્યક્ત કર્યો અતૂટ વિશ્વાસ

2026-07-01 20:54:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ યુએસ રિપબ્લિકન સેનેટર સ્ટીવ ડેઇન્સે ચીન કરતાં ભારત પ્રત્યેનો પોતાનો વિશ્વાસ દર્શાવવા માટે પોતાના ફોનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હીની મુલાકાત દરમિયાન તેમનો ફોન સાથે રાખે છે, પરંતુ બીજિંગ જતી વખતે સાથે રાખતા નથી.

મંગળવારે વોશિંગ્ટનમાં આયોજિત યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઇએસપીએફ) લીડરશીપ સમિટમાં ડેઇન્સે જણાવ્યું કે ભારત, અમેરિકા સાથે મળીને ચીનના ઇનોવેશન નેટવર્કના અનુપાત અને કદની સ્પર્ધા કરવામાં સક્ષમ એક અનોખો દેશ છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોને માત્ર બંને લોકતંત્રો માટે જ નહીં પરંતુ વૈશ્વિક સમુદાય માટે પણ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.

ભારત અને ચીન પ્રત્યે વિશ્વાસના મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં ડેઇન્સે કહ્યું કે જ્યારે તેઓ બેઇજિંગની મુલાકાત લે છે ત્યારે તેઓ ફોન સાથે લઇ જતા નથી. તેમણે સમિટમાં બોલતા કહ્યું કે જ્યારે હું ચીનની મુસાફરી કરું છું ત્યારે આ ફોન મારી સાથે બેઇજિંગ જતો નથી. તે વોશિંગ્ટન ડીસીમાં મારા ડેસ્ક પર રહે છે. જ્યારે હું દિલ્હી કે ભારતમાં ક્યાંય પણ જઉં છું ત્યારે તે મારી સાથે હોય છે.

અહેવાલો અનુસાર તેમને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો બદલ યુએસઆઇએસપીએફ પબ્લિક સર્વિસ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ફેડએક્સના પ્રમુખ અને સીઇઓ રાજ સુબ્રમણ્યમ સાથેની વાતચીત દરમિયાન ડેઇન્સે કહ્યું કે ચીન તરફથી પેદા થતાં ભૂ-રાજકીય પડકારોનો સામનો કરતાં અમેરિકાએ ભારતની ભૂમિકા પ્રત્યે વધુ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂર છે.

તેમણે કહ્યું કે જ્યારે અમે ચીન સાથે ચાલી રહેલી પરિસ્થિતિ વિશે વિચારીએ છીએ ત્યારે અમારે વિશ્વસનીય વિકલ્પોની જરૂરીયાત રહે છે. ડેઇન્સે કહ્યું કે જો કે અમેરિકા ચીન સાથે સંપૂર્ણ રીતે સંબંધ તોડી શકે નહીં, પરંતુ તેણે તેના કામકાજ સાથે સંકળાયેલા જોખમો ઘટાડવાને પ્રાથમિકતા આપવી જોઇએ અને વિશ્વસનીય વ્યૂહાત્મક જોડાણો પણ બનાવવા જોઇએ.