Thu Jun 18 2026

Logo

અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા: ડોનાલ્ડ ટ્રમ્પ રહી શકે છે હાજર

Washington DC   2026-04-21 14:15:00
Author: MayurKumar Patel
Article Image

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થનારી શાંતિ મંત્રણા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, જો કોઈ સમજૂતી થશે તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમાં વ્યક્તિગત રીતે સામેલ થઈ શકે છે અથવા વર્ચુઅલ રીતે જોડાઈ શકે છે.

રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા થવાની છે. સૂત્રો મુજબ વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને બુધવાર સુધીમાં થવાની સંભાવના છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે લાગુ બે સપ્તાહનું યુદ્ધવિરામ બુધવારે સમાપ્ત થવાનું છે. ટ્રમ્પ પહેલા જ તેને આગળ વધવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું સ્પષ્ટ કરી ચુક્યા છે. અમેરિકા દ્વારા હોર્મુઝ ખાડી નજીક ઈરાનના ધ્વજવાળા જહાજને જપ્ત કરવામાં આવ્યા બાદ સ્થિતિ વધુ વણસી છે. ઈરાને શાંતિ મંત્રણામાં સામેલ ન થવાની ચેતવણી આપી હતી. જોકે હવે ઈરાન તેના વલણ પર પુનર્વિચાર કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

 

રિપોર્ટ અનુસાર, એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ કહ્યું કે, તેઓ શાંતિ મંત્રણામાં ભાગ લેવા માટે સકારાત્મક રીતે વિચાર કરી રહ્યા છે. જોકે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેના પરથી આ વાતચીતની સંભાવના પૂરી રીતે ખતમ થઈ ન હોવાનો સંકેત મળે છે.

બંને પક્ષો તરફથી સકારાત્મક સંકેતો છતાં અનેક અડચણો આવી રહી છે. યુદ્ધવિરામની મર્યાદા ખતમ થવાની સાથે  અનિશ્ચિતતા વધી ગઈ છે. જેનાથી કોઈ નક્કર સમજૂતી સુધી પહોંચવાનું પડકારભર્યું હોઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ઓઈલની કિંમતમાં ઉછાળો ન આવે અને શેરબજારમાં ઘટાડો રોકી શકાય તેવી સમજૂતી ઈચ્છે છે. ઉપરાંત ઈરાનને પરમાણુ હથિયાર વિકસિત કરવાની ક્ષમતા ન મળવી જોઈએ તેમ પણ સ્પષ્ટ કર્યું છે.