Thu Jun 18 2026

Logo
IPL 2026:

આઇપીએલના ઇતિહાસના ફાસ્ટેસ્ટ બૉલવાળા પાંચ બોલર કોણ છે જાણો છો? એમાં બુમરાહ, શમી, સિરાજ અને બૉલ્ટ નથી!

2026-03-20 18:57:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ અઠવાડિયા પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સીઝન શરૂ થશે અને એમાં બૅટિંગ ઉપરાંત બોલિંગના પણ નવા વિક્રમો જોવા મળશે એવી પાકી સંભાવના વચ્ચે આપણે જાણી લઈએ કે 19 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ઝડપે બૉલ (Fastest ball) ફેંકી ચૂકેલા પાંચ બોલર કોણ-કોણ છે.

નવાઈની વાત એ છે કે એમાં હાલના સૌથી લોકપ્રિય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ કે ટ્રેન્ટ બૉલ્ટના નામ નથી. જોકે આ પાંચ નામમાં બે ભારતીય બોલર જરૂર સામેલ છે.

(1) ઑસ્ટ્રેલિયાનો શૉન ટેઇટ (Shaun Tait) 2011ની આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સની ટીમમાં હતો અને ત્યારે દિલ્હી ડેરડેવિલ્સ સામેની એક મૅચમાં તેણે (સ્પીડોમીટર મુજબ) એક બૉલ કલાકે 157.71 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો અને પંદર વર્ષ પછી પણ એ રેકૉર્ડ હજી તૂટી નથી શક્યો. આઇપીએલના ઇતિહાસનો એ ફાસ્ટેસ્ટ બૉલ છે.

(2) ન્યૂ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસનનો એક બૉલ આઇપીએલમાં સેક્નડ ફાસ્ટેસ્ટ છે. 2022માં તે ગુજરાત ટાઇટન્સ ટીમમાં હતો અને તેણે રાજસ્થાન રૉયલ્સ સામેની એક મૅચમાં એક બૉલ કલાકે 157.30 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. તેનો એ બૉલ ફાસ્ટેસ્ટ બોલના લિસ્ટમાં બીજા નંબરે છે.

(3) જમ્મુ-કાશ્મીરનો યુવાન ફાસ્ટ બોલર ઉમરાન મલિક યાદ છેને? 2022ની આઇપીએલમાં તેણે ધમાલ મચાવી હતી. દિલ્હી કૅપિટલ્સ સામેની એક મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના મલિકે એક બૉલ કલાકે 157.00 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. તેને એ જ વર્ષમાં ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા મળ્યું હતું. જોકે 10 વન-ડે અને આઠ ટી-20 રમ્યા બાદ એક જ વર્ષમાં તેની ઇન્ટરનૅશનલ કરીઅર થંભી ગઈ હતી. તેનો એ બૉલ ફાસ્ટેસ્ટ બોલના લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.

(4) દિલ્હીનો મયંક યાદવ હજી 23 વર્ષનો જ છે. 2024ની આઇપીએલમાં તે છવાઈ ગયો હતો. વારંવાર ઈજાનો શિકાર થતો આ ફાસ્ટ બોલર એ સીઝનમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમમાં હતો. ત્યારે તેણે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ સામેની એક મૅચમાં એક બૉલ કલાકે 156.70 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. એ જ વર્ષમાં તેણે ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું અને ત્રણ ટી-20 રમ્યા પછી તેને ફરી ભારત વતી રમવા નથી મળ્યું. તેનો એ બૉલ આઇપીએલના ફાસ્ટેસ્ટ બોલના લિસ્ટમાં ચોથા સ્થાને છે.

(5) સાઉથ આફ્રિકાના ઍન્રિક નોર્કિયાએ 2022ની આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રાજસ્થાન રૉયલ્સ સામે રમેલી એક મૅચમાં એક બૉલ કલાકે 156.22 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો અને તેનો એ બૉલ આઇપીએલના ફાસ્ટેસ્ટ બૉલમાં પાંચમા નંબરે છે.