થાણે: થાણેમાં 23 માળની બિલ્ડિંગના સમારકામ માટે બાંધેલી પાલખ સાથે ગળાફાંસો ખાઈ સિનિયર સિટીઝને કથિત આત્મહત્યા કરી હતી.કાસારવડવલી પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ વિદ્યાસાગર એમ. વી. (72) તરીકે થઈ હતી. કાસારવડવલી વિસ્તારની તારાંગણ સોસાયટીમાં બનેલી ઘટના શુક્રવારની વહેલી સવારે પ્રકાશમાં આવી હતી.
વિદ્યાસાગર તારાંગણ બિલ્ડિંગના 14મા માળે રહેતા હતા. બિલ્ડિંગના ડક એરિયામાં બાંધવામાં આવેલી લાકડાની પાલખને 12મા માળે બેડશીટ બાંધી વિદ્યાસાગરે ગળાફાંસો ખાધો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.બનાવની જાણ થતાં પોલીસ, રિજનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલ અને ફાયર બ્રિગેડની ટીમ સ્કાયલિફ્ટ મશીન સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ કલાકના ઑપરેશન પછી સિનિયર સિટીઝનના મૃતદેહને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. કાસારવડવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો, એવું ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઘટનાના એક દિવસ પહેલાં જ માજીવડા વિસ્તારમાં ગગનચુંબી ઈમારતના 21મા માળેથી પડી જવાથી મહિલાએ જીવ ગુમાવ્યો હતો. (પીટીઆઈ)