Thu Jun 18 2026

Logo

શ્રીલંકા પાસે જહાજ પર યુએસનો હુમલો ભારત માટે ચિંતાની બાબત! શ્રીલંકન સાંસદે શું કહ્યું

2026-03-05 12:53:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની જ્વાળા હિંદ મહાસાગરમાં ફેલાઈ છે. બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સની એક સબમરીને શ્રીલંકા પાસે એક ઈરાની યુદ્ધ જહાજને ટોર્પીડો વડે તોડી પાડ્યું હતું, જેમાં 80થી વધુ લોકોના મોત થયા છે. વ્હાઈટ હાઉસ અને યુએસ સેનાને આ હુમલાની ગર્વ સાથે પુષ્ટિ કરી છે, ત્યારે યુએન ચાર્ટરનો સરેઆમ ઉલંઘન કરવા બદલ યુએસની ટીકા કરવામાં આવી રહી છે. એવામાં શ્રીલંકાના એક સાંસદે જણાવ્યું કે યુદ્ધમાં ભારત પણ સલામત નથી.

શ્રીલંકાના સંસદ સભ્ય અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના દીકરા નમલ રાજપક્ષે જણાવ્યું કે દરિયામાં જહાજ તોડી પાડવાની ઘટના માત્ર શ્રીલંકાને જ નહીં, પરંતુ નજીકના ક્ષેત્રોને પણ અસર કરે એવી છે.

ભારતની એક મીડિયા ચેનલ સાથે વાત કરતા રાજપક્ષે કહ્યું, "આ ઘટના શ્રીલંકા ઉપરાંત હિંદ મહાસાગર માટે ગંભીર ચિંતાનો વિષય છે, ભારત માટે પણ આ ઘટના ચિંતાજનક છે. યુદ્ધ ભલે માઇલો દૂર ચાલી રહ્યું છે, પણ શ્રીલંકાના અખાતથી માત્ર 40 નોટિકલ માઇલ દૂર હિંદ મહાસાગરમાં પણ તેની ગતિવિધિઓ આપણે જોઈ શકીએ છીએ."

રાજપક્ષેએ શ્રીલંકાની સરકાર પાસે એવી સ્પષ્ટતા કરવાની માંગ કરી કે શું તેમને યુએસનાં ઓપરેશનની  અગાઉથી જાણકરી હતી? 

યુએસ સામે બંધો ઉઠાવવો જોઈએ:
તેમણે કહ્યું, "શ્રીલંકાની સરકારે શ્રીલંકાની જનતાને અને દુનિયાને જવાબ આપવો જોઈએ કે શું તેઓ ઈરાની જહાજ પરના થયેલા આ હુમલાથી વાકેફ હતા કે તેમને સંપૂર્ણ પણે અંધારામાં રાખવામાં આવ્યા. જો તેમને અંધારામાં રાખવામાં આવ્યા હોય તો શ્રીલંકાના અધિકારીઓ યુનાઇટેડ સ્ટેટ્સ સામે બંધો ઉઠાવવો જોઈએ."

રાજપક્ષેએ કહ્યું,"હિંદ મહાસાગર ગલ્ફ ક્ષેત્રની કરતા ઘણું વધારે સક્રિય છે, તેથી આ એવી બાબત છે જેને શ્રીલંકાએ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ."