Fri Oct 02 2026

Logo

એકસ્ટ્રા અફેર: યુપીઆઈ પેમેન્ટ પર ટેક્સ, અમેરિકાના દબાણની વાત કેટલી સાચી?

2026-09-17 08:04:45
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેર: યુપીઆઈ પેમેન્ટ પર ટેક્સ, અમેરિકાના દબાણની વાત કેટલી સાચી?

 ભરત ભારદ્વાજ

કેન્દ્ર સરકારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) દ્વારા થતી રૂપિયા 2000થી વધારેની ચૂકવણી પર ચાર્જ ઠોકી દીધો તેના કારણે બબાલ થઈ ગઈ છે કેમ કે અત્યાર લગી યુપીઆઈ દ્વારા થતી ચુકવણી પર કોઈ ચાર્જ નહોતો લેવાતો પણ હવે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) પર ટેક્સ લાગશે. 

એક તરફ કૉંગ્રેસે અમેરિકન કંપનીઓના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ કરીને દેકારો મચાવી દીધો છે તો બીજી તરફ લોકો પણ નારાજ છે. કેન્દ્ર સરકારે ચોખવટ કરી છે કે, સામાન્ય લોકો પર કોઈ વધારાનો બોજ નહીં આવે અને નવો ચાર્જ વેપારીઓએ જ ભોગવવાનો છે પણ ભારતમાં બધો ભાર અંતે તો કન્યાની કેડે જ આવે છે. આ ચાર્જ પણ અંતે તો સામાન્ય લોકોએ જ ભોગવવો પડવાનો છે એવું લોકોને લાગે છે તેથી સામાન્ય લોકોમાં પણ કચવાટ છે જ. 

અત્યાર લગી યુપીઆઈથી થતા કોઈ પણ પ્રકારના પેમેન્ટ પર કોઈ ચાર્જ નહોતો લાગતો. નવા નિયમો પ્રમાણે, યુપીઆઈથી 2,000 સુધીનું પેમેન્ટ કરાય તો ગ્રાહક કે વેપારી બંને પાસેથી કોઈ ફી નહીં લેવાય પણ બે હજાર રૂપિયાથી વધારેની ચુકવણી કરો તો 0.40 ટકા ચાર્જ લાગશે. આ ચાર્જ 75 હજાર રૂપિયા સુધીની ચૂકવણી પર રકમના 0.40 ટકા લેખે  લાગશે જ્યારે 75 હજારથી વધારેની ગમે તેટલી ચુકવણી પર ફિક્સ 300 રૂપિયા ચાર્જ લાગશે. મતલબ કે, યુપીઆઈ પેમેન્ટ પરના ચાર્જની મહત્તમ મર્યાદા 300 રૂપિયા નક્કી કરાઈ છે. રૂ-પે ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટને પણ નિયમો લાગુ પડવાના છે. 

રાહુલ ગાંધી અને કૉંગ્રેસનો આક્ષેપ છે કે, અમેરિકાના દબાણ હેઠળ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ લગાવાયો છે. કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીના આક્ષેપોને નકાર્યા છે પણ અત્યાર સુધી વિના મૂલ્યે થતાં ટ્રાન્ઝેક્શન્સ પર હવે ચાર્જ લેવાની જરૂર કેમ પડી તેનો કોઈ ગળે ઊતરે એવો ખુલાસો કર્યો નથી. સરકાર લોકો પર બોજ નથી આવવાનો એવું કહે છે પણ આ નિર્ણય કેમ લેવો પડ્યો તેના માટે જે કારણ આપે છે એ તાર્કિક નથી. 

સરકારનું કહેવું છે કે, યુપીઆઈનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે તેથી તેને  સુરક્ષિત રાખવા, સાયબર ફ્રોડ રોકવા, ટેકનોલોજી અપગ્રેડ કરવા અને પેમેન્ટ સિસ્ટમને મજબૂત જાળવી રાખવા સતત ખર્ચ કરવો પડે છે તેથી આવક ઊભી કરવા માટે આ ટેક્સ લાદવો પડ્યો છે. 

આ દલીલ ગળે ઊતરે એવી નથી કેમ કે યુપીઆઈ સિસ્ટમને કારણે બેંકો પરની જવાબદારી ઘટી છે તેથી સરકાર નવી ભરતી કરી નથી રહી. આ ઉપરાંત શાખાઓ પણ બંધ કરી રહી છે અને મર્જર કરીને સરકારી બેંકોની સંખ્યા ઘટાડી રહી છે. સરકારને તેમાં ફાયદો છે જ ને એ બચેલી રકમ યુપીઆઈને મજબૂત કરવા વાપરી જ શકાય છે. સરકાર લોકો પર બોજ નહીં આવે એવું કહે છે એ પણ ગળે ઊતરતું નથી. 

જુલાઈ 2026 સુધીમાં 741 બેંકો યુપીઆઈ સાથે જોડાઈ છે અને માત્ર જુલાઈમાં 29.88 લાખ કરોડ રૂપિયાનાં લગભગ 2,366 કરોડ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થયા. નાણાકીય વર્ષ 2025-26માં દેશના કુલ ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઈનો હિસ્સો લગભગ 84 ટકા હતો. નાની દુકાનોથી લઈને ઓનલાઈન શોપિંગ અને મોટા પેમેન્ટ સુધી બધે યુપીઆઈની બોલબાલા છે. સ્વાભાવિક રીતે આ નવો ટેક્સ આવે એટલે વેપારીઓ નફો જળવાય એ માટે ભાવ વધારે જતેથી તેની અસર સામાન્ય લોકો પર જ પડવાની છે. આ કારણે સરકારની દલીલ નક્કર નથી લાગતી. 

બીજી તરફ અમેરિકા લાંબા સમયથી ભારત પર ફ્રી ટ્રાન્ઝેક્શન્સ બંધ કરીને યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લેવા દબાણ કરતું જ હતું તેથી રાહુલે બે ને બે ચાર કરીને અમેરિકન કંપનીઓના દબાણ હેઠળ નિર્ણય લેવાયો હોવાનું સમીકરણ ગોઠવીને લોકો સામે મૂકી દીધું છે. રાહુલની વાત ઘણાંને ગળે ઊતરી રહી છે તેનું કારણ એ કે, અમેરિકાએ સત્તાવાર રીતે ભારતની ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમની ઝાટકણી કાઢી છે. 

યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) ઓફિસે પોતાના રિપોર્ટમાં લખેલું જ છે કે, ભારતનું યુપીઆઈ અને સ્થાનિક રૂ-પે (છી-ઙફુ) કાર્ડ્સને ભારત સરકાર પોતે પ્રમોટ કરે છે એ ખોટું છે. અમેરિકાની દલીલ છે કે, ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમમાં બધાં માટે સમાન તક હોવી જોઈએ, લેવલ પ્લેઇંગ ફિલ્ડ એટલે કે એકસરખું મેદાન હોવું જોઈએ પણ ભારત સરકાર યુપીઆઈ અને રૂ-પે કાર્ડ્સને પ્રોત્સાહન આપીને વિદેશી કંપનીઓ માટે અવરોધ પેદા કરી રહી છે.  

વિશ્વમાં વિઝા અને માસ્ટરકાર્ડ સૌથી મોટી પેમેન્ટ કંપનીઓ છે. અમેરિકાની આ બંને કંપનીઓ પણ વરસોથી ઝીરો પર્સેન્ટ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) આધારિત યુપીઆઈ  સિસ્ટમનો વિરોધ કરે છે, તેમની દલીલ પણ એ જ છે કે, ફ્રી ટ્રાન્ઝેક્શન મોડેલના કારણે અનલેવલ પ્લેઇંગ ફિલ્ડ ઊભું થયું છે તેથી આખી દુનિયામાં સ્વીકૃત સ્ટાન્ડર્ડ ફી-ચાર્જિંગ બિઝનેસ પર ખતરો છે. 

વિઝા અને માસ્ટરકાર્ડ સહિતની કંપનીઓનું બનેલું અમેરિકન ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નેટવર્ક દરેક સ્વાઇપ પર વેપારીઓ પાસેથી ચોક્કસ ટકાવારી ફી તરીકે વસૂલે છે તેથી ભારતમાં પણ એવું મોડલ હોવું જોઈએ એવો તેમનો આગ્રહ છે. ભારતમાં અત્યારે સૌથી મોટી યુપીઆઈ કંપનીઓ ગૂગલ પે અને ફોનપે છે. ફોનપે વોલમાર્ટ ગ્રૂપની કંપની છે તેથી આ બંને કંપનીઓ અમેરિકાની છે. આ બંને કંપનીઓ મારફતે ભારતમાં અબજોનાં ટ્રાન્ઝેક્શન્સ થાય છે પણ બદલામાં કંઈ મળતું નથી તેથી તેમનું પણ દબાણ છે જ. 

મોદી સરકારે આ દબાણ કે આગ્રહને કાને ધર્યા વિના ભારતની યુપીઆઈ સિસ્ટમને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેથી અમેરિકા વરસોથી આપણા પર ધૂંઆપુંઆ છે પણ કશું કરી શકતું નહોતું કેમ કે ભારતમાં ભારત સરકારનું રાજ ચાલે છે, અમેરિકાનું નહીં. હવે યુપીઆઈ સિસ્ટમ વિદેશમાં પણ પ્રચલિત થઈ રહી છે ને દુનિયાના ઘણા દેશો ભારતની યુપીઆઈ સિસ્ટમને માન્યતા આપી ચૂક્યા છે. સિંગાપોર, દુબઈ, મોરેશિયસ સહિતના દેશોમાં યુપીઆઈથી પેમેન્ટ માન્ય છે તેના કારણે અમેરિકાને બે રીતે ફટકો પડી રહ્યો છે. 

પહેલો ફટકો અમેરિકન કંપનીઓના કાર્ડના વપરાશમાં થઈ રહેલા ઘટાડાના કારણે પડ્યો છે જ્યારે બીજો ફટકો ભારતીય રૂપિયાથી વધારે ને વધારે પ્રમાણમાં લેવડદેવડ થઈ રહી છે તેમના કારણે પડી રહ્યો છે. પહેલાં દુબઈ, સિંગાપોર કે મોરેશિયસ જતા ભારતીયો માસ્ટરકાર્ડ કે વિઝા કાર્ડથી પેમેન્ટ કરતાં ને તેમાં કમિશન મળતું તેથી અમેરિકન કંપનીઓને ઘી-કેળાં હતાં. હવે યુપીઆઈથી સીધું ખાતામાંથી જ પેમેન્ટ કરી દેવાય છે એટલે કમિશન બંધ થઈ ગયું તેનો કકળાટ છે. 

પહેલાં પેમેન્ટ કરવા માટે એક ચલણ આપીને બીજું ચલણ  લેવું પડતું તેમાં અમેરિકાની કંપનીઓ કમાતી હતી. હવે રૂપિયો ઘણા દેશોમાં ચાલે છે તેથી ક્નવર્ઝન ચાર્જ બંધ થઈ ગયો તેના કારણે પણ અમેરિકાના પેટમાં દુ:ખી રહ્યું છે. ભારત સાથેના વ્યાપાર કરારમાં આ મુદ્દાને સમાવવા માટે પણ અમેરિકાનું દબાણ હતું જ તેથી રાહુલની વાત ઘણાંને ગળે ઊતરી છે. 

મોદી સરકારે યુપીઆઈને મજબૂત કરીને સારું કામ કર્યું છે. હવે તેના પર ટેક્સ લગાવીને સારૂં કામ ધોવાઈ નહીં એ જવું જોઈએ.