Mon May 25 2026

Logo

ગુજરાત - રાજસ્થાનમાં ફૂંકાશે લૂ, દિલ્હીથી યુપીમાં બદલાશે મોસમનો મિજાજ

2026-05-11 08:18:00
Author: Mayur Kumar Patel
Article Image

AI Image


અમદાવાદ - નવી દિલ્હીઃ દેશભરમાં આજે હવામાનમાં પલટો આવશે. ઉત્તર ભારતમાં આંધી વરસાદની સંભાવના છે. રાજસ્થાન, ગુજરાતમાં લૂ નો પ્રકોપ રહેશે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 15 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ ભારત અને પડાહી રાડજ્યો માટે વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન 

ગુજરાતમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધવાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. હાલમાં અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી જેવા શહેરોમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીની વચ્ચે સ્થિર રહ્યો છે, જે સામાન્ય કરતા એકથી બે ડિગ્રી વધુ છે. ગઈકાલે રાજ્યમાં સુરેન્દ્રનગર અને કંડલામાં 45 ડિગ્રી તાપમાન નોંધાતા બંને સ્થળો રાજ્યમાં સૌથી ગરમ સ્થળ બન્યા હતાં. રાજકોટમાં 44.3, અમરેલીમાં 44.1, ભુજમાં 43.3,કેશોદમાં 43.8, અમદાવાદમાં 43.3 ,ડીસામાં 42.6, ગાંધીનગરમાં 42.1,વડોદરામાં 43.6, સુરતમાં 41.7 ,ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

12મી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. આ વિસ્તારોમાં અકળાવનારી ગરમી પડશે આ સાથે બફારો પણ વધી શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિ જોઈએ તો, અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને હીટવેવની સ્થિતિને કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પવનની ગતિ સામાન્ય રહેશે, પરંતુ સૂકા પવનોને કારણે લૂ લાગવાની શક્યતા વધી ગઈ છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 12 મે સુધી ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને 11થી 20 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને તીવ્ર આંધી-વંટોળ આવવાની શક્યતા છે. 23 મેના રોજ અણધાર્યો વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, 15 મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે. મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. આ વર્ષે અરબ સાગર વધુ સક્રિય રહેવાનો હોવાથી 8 જૂન બાદ ત્યાં પણ વાવાઝોડું આકાર લઈ શકે છે. 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ શરૂ થઈ જશે. 1 જૂન સુધીમાં દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા છે.

દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રના મુંબઈ, પુણે અને મરાઠવાડામાં ગરમી અને ભેજથી અકળામણ અનુભવાશે, કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પણ પડી શકે છે. કોંકણમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજસ્થાનના પશ્વિમ વિસ્તારમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. જેસલમેર, બાડમેર, બિકાનેર અને જોધપુરમાં તાપમાન 44 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આ વિસ્તોરમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ગરમીથી રાહત મળવાની સંભાવના ઓછી છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં 11 થી 14 મેના રોજ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.  ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ખેડૂતો અને ખુલ્લા મેદાનમાં કામ કરતાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. પંજાબ અને હરિયાણામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. અનેક જિલ્લામાં આંધી અને હળવા વરસાદની સંભાવના છે.  

મધ્ય પ્રદેશના પશ્ચિમ વિસ્તારમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર અને ભોપાલમાં લૂ ફૂંકાશે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિલ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે પવન સાથે કરાનું એલર્ટ આપ્યું છે. ચારધામની યાત્રા માર્ગ પર શ્રદ્ધાળુઓને સાવધાની રાખવા સલાહ આપી છે.

તમિલનાડુ, કેરલમ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકાની ચેતવણી આપી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.