નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષનો હાલ કોઈ અંત દેખાઈ રહ્યો નથી, આ સંઘર્ષની અસર દુનિયાભરના દેશો પર થઇ રહી છે. એવામાં ભારતમાં યુનાઇટેડ આરબ અમીરાત(UAE) યુએઈના રાજદૂતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ આ સંઘર્ષ અટકાવવા મદદ કરે. નિવેદનમાં રાજદૂતે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના ઈરાની અને ઇઝરાયલી સમકક્ષોને એક ફોન કોલ કરીને આ મુદ્દાનો અંત લાવી શકે છે.
અમેરિકા-ઈઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કરીને આ સંઘર્ષ છેડ્યો હતો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરવામાં આવી, જેના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર અને ગલ્ફ દેશોમાં આવેલા યુએસના સૈન્ય ઠેકાણાં પર હુમલા શરુ કર્યા, જેને કારણે યુએઈ, કતાર, જોર્ડન દેશોમાં સંઘર્ષમાં લપેટાઈ ગયા.
ભારતમાં યુએઈના પ્રથમ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ ભારતની એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું કે યુનાઇટેડ આરબ અમીરાતને યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં જોડવાની કોઈ ઇચ્છા નથી, જેમ કે તેમાં સામેલ થવાનું કોઈ કારણ નથી.
વડાપ્રધાન મોદીને એક ફોનની જરૂર છે:
આ સંઘર્ષ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા યુએઈના નેતાઓ સાથે શું વાત કરવામાં આવી છે એ અંગે સવાલ પુછવામાં આવતા હુસૈન હસન મિર્ઝાએ કહ્યું કે વડા પ્રધાન માત્ર ગલ્ફ દેશોના નેતાઓમાં જ નહીં, પરંતુ ત્યાંની જનતા માટે આદરણીય છે. સંઘર્ષમાં સામેલ બંને પક્ષો: ઈરાન અને અમેરિકા માટે માટે પણ તેઓ આદરણીય છે.
હુસૈન હસન મિર્ઝાએ કહ્યું, "વડાપ્રધાન મોદી ઈરાન અને ઇઝરાયલના તેમના સમકક્ષોને એક ફોન કોલ કરીને આ સંઘર્ષનો અંત લાવી શકે છે."
મિર્ઝાએ જણાવ્યું, “બંને પક્ષો અમારી ધરતી પર એકબીજા સાથે લડી રહ્યા છે, તે અસ્વીકાર્ય છે, અમે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો કરાવવા તૈયાર છીએ.”
નોંધનીય છે કે વર્ષ 2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો શરુ કર્યો હતો, ત્યારે ભાજપના નેતાઓ દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતાં કે યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે વડાપ્રધાન મોદીએ રશીયન રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરી થોડા સમય માટે યુદ્ધ અટકાવવા માટે કહ્યું હતું. ભાજપે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આવા દાવાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો. પરંતુ આવા દાવા ક્યારેય સાબિત થઇ શક્યા ન હતાં, રશિયાએ પણ આ દાવા નકારી કાઢ્યા હતાં.