Tue Oct 06 2026

Logo

ગુજરાતના આ ટર્મિનેટેડ IAS અધિકારીએ ભ્રષ્ટાચારથી 425 કરોડની સંપત્તિ એકઠી કરી હોવાના દાવા, ફિલ્મ સ્ટારની જેમ રહેતા

2026-10-02 09:41:00
Author: Vimal Prajapati
ગુજરાતના આ ટર્મિનેટેડ IAS અધિકારીએ ભ્રષ્ટાચારથી 425 કરોડની સંપત્તિ એકઠી કરી હોવાના દાવા, ફિલ્મ સ્ટારની જેમ રહેતા

અમદાવાદઃ ગુજરાત સરકારે 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશને વય નિવૃત થાય તે પહેલા જ નિવૃત કરી દીધા છે. કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્ડ હતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 2011ની બેચના આઈએએસ કે. રાજેશ સામે જમીન કૌભાંડ, હથિયાર લાયસન્સ આપવા જેવી ગંભીર આરોપ લાગેલા છે. એટલું જ નહીં પરંતુ CBI દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવેલી છે. હવે સરકાર દ્વારા તેમને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં છે. તો ચાલો વિગતે આ અહેવાલ જોઈએ...

જમીન કૌભાંડ, હથિયાર લાયસન્સ કેસમાં થઈ કાર્યવાહી

ઉલ્લેખનીય છેકે, કે. રાજેશ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત હતા. આ સમય દરમિયાન તેમના પર સરકારી જમીનોની ગેરકાયદે ફાળવણી અને હથિયારના લાયસન્સ આપવા માટે લાખો રૂપિયાની લાંચ લીધી હોવાના આરોપ લાગ્યાં હતાં. આ સમગ્ર આરોપો બાદ CBI દ્વારા જ્યારે તેમના રહેઠાણ અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યાં ત્યારે ત્યાંથી લાંચ તેમજ અપ્રમાણસર સંપત્તિના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે, જે અધિકારીને લાંચના કેસમાં જેલ થઈ હોય તેના કારણે વહીવટી તંત્રની છવી ખરડાઈ હતી. જેથી અત્યારે નિયમ ૧૬(૩) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઓગસ્ટ 2022માં EDએ તેમને કસ્ટડીમાં લીધા હતા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કે. રાજેશ એપ્રિલ 2018થી જૂન 2021 દરમિયાન સુરેન્દ્રનગરના કલેક્ટર પદે કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તેમની સામે નાણાકીય ગેરરીતિ અને વહીવટી અનિયમિતતાની ફરિયાદો નોંધાઈ હતી. જેમાં CBI એ તપાસ કરી અને મે 2022માં તેમની સામે FIR નોંધાઈ હતી. ઓગસ્ટ 2022માં EDએ તેમને કસ્ટડીમાં લીધા હતા. એટલું જ નહીં પરંતુ ઓક્ટોબર 2022માં ED દ્વારા પણ કે. રાજેશ અને સહઆરોપી રફીક મેમણ સામે PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.  CBIએ જુલાઈ 2022માં કે. રાજેશની ધરપકડ કરી તે પછી રાજ્ય સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.