મુંબઈ/હૈદરાબાદ: મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ આઈપીએલ-2026ના પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે, પરંતુ એમઆઈનો બૅટ્સમૅન તિલક વર્મા ગુરુવારની પંજાબ સામેની અણનમ 75 રનની મૅચ વિનિંગ ઇનિંગ્સને લીધે કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગયો છે અને એમાં હવે તેના અંગત જીવનમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે.
ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ભારતીય મૂળની અમેરિકન એક્ટ્રેસ શ્રીલીલા સાથે તિલક વર્માનું નામ બોલાઈ રહ્યું છે.
24 વર્ષની શ્રીલીલા 23 વર્ષીય તિલક વર્મા સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી એ તો આવનારો સમય જ બતાવશે, પણ હમણાં તિલક વર્મા આઈપીએલમાં છવાઈ ગયો છે એટલે શ્રીલીલા સાથે તેનું નામ ફરી ચર્ચાઈ રહ્યું છે.
એવી પણ જોરદાર ચર્ચા છે કે તિલક અને શ્રીલીલા એક વર્ષથી એકબીજાનાં પ્રેમમાં છે. તાજેતરમાં બંને જણ એક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા એટલે અફવા પ્રબળ બની હતી. પાંચ-છ મહિના પહેલાં શ્રીલીલા તેનાં મમ્મી સાથે તિરુમાલા મંદિરે ગઈ હતી ત્યારે તિલક વર્મા પણ ત્યાં આવ્યો હતો. ધરમશાલામાં મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચ વખતે શ્રીલીલાનાં મમ્મી ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી રહેલાં જોવા મળ્યા હતા. શ્રીલીલાએ તાજેતરમાં વાનખેડેમાં ટી-20 વર્લ્ડ કપની મૅચ જોઈ હતી. આ બધા બનાવોને કારણે તિલક- શ્રીલીલા વચ્ચેની રિલેશનશિપની વાતને આડકતરી રીતે પુષ્ટિ મળી હતી.
થોડા સમય પહેલાં શ્રીલીલાએ એક ઇન્ટરવ્યૂમાં મજાકમાં કહ્યું હતું કે ‘હું હજી સુધી કોઈના પ્રેમમાં નથી પડી એનું સૌથી મોટું કારણ એ છે કે હું જ્યાં જાઉં ત્યાં મારી મમ્મી મારી સાથે જ હોય છે. હું જો કોઈની સાથે ડેટ પર જઈશ તો ત્યાં પણ તે મારી સાથે જ આવશે.'