Mon Oct 05 2026

Logo

ગાંધીનગરની ચૂંટણીમાં હોલીવુડની ફિલ્મમાં કામ કરનારો પટેલ યુવક મેદાનમાં, સાયકલ પર કરે છે પ્રચાર

2026-10-02 10:35:00
Author: Devayat Khatana
ગાંધીનગરની ચૂંટણીમાં હોલીવુડની ફિલ્મમાં કામ કરનારો પટેલ યુવક મેદાનમાં, સાયકલ પર કરે છે પ્રચાર

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હાલ ચૂંટણીનો માહોલ પુરબહારમાં જામ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાટનગરની કમાન સાંભળવા માટે લોહી પાણી એક કરી રહ્યા છે. તો બીજી તરફ ઉમેદવારો પોતે પણ જીત માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે જો કોઇ ચર્ચાનું કેન્દ્ર હોય તો તે છે હોલીવુડની ફિલ્મમાં કામ કરનારો ધ્રુવ પટેલ. કારણ કે હોલીવુડમાં કામ કર્યા બાદ હવે તે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે અને આ માટે જ સાયકલ પર ફરીને પ્રચાર કરી રહ્યો છે. 

કોણ છે ધ્રુવ પટેલ?
સોશિયલ મીડિયા પર બે લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ધ્રુવ પટેલની રાજકારણમાં એન્ટ્રીએ ગાંધીનગરના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. ધ્રુવ પટેલ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક શિક્ષિત પરિવારમાંથી આવે છે. પર્ફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતા ધ્રુવ વ્યવસાયે એક એક્ટર, સોશિયલ અને એનિમલ વેલ્ફેર એક્ટિવિસ્ટ છે. અભિનય ક્ષેત્રે પણ તેમની આગવી ઓળખ છે; તેમણે રણદીપ હુડ્ડા સાથે હોલિવૂડ ફિલ્મ 'એક્સટ્રેકશન' માં કામ કર્યું છે, તેમજ ગુજરાતી ફિલ્મ 'સ્નેહના સગપણ'માં લીડ રોલ ભજવ્યો છે. તેમના પિતા GEB માંથી એન્જિનિયર તરીકે અને માતા સિવિલ હોસ્પિટલમાંથી નિવૃત્ત થયા છે.

રાજકારણમાં પ્રવેશ અને ભાજપને બદલે કોંગ્રેસની પસંદગી અંગે વાત કરતા ધ્રુવે જણાવ્યું કે, તેણે અત્યાર સુધી ભાજપનું જ શાસન જોયું છે. તેનું માનવું છે કે ચૂંટણી વખતે થતા દાવાઓ અને વાસ્તવિકતામાં મોટો તફાવત છે. ધ્રુવના મતે કોંગ્રેસ પક્ષમાં વિચારવાની અને વિરોધ નોંધાવવાની સ્વતંત્રતા છે, જ્યારે ભાજપમાં લોકો અને કાર્યકરો પણ ખુલીને પોતાનો મત રજૂ કરી શકતા નથી.

યુવાનો અને ખાસ કરીને પાટીદાર સમાજને સંદેશ આપતા ધ્રુવે કહ્યું કે, છેલ્લા ૩૦ વર્ષથી ચાલતા એકહથ્થુ શાસન અને માનસિક ગુલામીમાંથી હવે બહાર આવવાનો સમય પાકી ગયો છે. તેણે જાતિવાદ અને કોમવાદના રાજકારણને તિલાંજલિ આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે શિક્ષણ અને હ્યુમન ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો છે. ધ્રુવનું સ્પષ્ટ માનવું છે કે અત્યાર સુધી પાટીદાર સમાજનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો છે, પરંતુ હવે પરિવર્તન અનિવાર્ય બની ગયું છે.