Thu Apr 23 2026

Logo

ઉમરેઠ વિધાનસભા બેઠક શાંતિપૂર્ણ માહોલમાં અંદાજિત 59 ટકા મતદાન; 6 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ

2026-04-23 20:03:06
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં મતદાન સવારે ૭:૦૦ વાગ્યે શરૂ થયું હતું અને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક માટે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. ઉમરેઠ બેઠક પર સાંજે ૭:00 વાગ્યા સુધી અપલોડ કરાયેલા ડેટા મુજબ અંદાજિત 59 ટકા મતદાન નોંધાયું હતું. . ઉમરેઠ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીના મેદાનમાં કુલ 6 ઉમેદવારો હતા, જેમનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું હતું.

મતદાન શરૂ થાય તે પહેલાં દરેક મતદાન મથક પર ઇવીએમ પર એક મોક પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા મતદાન એજન્ટો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ ૪૬ ગામોનો સમાવેશ થાય છે અને ૦૩ નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ ૦૬ હરીફ ઉમેદવારો મેદાને છે. ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૧,૨૬,૫૪૫ પુરુષ મતદારો,  ૧,૧૯,૦૭૨ મહિલા મતદારો અને અન્ય ૦૬ મતદારો મળીને કુલ ૨,૪૫,૬૨૩ મતદારો નોંધાયા હતા.

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં ૬૮ મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩૮ મતદાન મથકો મળી કુલ ૩૦૬ મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા હતા. જ્યાં થતી તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી હતી. આ મતદાન મથકો પૈકી 0૧ મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, ૦૨ યુવાઓ દ્વારા સંચાલિત તથા  ૦૨ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, જ્યારે ૦૫ આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા હતા.