Mon Jun 01 2026

Logo

USએ ઇરાનના રડાર અને ડ્રોન કન્ટ્રોલ સાઇટ્સ પર કર્યો હુમલો, IRGCએ અમેરિકી બેઝને બનાવ્યું નિશાન

2026-06-01 11:09:00
Author: Mayur Kumar Patel
Article Image

નવી દિલ્હીઃ એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે કરાર કરવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની સેના તેહરાન પર હુમલા પણ કરી રહી છે. તાજેતરની ઘટનાઓમાં અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આ વીકેન્ડ (શનિ-રવિ) દરમિયાન ઈરાનના ડ્રોન કમાન્ડ મથકો પર હુમલો કર્યો છે.

અમેરિકાએ રવિવારે જણાવ્યું કે, તેણે આ વીકેન્ડમાં ઈરાનના ગોરુક અને કેશમ ટાપુ (આઈલેન્ડ) પર આવેલા ઈરાની રડાર અને ડ્રોન કંટ્રોલ સેન્ટરો પર આત્મરક્ષામાં હુમલા કર્યા છે. અમેરિકાએ આ હુમલાને તેહરાનની આક્રમક ગતિવિધિઓનો જવાબ ગણાવ્યો છે.

ડ્રોન, એર સિક્યોરિટી સિસ્ટમ અને ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ તબાહ

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે 'X' (ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું  કે, ઈરાને એક અમેરિકન MQ-1 ડ્રોનને તોડી પાડ્યું હતું, જે આંતરરાષ્ટ્રીય જળસીમા પર ઉડાન ભરી રહ્યું હતું.

CENTCOM એ જણાવ્યું કે, અમેરિકન ફાઈટર જેટ વિમાનોએ જવાબી કાર્યવાહી કરીને ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ (હવાઈ સુરક્ષા પ્રણાલી), એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે 'વન-વે' (એકતરફી) હુમલાખોર ડ્રોનને નષ્ટ કરી દીધા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ અમેરિકન સૈનિકને નુકસાન પહોંચ્યું નથી.

ઈરાને પણ કરી જવાબી કાર્યવાહી

બીજી તરફ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સોમવારે જણાવ્યું કે, તેની એરોસ્પેસ સેનાએ એ એરબેઝને નિશાન બનાવ્યા છે, જેનો ઉપયોગ (તેમના જણાવ્યા મુજબ) સિરિક ટાપુ પર આવેલા ટેલિકોમ ટાવર પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં થયો હતો. જોકે, તેણે એ એરબેઝ કઈ જગ્યાએ આવેલું છે તે અંગે કોઈ માહિતી આપી નથી.

ગયા અઠવાડિયે પણ થયો હતો હુમલો

ગયા અઠવાડિયે પણ બંને દેશો વચ્ચે સામસામે હુમલા થયા હતા. ત્યારે અમેરિકાની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની) પાસે ચાલી રહેલા એક ઈરાની ડ્રોન ઓપરેશનને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. આ વાતની માહિતી વોશિંગ્ટનના એક અધિકારીએ આપી હતી. ત્યારબાદ ઈરાને પણ એક અમેરિકન એરપોર્ટ (હવાઈ મથક)ને નિશાન બનાવ્યું હતું.