Fri Jul 24 2026

Logo

સુરતમાં 52 લાખની લૂંટના કેસમાં UPથી બે ઝડપાયા, બાઈક ક્યાંથી ખરીદી હતી ?

2026-05-05 10:06:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરના વરાછામાં એસબીઆઈ બેંકમાં થયેલી રૂપિયા 52 લાખની લૂંટ કેસમાં પોલીસે બે આરોપીને UPથી ઝડપી પાડ્યા હતા. બંનેએ આ ગુનાને અંજામ આપવા માટે તેલંગાણામાં ખોટી ઓળખ આપીને ધીરજ કુમારના નામે બાઈક ખરીદી હતી. 

કેવી રીતે ઝડપાયા

તપાસ અને ટેકનિકસ સોર્સના આધારે ક્રાઈમ બ્રાંચે અયોધ્યા અને ગોંડામાંથી બંનેને દબોચી લીધા હતા.  તેમની ઓળખ શુભમકુમાર  અને વિકાસ સિંહ તરીકે થઈ હતી. બંનેને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.રિમાન્ડ મંજૂર થયા બાદ બંનેને સુરત લાવવામાં આવી રહ્યા છે. જ્યારે બાકીના પાંચને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 

ઘટના બાદ પોલીસે લૂંટારુઓને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી હતી. તેમજ સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરાયું હતું. સુરત ડીસીબીની ટીમને મળેલી લીડના આધારે એક ટીમ ઉત્તર પ્રદેશના ગોંડા જીલ્લામાં પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદ લઈ આરોપીને ઝડપી લીધા હતા. ત્રણથી ચાર દિવસ સુધી ડીસીબીની ટીમે ગોંડા જીલ્લામાં ધામા નાખ્યા હતા.

આ ઉપરાંત જે પાંચ જણા વોન્ટેડ છે તેમને ઝડપવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. શુભમ અને વિકાસની ઉત્તર પ્રદેશ પોલીસમાં પ્રાથમિક તપાસ કરતાં આ બંને જણા પણ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું. તેમજ લૂંટ કરવા આવેલી ટોળકી શાતીર અને તાલીમબદ્ધ હોવાનું જણાય છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને આરોપીઓ સુરત પહોંચ્યા બાદ સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવવામાં આવશે. ઉપરાંત કઈ રીતે લૂંટ કરી અને ટોળકીના બીજા સાગરિતોના નામ, ઘટનાને અંજામ આપ્યા બાદ કઈ કઈ જગ્યાએ છૂપાયા હતા, કોણે કોણે મદદ કરી હતી જેવી તપાસ કરવામાં આવશે.

શું છે મામલો

એક સપ્તાહ અગાઉ વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બપોરના સમયે સાત લૂંટારુઓ ઘાતક હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા. બેંકના કર્મચારીઓને બંધક બનાવી 52 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. જોકે એક પણ લૂંટારુએ પોતાનું મોઢું છુપાવવા માટે મોઢા પર બુકાની કે કપડું બાંધ્યું નહોતું. આ ઉપરાંત ભાગ્યા બાદ લૂંટ કરવા ઉપયોગમાં લીધેલી બાઈક પણ ચોરીની નીકળી હતી.