વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ આગળ લંબાવાવની જાહેરાત કરી છે. તેમણે આ પગલું પાકિસ્તાનની વિનંતી પર ભર્યું છે. ઈરાન તરફથી કોઈ પ્રપોઝલ આવે ત્યાં સુધી યુદ્ધવિરામ આગળ વધારવામાં આવશે. જેના કારણે હાલ યુદ્ધ ટળી ગયું છે અને પાકિસ્તાનને અમેરિકા તથા ઈરાન વચ્ચે વાતચીતનો નવો દોર આયોજિત કરવા માટે સમય મળી ગયો છે.
ટ્રમ્પે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને પીએમ શહબાઝ શરીફે મને સીઝફાયર લંબાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી ઈરાનના નેતા અને પ્રતિનિધિ એકમતથી કોઈ પ્રસ્તાવ લઈને ન આવે ત્યાં સુધી હુમલા ન કરવામાં આવે.
ડોનાલ્ડ ટ્રમ્પે આગળ લખ્યું કે, પાકિસ્તાનની વિનંતી પર હું યુદ્ધવિરામને ઈરાન તરફી કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં ન આવે અને ચર્ચા પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી લંબાવી રહ્યો છું. મેં મારી સેનાને નાકાબંધી ચાલુ રાખવા અને બાકીની તમામ બાબતો માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે.
President Donald Trump on extended the US ceasefire with Iran to allow more time for talks, just hours before hostilities were set to resume, but he vowed to maintain a blockade of Tehran's ports. https://t.co/Jgai0gxeJf
— AFP News Agency (@AFP) April 21, 2026
ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતથી હાલ પૂરતું ફરીથી યુદ્ધ શરૂ થવાનું જોખમ ટળી ગયું છે. જોકે, હજુ પણ બંને પક્ષો વચ્ચે ઊંડા મતભેદો પ્રવર્તી રહ્યા છે. અમેરિકી વાટાઘાટ ટીમનું નેતૃત્વ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પાકિસ્તાનની સૂચિત મુલાકાત હાલ ટાળી દેવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન પર અમેરિકાની નાકાબંધી પણ હજુ ચાલુ છે.
પાકિસ્તાની પીએમએ આભાર વ્યક્ત કર્યો
પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે કહ્યું છે કે, યુદ્ધવિરામ લંબાવવાની પાકિસ્તાનની વિનંતી સ્વીકારવા બદલ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર માને છે. પાકિસ્તાન આ સંઘર્ષના વાતચીત દ્વારા ઉકેલ માટે પોતાના તમામ પ્રયાસો ચાલુ રાખશે.
ક્યારે શરૂ થયું હતું યુદ્ધ
અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી, જે લગભગ છ અઠવાડિયા સુધી ચાલ્યું હતું. આખરે 8 એપ્રિલના રોજ ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ દરમિયાન 11 એપ્રિલના રોજ પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ તે અનિર્ણિત રહી હતી. હાલમાં આ સીઝફાયરને આગળ વધારવામાં આવ્યું છે.