Mon Aug 17 2026

Logo

સોનામાં રૂ. 524ની અને ચાંદીમાં રૂ. 370ની પીછેહઠ

2026-07-31 20:13:47
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીનાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલો અને સ્થાનિક સ્તરે માગ નિરસ રહેતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 520થી 524નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 370નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 370ના ઘટાડા સાથે રૂ. 2,18,295ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જળવાઈ રહેતાં આયાત પડતરોમાં ઘટાડો અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 520 ઘટીને રૂ. 1,42,288 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 524 ઘટીને રૂ. 1,42,860ની સપાટીએ રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકો ઘટીને આૈંસદીઠ 4055.41 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, માસિક ધોરણે પાંચ મહિના પછી પહેલી વખત અત્યાર સુધીમાં ભાવમાં 1.7 ટકાનો વધારો નોંધાયો છે. વધુમાં આજે સોનાના ઑગસ્ટ ડિલિવરી વાયદામાં પણ ભાવ 1.2 ટકા ઘટીને 4053.60 ડૉલર આસપાસ તથા ચાંદીના હાજરમાં ભાવ 1.7 ટકા ઘટીને આૈંસદીઠ 58 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સ 100ની સપાટીની ઉપર ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક પશ્ચાત્‌‍ રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં વૈશ્વિક સોનું આૈંસદીઠ 4000 ડૉલરની મહત્ત્વની સપાટી જાળવી રાખવા ઝઝૂમી રહ્યું છે. 
ગઈકાલે અમેરિકામાં જાહેર થયેલા જૂન મહિનાના ફુગાવામાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ ત્યાર બાદ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવમાં વધારો થતાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી આ ઘટાડો તાત્પૂરતો હોવાનું બજાર વર્તુળોને જણાતા આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 67 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર વ્યક્ત કરી રહ્યા હતા.