માતર: ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલીના નામે મોટું ઉઘરાણું થતું હોવાના આક્ષેપો સાથે ભારે ખળભળાટ મચી ગયો છે. માતર તાલુકાના પાલ્લા ગામના ચીફ હેલ્થ ઓફિસર તેજસ પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે કે, જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓને જાણીજોઈને હેરાન કરવા માટે ખોટી રીતે બદલીઓ કરવામાં આવે છે. આ વીડિયો સામે આવ્યા બાદ જિલ્લાના વહીવટી તંત્ર અને આરોગ્ય આલમમાં ગરમાવો આવી ગયો છે, જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ તમામ આક્ષેપોનું સ્પષ્ટપણે ખંડન કર્યું છે.
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે એક મહિલા નર્સનો પણ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં મહિલા હેલ્થ વર્કરે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે બદલીઓ રોકવા માટે 30 થી 50 હજાર રૂપિયા સુધીનો વહીવટ કરવો પડે છે. મહિલા કર્મચારીએ વીડિયોમાં દાવો કર્યો છે કે તેને અને હિતેશભાઈ નામના કર્મચારીને બદલી રોકવા માટે રૂ. 30-30 હજાર આપવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, તેને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે જો સીધા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર પાસે જશો તો 50,000 રૂપિયા ખર્ચવા પડશે, પણ અત્યારે સેટલમેન્ટ કરશો તો 30,000 માં કામ પતી જશે.
આ એક ઘટના ફક્ત વિડિયો ના માધ્યમથી સામે સામે આવી છે..બાકી દરેક જગ્યાએ આવી જ હાલત છે.
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 19, 2026
🚨 ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ! 🚨
શું સરકારી નોકરી એ ઉઘાડી લૂંટનું સાધન બની ગઈ છે ? ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાંથી એક હચમચાવી દેનારો વિડિયો સામે આવ્યો છે, જેમાં બદલીની… pic.twitter.com/zFeaNJHRNt
આ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં અન્ય ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે. મહિલા કર્મચારીએ આક્ષેપ કર્યો છે કે હાજરી રજિસ્ટરમાં સહી ન કરી હોવાનું કારણ આગળ ધરીને તેમને ગેરહાજર બતાવી બદલી કરી નાખવામાં આવી હતી. વધુમાં, અન્ય એક વંદનાબેન નામના કર્મચારી પાસેથી ગળતેશ્વર ખાતેની બદલીનો ઓર્ડર રદ કરવા માટે 50 હજાર રૂપિયા લેવાયા હોવાનો પણ આરોપ છે, જેથી તેમને નવી જગ્યાએ હાજર થવું ન પડે. એકસાથે અનેક કર્મચારીઓના આક્ષેપો બાદ હવે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ચાલી રહેલા આ કથિત 'બદલી કૌભાંડ'ની તપાસની માંગ ઉઠી રહી છે.