Fri Apr 17 2026

Logo

સરકારી યોજના હેઠળ સસ્તામાં ઘર અપાવવાના બહાને થાણેના 11 રહેવાસીઓ સાથે છેતરપિંડી

2026-03-30 17:47:12
Author: Yogesh D. Patel
Article Image

તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી નાણાકીય વ્યવહારો માટે બૅંક ખાતાં ખોલાવ્યાં

થાણે: થાણે જિલ્લાના 11 રહેવાસીઓને સરકારી યોજના હેઠળ સસ્તામાં ઘર અપાવવાને બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી અને તેમના દસ્તાવેજોેનો દુરુપયોગ કરીને નાણાકીય વ્યવહારો માટે બૅંક ખાતાં ખોલવામાં આવ્યાં હતાં.ઉલ્હાસનગરમાં રહેતી આ કેસની ફરિયાદી 54 વર્ષની મહિલાએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) યોજના હેઠળ તેને રાહત દરે ઘર અપાવવાનું આશ્વાશન આપીને વિશ્વાશ સંપાદન કર્યો હતો.

ફરિયાદી મહિલા ઉપરાંત અન્ય રહેવાસીઓને પણ મ્હાડાના ઘર સસ્તામાં અપાવવાનું આશ્વાશન આપીને આરોપીઓએ છેલ્લાં બે વર્ષમાં તેમની પાસેથી રૂપિયા લીધા હતા.હિલલાઇન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ સિમ કાર્ડ મેળવવા, ઇમેઇલ આઇડી તૈયાર કરવા અને બૅંક ખાતાં ખોલવા માટે રહેવાસીઓની વ્યક્તિગત વિગતોનો દુરુપયોગ કર્યો હતો. 

આરોપીઓએ પ્રત્યેક રહેવાસી પાસેથી પાંચ હજાર રૂપિયા લીધા હતા અને તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને તેમના નામે ખોલવામાં આવેલા બૅંક ખાતા દ્વારા મોટા નાણાકીય વ્યવહારો કર્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.તેમણે દસ્તાવેજોનો ઉપયોગ કરીને તથા બોગસ હસ્તાક્ષર દ્વારા કંપનીઓ તથા બિલ્ડરોના બૅંક ખાતાંમાં ભંડોળ ટ્રાન્સફર કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. 

દરમિયાન મહિલાએ શનિવારે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ત્રણ આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. આરોપીઓએ આ પ્રમાણે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાની પોલીસને શંકા છે. (પીટીઆઇ)