Mon Aug 31 2026

Logo

રામેશ્વરમ્ બાર જ્યોતિર્લિંગમાંનું દક્ષિણની ધરતી પર આવેલું એક શિવધામ

2026-08-31 07:56:00
Author: Umesh Trivedi
રામેશ્વરમ્ બાર જ્યોતિર્લિંગમાંનું દક્ષિણની ધરતી પર આવેલું એક શિવધામ

ઉમેશ ત્રિવેદી

ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક દક્ષિણની પવિત્ર ભૂમિ પર આવેલું છે અને તે રામેશ્વરમ્ તરીકે ઓળખાય છે. રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ તમિળનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લાના એક ટાપુ પર આવેલું છે. હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ ધરાવતા ચાર ધામ પૈકીનું આ દક્ષિણધામ છે. ઉત્તરમાં બદ્રિનાથ, પશ્ચિમમાં દ્વારકા, પૂર્વમાં જગન્નાથપુરી અને દક્ષિણમાં રામેશ્વરનો સમાવેશ થાય છે.

રામેશ્વરમ્ મંદિરનું આખું નામ ’અરુલમિગુ રામનાથસ્વામી’ મંદિર છે. જે ટૂંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે. મંદિરની એક તરફ હિન્દ મહાસાગર અને બીજી તરફ બંગાળની ખાડી આવેલી છે. લગભગ 50 હજારની વસ્તીને ધરાવતા રામેશ્વર ટાઉન માટે રામનાથસ્વામી મંદિર અને પ્રવાસન જ જીવનનિર્વાહનો મુખ્ય સ્રોત છે.

મંદિર પરિસરમાં 22 પવિત્ર કુંડ આવેલા છે. શિવલિંગના દર્શન કરતા અગાઉ આ કુંડના પવિત્ર જળથી સ્નાન કરવું શુભ મનાય છે. અહીં ભગવાન શ્રીરામે પૂજા કરતાં અગાઉ સ્નાન કર્યું હતું, મંદિરની અંદર આવેલા આ કુંડનું જળ ગંગાજળ સમાન મનાય છે. દક્ષિણમાં આવેલાં અનેક મંદિર દોઢથી બે હજાર વર્ષ પહેલાંના છે, જ્યારે રામનાથસ્વામી મંદિર બન્યે હજી 800 જેટલાં વર્ષ થયા છે એમ માનવામાં આવે છે.

રામનાથ મંદિરમાં તાંબા પરનો આલેખ જણાવે છે આ મંદિર 1173માં શ્રીલંકાના રાજા પરાક્રમ બાહુએ બનાવ્યું હતું અને મૂળ શિવલિંગની સ્થાપના કરી હતી. આ મંદિરના ગર્ભગૃહની એકદમ નજીક નવ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. આ નવ જ્યોતિર્તિંગની સ્થાપના લંકાપતિ વિભીષણ દ્વારા કરવામાં આવી છે.

15મી શતાબ્દીમાં રાજા ઉદયન સેતુપતિ અને તેમના નજીકના એવા વૈશ્યે સન 1450માં આ મંદિરના 78 ફૂટ ઊંચા ગોપુરમનું નિર્માણ કર્યું હતું ત્યાર પછી મદુરાઇના એક દેવીભક્તે આ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો છે.

રામેશ્વરમ્ જ્યોતિર્લિંગની સ્થાપના પાછળ રામાયણકાળની અદ્ભુત પૌરાણિક કથા પણ જોડાયેલી છે. માતા સીતાને રાક્ષસરાજ રાવણની કેદમાંથી મુક્ત કરાવવા માટે પ્રભુ શ્રી રામે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. રાવણને મારી અને સીતાજીને પાછી લાવ્યા પછી પ્રભુ શ્રીરામે બ્રહ્મહત્યાનું પાપ ઓછું કરવા અહીં શિવલિંગની પૂજા કરવાનું નક્કી કર્યું. પ્રભુ શ્રી રામે હનુમાનજીને કૈલાસ જઇને શિવલિંગ લાવવાનું કહ્યું, હનુમાનજીએ કૈલાસ જઇને ભગવાન શિવને રિઝવવા માટે કઠોર તપસ્યા કરી. 

ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે હનુમાનજીને શિવલિંગ આપ્યું.
બીજી બાજું હનુમાનજીને પાછા ફરવામાં વિલંબ થતાં પ્રજાનું શુભ મુહૂર્ત વિતી રહ્યું હોવાથી ઋષિમુનિઓની સલાહથી માતા સીતાએ દરિયા કિનારાની રેતીમાંથી શિવલિંગ તૈયાર કર્યું. ભગવાન શ્રી રામે તે શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂજા કરી તેથી આ શિવલિંગ રામવનાથસ્વામી રામેશ્વરમ્ તરીકે ઓળખાયું.

હનુમાનજી શિવલિંગ લઇને કૈલાસથી પાછા આવ્યા ત્યારે બીજું શિવલિંગ સ્થાપિત થયેલું જોઇ દુ:ખી થયા. ભગવાન શ્રી રામે હનુમાનજીને આલિંગનમાં લઇ તેમના દ્વારા લાવવામાં આવેલા શિવલિંની પણ સાવ બાજુમાં જ સ્થાપના કરી જેને હનુમતેશ્વર કે વિશ્વેશ્વર નામ આપવામાં આવ્યું. પ્રભુ શ્રી રામે હનુમાનજીને વરદાન પણ આપ્યું કે ભક્તો સૌ પ્રથમ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા હનુમતેશ્વર શિવલિંગના દર્શન-પૂજન કરશે ત્યાર બાદ જ સીતા દ્વારા સ્થાપિત રામેશ્વર શિવલિંગના દર્શન પૂજન કરશે ત્યાર બાદ જ સીતા દ્વારા સ્થાપિત રામેશ્વરમ્ શિવલિંગની પૂજા કરશે તો જ પૂજા પૂર્ણ થયેલી મનાશે. આ પરંપરા આજે પણ ચાલુ જ છે.

રામેશ્વરમ્ મંદિરનું સ્થાપત્ય ને શિલ્પસ્થાપત્ય ખૂબ જ સુંદર છે. આ મંદિરનું પ્રવેશ દ્વાર જ 40 ફૂટ ઊંચું છે. આ મંદિરમાં અનેક વિશાળ સ્તંભ છે, જે દેખાવમાં એક સરખા જ દેખાય છે, પણ તેને નજીકથી જોઇએ તો તેના પરની શિલ્પકળા એકદમ અલગ છે. રામેશ્વરમ્ મંદિરમાંનો કોરિડોર - પરસાળ એ ભારતના તમામ મંદિરોમાંનો સૌથી લાંબો કોરિડોર છે.

આ મંદિર આશરે 15 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 1,212 વિશાળ નકશીદાર થાંભલા આવેલાં છે. મંદિરની પૂર્ણ દિશામાં આવેલું ગોપુરમ્ 173 ફૂટ ઊંચું છે. રામેશ્વરમ્ મંદિરની નજીક જ રામસેતુ આવેલો છે. લંકા પહોંચવા માટે વાનરસેનાના નલ અને નીલની દોરવણી હેઠળ સમુદ્ર ઉપર 30 કિ.મી. લાંબો પથ્થરનો પુલ બનાવ્યો હતો. ધનુષકોડીથી શ્રીલંકાના મન્નાર ટાપુ સુધી ફેલાયેલો આ સેતુ - બ્રીજ - પુલ 14મી સદી સુધી પાણીની સપાટીથી ઉપર હતો. પણ ત્યાર પછી વિનાશક પૂર અને વાવાઝોડાને કારણે તે જળમગ્ન થયો. આજે પણ અવકાશમાંથી આ રામસેતુ સ્પષ્ટપણે જોઇ શકાય છે.

રામેશ્વરમ્માં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં રામસેતુ બનાવવા વપરાયેલા પાણી પર તરતા પથ્થરો જોઇ શકાય છે, જે આ મંદિરમાં દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. રામ - રાવણનું યુદ્ધ પત્યા પછી અને રાવણનો વધ થયા પછી વીભિષણની વિનંતીથી પ્રભુ શ્રી રામે પોતાના ધનુષ્યની અણીથી આ સેતુનો એક ભાગ તોડી નાખ્યો હતો એ સ્થાન ‘ધનુષકોડી’ તરીકે ઓળખાય છે.

રામેશ્વરમ્માં આવેલો પામ્બન બ્રીજ એ સમુદ્રી પુલ એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે, જે મુખ્ય મુખ્ય ભૂમિને રામેશ્વરમ્ ટ્રીપ સાથે જોડે છે. રામેશ્વરમ્માં આવેલો 323 મીટર ઊંચો ટી.વી. ટાવર ભારતનો સૌથી ઊંચો ટાવર છે.

રામેશ્વરમ્ મંદિરની આસપાસ દૂર-દૂર સુધી એક પણ પર્વત નથી. રામેશ્વરમ્ મંદિરના નિર્માણમાં અનેક લાખ ટન પથ્થરનો ઉપયોગ થયો છે, જે ખૂબ દૂર-દૂરથી વહાણોમાં લાવવામાં આવ્યા છે. આ મંદિરના અંદરના ભાગમાં ચીકણા પથ્થરનો ઉપયોગ થયો છે, આ બધા પથ્થર લંકાથી લાવવામાં આવ્યા છે એમ કહેવાય છે.