Fri Sep 04 2026

Logo

લઠ્ઠાકાંડ: કોણે કહ્યું કે, દૂધ ને દારૂ બન્ને મંગાવો દારૂ પહેલા ન આવે તો જીવતા સમાધિ લઈ લઉ?જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાશે: જીતુ વાઘાણી

2026-08-21 22:30:22
Author: Mumbai Samachar Team
લઠ્ઠાકાંડ: કોણે કહ્યું કે, દૂધ ને દારૂ બન્ને મંગાવો દારૂ પહેલા ન આવે તો જીવતા સમાધિ લઈ લઉ?જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાશે: જીતુ વાઘાણી

અમદાવાદ: ભાવનગર જિલ્લામાં ભેળસેળયુક્ત દારૂના સેવનથી સર્જાયેલી દુર્ઘટના અંગે રાજ્ય સરકાર વતી ઊંડા દુઃખ અને સંવેદના વ્યક્ત કરતાં પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનો સાથે સંપૂર્ણ સંવેદનાથી ઊભી છે. સમગ્ર ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

પોલીસનું મેગા સર્ચ
તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતાં જ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની સૂચનાથી પોલીસ વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. અસરગ્રસ્ત લોકોને શોધી કાઢી હોસ્પિટલમાં ખસેડવા, મેડિકલ તપાસ કરાવવા અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી હતી. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે, જ્યારે 16 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. પોલીસ દ્વારા આશરે 29 લોકોને શોધી કાઢી તેમની મેડિકલ તપાસ અને જરૂરી સારવાર કરાવવામાં આવી છે. 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસના આધારે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયા હોવાનું જણાવ્યું હતું.

SMCને સોંપાઈ ખાસ જવાબદારી
સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને સોંપી છે. આ ઘટનાના તાર અન્ય રાજ્ય સુધી પહોંચતા હોય તો ત્યાં પણ જઈને તપાસ અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ તપાસ એજન્સીઓને આપવામાં આવી છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં જે બેદરકારી સામે આવી છે તેના પગલે બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંત્રી વાઘાણી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જવાબદારી નક્કી કરવામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને તપાસના અંતે જે કોઈની સંડોવણી અથવા બેદરકારી બહાર આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા માનવતાપૂર્ણ અભિગમ સાથે કામગીરી કરવામાં આવી છે. 

તબીબી તપાસ કરાશે
જેમને કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો હોય અથવા ભેળસેળયુક્ત દારૂનું સેવન કર્યું હોવાની સંભાવના હોય તેવા લોકોને પણ શોધી કાઢી તેમની તબીબી તપાસ કરાવવામાં આવી છે. કેટલાક સ્થળોએ રહેલા પદાર્થોને પણ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને દૂર કરવામાં આવ્યા છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિ, તેને મદદ કરનાર કે કોઈપણ સ્તરે સંડોવાયેલા વ્યક્તિ સામે કાયદા મુજબ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે. વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, સિવિલ હોસ્પિટલ સહિત સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ સાથે કરવામાં આવેલી ચર્ચાઓ અંગે પણ માહિતી આપી હતી. રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આગળની તપાસ તથા કાર્યવાહી ત્વરિત અને પારદર્શક રીતે કરવામાં આવશે.

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા
આ સમગ્ર કેસમાં હકીકત એ પણ છે કે, આ કેસમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે. કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુએ જણાવ્યું હતું કે, મારૂ તો એવું માનવું છે કે, ખબર ન હોવી કે ખબર ન પડવી કે ધ્યાનમાં નથી, એ વર્તમાન ગુજરાત અને વર્તમાન લોકશાહીમાં ઉલ્લુ બનાવવાની વાત છે. સરકારને ન દેખાતું હોય એવું તો કશુ જ નથી. તેજસ્વી આંખથી સરકાર બધુ જાણે છે પણ મતથી ડરતી આ સરકારમાં કોઈ મરે તો ભલે મરે, પછી લઠ્ઠાકાંડ હોય કે ભેળસેળ. જ્યાં સુધી અવાજ ઊઠાવવામાં નથી આવતો ત્યાં સુધી કશુ જ થતું નથી. પોલીસ કેટલા એક્ટિવ થશે અને કેટલા પેસીવ થશે એ તો સરકારની પોલિસી પર આધારિત હોય છે. સરકારના ઈરાદાઓ પર આનો આધાર હોય છે.

એકબાજુ દારૂબંધીની મોટી મોટી વાતો કરો છો, ધાર્મિકતાની વાતો કરો છો, લઠ્ઠાકાંડથી તો મોત થયા છે. ક્યાં જઈને અટકશે આ બધું? બુટલેગરોને સાચવવા માટે આવું તો ઘણું બધુ છે. દારૂ તો માત્ર અણી જેટલું છે. ખૂબ નબળા ઈરાદા સરકારના હોય એવું બતાવે છે. આ લઠ્ઠાકાંડ પહેલીવાર નથી થયા. ગુજરાતની સંસ્કૃતિ પર પ્રહાર છે. કાયદો અને વ્યવસ્થા પર આ પ્રહાર છે. એક ઠોસ ઓર્ડર આપવા જોઈએ કે, જે અત્યારે થયું એ ભવિષ્યમાં ન થાય. પણ આ નબળી સરકારના કોઈ ઈરાદા નથી. કારણ કે, એમને હપ્તામાં રસ છે, કેટલાક અસામાજિક તત્ત્વોને સાચવવામાં રસ છે. આજે કોણ આનંદમાં છે એ તો જોવો? શિક્ષણ હોય, ખેડૂત હોય, આ સરકારની કુનીતિઓને ભૂલીને દુઃખ ભૂલાવવા માટે નશાખોરોએ નશો કર્યો એના ઉપર પણ જોખમ છે. આ જાડીની ચામડીની સરકારને કોઈ નોંધ નહીં.