ભાટી એન.
કેરીની સિઝન હવે શરૂ થઈ ચુકી છે. ત્યારે કુદરતનું આ મીઠી મધુર કેરીનો પ્રારંભ ઉનાળામાં થતા તેના બજાર ભાવ થોડા ઊંચા હોય છે. સિઝન મધ્યે તેના બજાર ભાવ ઘટતો હોય તેમાંથી વળી મિડલ ઇસ્ટમાં યુદ્ધમય માહોલે હોર્મુઝ ખાડીમાં માલ વાહક જહાજોની આવાજાહી પર રોક લાગી છે.
ખાડી દેશોમાં આપણી કેરીની માગ વિશેષ રહે છે. નિકાસમાં ઘટાડાને પગલે અને માલની આવક વધ્યે આ વેળા કેરીનાં ભાવો એટલા ઊંચા નહીં રહે તેવું અનુમાન બજાર વર્તુળમાંથી જાણવા મળે છે. જૂનાગઢ આસપાસ ગીર વિસ્તારમાં મબલખ આવક થતી હોય છે. વંથલી ગામમાં કેરીની સિઝનમાં કેરીનું પીઠ બની જતું હોય છે. કેસર કેરી વધુ વખાણાતી હોય છે. જો કે હવે કચ્છ ઉપરાંત મોરબી નજીકનાં શિવપુરમાં પણ કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.
કેરીના બે પ્રકારો છે. રસ કાઢી શકાય તેવી અને કાપીને ખાઈ શકાય તેવી. કેસર સિવાય અન્ય ઘણી જાતોની કેરીઓ બજારોમાં જોવા મળે છે. તેના કદ-આકાર અને રંગોમાં પણ અલગતા જોવા મળે છે, જૂનાગઢ-ગીરની કેસર તથા સાકરિયા કેરી, મદ્રાસની બાટલી, આફૂસ, રણોલીની આફૂસ અને પાયરી વલસાડ અને પારડી તાલુકાની આફૂસ કેરીઓ. વલસાડની વલસાડી કેરી તેમ જ ભારતની શેવપ્પા ખોવાર અને સુંદરી, કારલે તથા કેસરિયા, ઉત્તર ભારતની બનારસી લંગડો, કિશન તેમજ સફેદ લખનવી કેરી, મુંબઈ મહારાષ્ટ્રની આફૂસ છે. ગોવાની રત્નાગીરી, તોતાપુરી વગેરે નામોથી ઓળખાય છે. કેરીના રંગમાં ઓરેન્જ, ગુલાબી, લીલી અને સફેદ હોય છે.
કાચી કેરીની પણ માગ રહે છે. કારણ કે કાચી કેરી જમવામાં કચુંબરના સ્થાને લેવાય છે, તો બારમાસી અથાણા બનાવવામાં કાચી કેરીનું જ અથાણું-મુરબ્બો બને છે. કેરી તમામ ફળોમાં સર્વશ્રેષ્ઠ હોઈ, તેને ‘ફળો નો રાજા’અને ‘અમૃતફળ’નું ઉપનામ મળેલું છે. વૈશ્વિક સ્તરે આફ્રિકા- ઓસ્ટ્રેલિયા-ફ્લોરીડા-બ્રાઝીલ-શ્રીલંકા અને ફિલીપાઈન્સમાં આંબાનાં વાવેતરથી કેરીનું ઉત્પાદન થાય છે. વિશ્વની બધી જ કેરીઓ વિવિધ રંગ-શેડ ધરાવે છે. માત્ર ને માત્ર ભારતના લખનઊમાં જ સફેદ કેરીનું ઉત્પાદન થાય છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે કેરીમાં વિટામિન ‘એ’ અને ‘સી’ પુષ્કળ પ્રમાણમાં મળે છે, વિટામિન ‘એ’ જંતુ નાશક છે, જયારે વિટામિન ‘સી’ ચર્મરોગ નાશક છે.
કેરી શીતળ ફળ છે. આયુર્વેદ અનુસાર કેરી વાયુ નાશક અને પિત્તનાશક છે. જોકે તે કફ કારક છે. કેરીના સેવનનો અતિરેક થાય તો શરીરમાં તેમ જ નેત્ર વિકાર અને રક્ત વિકારની ભીતિ રહે છે.
હવે કેરીનાં સ્વાસ્થ્ય અંગેના મહત્ત્વના ઔષધિય ગુણો પણ જોઈએ. કેરી ખાવાથી ક્રાંતિ, તેજસ્વિતા વધે છે, રસ, ધાતુ સારા પ્રમાણમાં પેદા થાય છે, દૂધ સાથે કેરીના સેવનથી ફેફસાના રોગો, લોહીની નબળાઈમાં પણ કેરી ઔષધિય કામ કરે છે. કેરીને ઘી સાથે સેવન કરવાથી પિત્તના વિકારોનું શમન થાય છે.
કેરીનો મુરબ્બો રક્તની વૃદ્ધિ કરે છે, કેરી હૃદય માટે પણ સારું ફળ ગણાય છે, શરીરમાં રક્તકણ પણ કેરીના સેવનથી વધે છે, આંતરડા માટે ઉત્તમ છે. પાચનને લગતી તકલીફો, માટે પણ સારું ફળ ગણાય છે. કેરીનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે કેરી પચવામાં ભારે છે. અન્ય ભોજન સાથે કેરી લેવાથી શરીરમાં મેદ વધે છે! વધુ પડતી કેરી ખાવાથી અપચો થાય છે. તેમ છતાં ઉનાળાનું ઉત્તમ ફળ કેરી ખાવી અનિવાર્ય છે.